Friday, April 25, 2014

પુસ્તક મારી નજરે.. મેલુહા: કર્મથી મહાન બનવાનો સંદેશ આપતા મહાદેવની કથા



માણસ જન્મથી નહીં, કર્મથી મહાન બને છે. હર એકમાં મહાદેવ બનવાની શક્તિ સમાયેલી છે.. જ્યારે રણમેદાનમાં એ પોતાના યોદ્ધાઓને આવા જોશીલા સંદેશ સાથે આહ્‌વાન કરે છે કે, તમે પણ મહાદેવ છો, હર એક મહાદેવ છે ત્યારે ચોમેરથી ‘હર હર મહાદેવ’નો નાદ ઉઠે છે… આપણે જ્યારે મંદિરમાં ‘હર હર મહાદેવ’ બોલીએ છીએ તેનો એક અર્થ પણ આવો હશે?
જે શિવને લોકો મહાદેવ માનતા હતા, તારણહાર માનતા હતા, જેણે મેલુહાવાસીઓને ઐતિહાસિક જીત અપાવી હતી, એ જ મહાદેવ યુદ્ધ જીત્યા પછી પોતાની જ નજરમાં એક કેદી બની ગયો હતો. યુદ્ધમાં શસ્ત્રોના પ્રહારોથી ઘાયલ ન થનારો મહાદેવ જીત્યા પછી એક અપરાધબોધની લાગણીથી ઘવાયો હતો. બચપણમાં અનુભવેલો અપરાધબોધ જીત્યા પછી વધુ ઘેરો બની ગયો હતો.  જે મહાદેવને લોકો તારણહાર માનતા હતા, એ જ મહાદેવ પોતાને અપરાધબોધમાંથી કોઈ તારે તેની ખોજ કરી રહ્યો હતો… પરંતુ તેની લડાઈ કદાચ તેણે જાતે જ લડવાની હતી. કારણ કે શિવ હતો.. એ મહાદેવ હતો..
“ વિશ્વના દરેક ખુણે કોઇને કોઇ કારણોસર લડાઇઓ ચાલ્યા જ કરે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. આ બધાની વચ્ચે માત્ર મહાદેવ નિર્ણય કરી શકે કે કઈ લડાઇને શુભ અને અશુભ વચ્ચેના મહાયુદ્ધનું રૂપ આપવું!.. ”   
મેલુહા, પૌરાણિક પાત્રો અને પૃષ્ઠભૂમિને લઇને લખાયેલી એક અનોખી નવલકથા. આઇઆઇએમ-કલકત્તાના સ્નાતક અમિષ ત્રિપાઠીની આ નવલકથાએ અનેકોને ઘેલું લગાડ્યું છે. વાર્તાની શૈલીઅને ઘટનાઓની હારમાળા મેલુહામાં આવતા ‘સોમરસ’ જેવી છે.  
મેલુહા નવલકથા વાચકોને સંદેશ પણ આપતી જાય છે: “સમય અને અજ્ઞાનતાની ગર્તામાં ઘણઆ કિંમતી પાઠ આપણે વિસારે પાડી બેઠા છીએ. જીવનમાં દરેક મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઊંચાઈ હાંસલ કરી શકે છે. દરેકે દરેક વ્યક્તિમાં ભગવાન બનવાનું સામર્થ્ય સમાયું છે. આમાંથી કંઈ અશક્ય નથી. આપણે તો માત્ર અંદરથી આવતો આત્માનો અવાજ સાંભળવાનો છે…. ”


Saturday, April 19, 2014

‘તાપ’ હૃદય અને મગજને દઝાડે છે... :નાટક રિવ્યૂ


સ્ત્રીની લાચારી અને તેના પરના અત્યાચારોની દાસ્તાન રજૂ કરતું નાટક ‘તાપ’ દર્શકોના મગજ અને હૃદયને દઝાડી દે તેવું છે. નાટકના ઘણા સીનમાં પ્રેક્ષકોના હૃદયને રીતસર ઝાળ લાગે… સંવેદનશીલ પ્રેક્ષકનું હૃદય કદાચ નાટકના દાઝી ગયેલા પાત્રની જેમ દાઝવા પણ લાગે… પરંતુ સમાજમાં જોવા મળતી આ હકીકત છે, અને એનાથી મોઢું ફેરવી શકાય નહીં. કોઈને એવો પણ સવાલ થાય કે, સ્ત્રી પરના અત્યાચારોનેઆત્યંતિક રીતે રજૂ કરાયા છે કે શું???
પણ સત્ય ઘટના પર આધારિત આ નાટકના પાત્રો જેમના પરથી સર્જવામાં આવ્યા છે, એ સ્ત્રી પાત્રો જ્યારે બર્બરતાની ઘડીમાંથી પસાર થઈ હશે, એ સમયે અને એ પછી તેમને કેટલો ‘તાપ’ સહન કરવો પડ્યો હશે? જો કે બે કલાકના ‘તાપ’માં જ દર્શકોને આટલી ઝાળ લાગતી હોય તો એવી સમાજમાં રહેલી એવી લાચાર સ્ત્રીઓનું શું, જેમના પર અત્યાચાર થયા હતા અને આજે પણ થઈ રહ્યા છે??? દિલ્હી ગેંગરેપ અને મુંબઈ સામુહિક બળાત્કારની ઘટનાઓ જૂની નથી…

સ્ત્રીના શરીરને રમવાની ઢીંગલીની જેવું ગણતા હેવાનોનો ત્રાસ આજે પણ ઓછો નથી. એમાંયે ઉત્તરપ્રદેશના કદાવર નેતા અને એક સમયના મુખ્યમંત્રી, હાલના મુખ્યમંત્રીના પિતા મુલાયમસિંહ યાદવ બળાત્કાર જેવી ઘટના અંગે એવું નિવેદન કરે કે, બાળકો છે, ભૂલ થઈ જાય, એમાં ફાંસી આપી દેવાની??? પોતાની પાર્ટીને ‘સમાજવાદી’ ગણાવતા આ નેતા કેવા સમાજનું નિર્માણ કરવા માગે છે? અને આવા નિવેદનો છતાં તેનો વાળ પણ વાંકો નથી થતો ત્યારે આ દેશનો કાયદો અને વ્યવસ્થા પણ અત્યારચારનો ભોગ બનેલી એ સ્ત્રી જેવાં જ લાચાર, નિ:સહાય અને કમજોર જણાય છે, જે પોતાના પરના અત્યાચારીને ભાંડવા સિવાય કશું કરી શકતી નથી.
સ્ત્રી સશક્તિકરણના નામે માત્ર નેતાઓનું અને મહિલા નેતાઓનું સશક્તિકરણ થાય છે, વોટબેન્ક મજબૂત બને છે, પણ છેવાડાની સ્ત્રીઓ તો આજે પણ કમજોર હોવાનો અહેસાસ કરી રહી છે.
નૈષધ પુરાણી લિખિત, દિગ્દર્શિત નાટક ‘તાપ’ હૃદયને ઝાળ લગાવવા સાથે એક સંદેશ પણ આપતું જાય છે. નાટકના કેટલાક સંવાદો હૃદયને હચમચાવી જાય છે… બળાત્કાર વિશે પોલીસ આટલું બધું કેમ પૂછે છે? જ્યારે કોઈ મદદ ન કરવાની હોય છતાં પણ? મદદ ન કરવા માટે પણ આટલું બધું પૂછવાનું???
… અને આનંદ એ વાતનો છે કે, આ નાટક સ્ટેજથી દૂર થયેલા કલાકારને પુન: સ્ટેજ પર લાવવા નિમિત્ત બન્યું છે. એક કલાકાર ૧૯ વર્ષ પછી અને એક કલાકાર ૧૦ વર્ષ પછી સ્ટેજ પર આવ્યા છે. આ સાથે શુભકામનાઓ પાઠવું છું કે, હવે આ કલાકારો નિયમિત રીતે સ્ટેજ પરફોર્મ કરતા રહે. નાટકની વાત કરીએ તો, કલાકારોએ પાત્રમાં જીવ રેડી દીધો છે, લાઇટ-સાઉન્ડ-મ્યુઝિક નાટકની સંવેદનશીલતાને વધુ ઘેરી બનાવે છે, ગુડ વર્ક.
આશા રાખું છું કે, બીજું નાટક પણ જલ્દી નિહાળવા મળે. આભાર નૈષધ.
લિ. સંદીપ કાનાણી

Tuesday, April 15, 2014

જૂનાગઢ લોકસભા વિસ્તારનો પોલિટિકલ ગ્રાઉન્ડ  રીપોર્ટ
નવગુજરાત સમય, પેજ-૦૯, તારીખ ૧૪-૦૪-૨૦૧૪





Tuesday, October 22, 2013

પુસ્તક મારી નજરે.. OLD MAN AND THE SEA..


પુસ્તક મારી નજરે..
OLD MAN AND THE SEA.. અર્નેસ્ટ હેમિંગ્વે.. નોબલ પારિતોષિક વિજેતા પુસ્તક.. ગમતાનો કરીએ ગુલાલ
# ઘણીવાર જીત્યા પછી પણ પરિસ્થિતિ નથી બદલાતી... પણ હારી જવું એ માણસના સ્વભાવમાં નથી.. કારણ..
"A man is not made for defeat. A man can be destroyed but not defeated."
 

# ઓલ્ડ મેન એન્ડ ધ સી...ના વૃદ્ધ સાન્ટીયાગોની વાર્તા ઝઝૂમવાની પ્રેરણા આપી જાય છે. એ વૃદ્ધનો જુસ્સો પણ સમુદ્રના ધીર-ગંભીર અને અવિરત ઉછળતા મોજાઓ જેવો છે. ઉંમરની અસર, અશક્તિ, થાક તેને અવરોધી શકતા નથી. ૮૪ દિવસ સુધી રોજ-રોજ દરિયો ખેડ્યા છતાં પણ માછલીઓ નથી પકડાતી, ત્યારે ૮૫માં દિવસે પણ તે "Everyday is new day"ના વિચાર સાથે નીકળી પડે છે. તે મો...ટ્ટી માછલી પકડવાનો સંકલ્પ કરે છે. ખૂબ દૂર- ખૂબખૂબ દૂર જાય છે અને અજબ માછલી પકડે પણ છે..
... તે મોટી માછલીને પોતાના નાના મછવા સાથે બાંધીને કિનારે લઈ તો આવે છે. પણ મછવો કિનારે પહોંચે ત્યારે માછલીનું માત્ર હાડપિંજર જ બચ્યું હોય છે. રસ્તામાં શાર્ક માછલીઓ એ સાન્ટીયાગોએ પકડેલી માછલીના માંસનું ભક્ષણ કરી જાય છે.. સાન્ટીયાગો શાર્ક માછલીઓનો પણ હિંમતથી મુકાબલો કરે છે.. તે માછલીઓને ભગાડી પણ દે છે... પણ પોતે પકડેલી માછલીનું માંસ બચાવી શકતો નથી..
# મોટી માછલી પકડવાનો સંકલ્પ તેણે પૂરો કર્યો છે.. તે વિજેતા છે.. પરાક્રમ કરીને આવેલો વીરયોદ્ધા છે.. આમ છતાં તેના હાથમાં કશું જ નથી.. યુદ્ધના અનુભવો અને જીતની નિશાનીઓ સિવાય કશું જ નથી..
# ખૂબ જ સરસ વાર્તા..

પુસ્તક મારી નજરે... ફાંસલો


પુસ્તક મારી નજરે... ફાંસલો-અશ્વિની ભટ્ટ... પુસ્તક વાંચન પછીના આનંદની વહેંચણી...
# ક્રાંતિ ક્યારેક ગરીબોથી નથી થઈ શકતી. સાધન-સંપન્ન-બુદ્ધિશાળી(ઇન્ટેલેક્ચુઅલ્સ) વર્ગ જ ક્રાંતિ કરી શકે છે. ગરીબો-અભાવમાં જીવતા લોકો હલ્લો-બળવો કરી શકે.. જેની આવરદા ખૂબ જ ટૂંકી હોય છે.. આમ છતાં મને ખોટા પડવું ગમશે.. (પ્રસ્તાવનમાં અશ્વિની ભટ્ટ..) 

પુસ્તક : ફાંસલો
# સમયની સાથે માણસના વિચારો, પરિસ્થિતિ, જરૂરિયાત.. બધું બદલાય છે.. આદર્શો પણ સમય સાથે બદલાય એવું બને... 

# ફાંસલો.. દેશમાં ક્રાંતિ-પરિવર્તન લાવવાના હેતુસર કેટલાક નવલોહિયા યુવાનો ‘બેન્ક ઓફ મેવાડ’ લૂંટવાનું કાવતરું ઘડે છે. ગોવિંદ ભંડારી તેનો નાયક હોય છે. બધા મિત્રો ગોવિંદના ક્રાંતિના વિચારો (મોટેભાગે નક્સલવાદી વિચારો) સાથે સંમત નથી હોતા, છતાં તેઓ લૂંટમાં જોડાય છે... મિત્રભાવથી અને પરિવર્તન લાવવાના સાચા ઇરાદાથી.. પણ હેતુ ભલે ગમે તેટલો ઉમદા હોય તો શું થયું? યુવાનોએ કરેલું કૃત્ય ‘હાર્ડકોર ક્રાઇમ’ હતું અને ગુનાની સજા તો ભોગવવી જ પડે. # રૂપિયા ૧૦ લાખની લૂંટ સાથે બેન્કના લોકરમાંથી કેટલીક એવી માહિતીનો જથ્થો તેમને હાથ લાગે છે.. જે રાજકીય ઉથલપાથલ સર્જી શકે.. તખ્તો પલટ કરી શકે.. ઘટનાઓની ઘટમાળ ચાલતી રહે છે.. જિગર પરોત સમગ્ર કથાનો નાયક બની રહે છે..

# જેલમાં ૧૦ વર્ષની સજા ભોગવ્યા પછી બહાર નીકળે ત્યારે જિગર સામે એ સવાલ ઊભો જ હોય છે કે, ‘જેના માટે જેલમાં ગયા હતા એ મિશન છોડી દેવાનું?’ ૧૦ વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ચૂકી હોય છે.  
દિવંગત અશ્વિની ભટ્ટ

 # ફરી એ રહસ્યમય વિસ્ફોટક માહિતી મેળવવાની કવાયત શરૂ થાય છે..કોઈ રહસ્યમય ફિલ્મની જેમ આખી નવલકથા આગળ વધ્યા કરે છે.. 
# ફાંસલોમાં વાત છે મિત્રતાની, ક્રાંતિની તમન્નાની, રાજકારણીઓની બદમાશીની, જોરજુલમ-અન્યાયની, યૌવનના આવેગની, પ્રામાણિક ફરજની, બદલાની... લૂંટ વખતે મળેલા માલનું રહસ્ય વાચકોને છેવટ સુધી જકડી રાખે છે.. 
# ક્રાંતિ ગરીબોથી થઈ શકતી નથી.. આમ છતાં મને ખોટા પડવું ગમશે.. (અશ્વિની ભટ્ટ)...
# મારા મતે, ક્રાંતિ માટે આર્થિક ગરીબીની તો ખબર નહીં, પણ બૌદ્ધિક ગરીબી અને ઇરાદાઓનો અભાવ તો ન જ ચાલે.. એ ચોક્કસ..
# ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ.. ગમતાંનો કરીએ ગુલાલ..

ફ્રૂટ અને દવા..


હોસ્ટેલમાં ભણતા હતા ત્યારની વાત છે. એક મિત્ર બિમાર પડ્યો. ખિસ્સામાં ૭૦-૮૦ રૂપિયા જ હતા. ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તપાસીને કહ્યું, ‘‘કંઈ નહીં, તાવ છે અને થોડી નબળાઈના કારણે ચક્કર આવે છે. દવા લખી દઉં છું. દવા લઇ લે જો અને ફ્રૂટ ખાજો.’’ ડોક્ટરે પોતાની ફીના ૫૦ રૂપિયા લીધા.
પૈસા આપતી વખતે મારો મિત્ર બોલ્યો, ‘‘લ્યો સાહેબ, હવે ફ્રૂટ તમે ખાજો...’’
ડોક્ટરે કહ્યું, ‘‘કેમ?’’
મિત્ર બોલ્યો, ‘‘આ ફ્રૂટના પૈસા તો તમને આપી દઉં છું. બાકી જે પૈસા ખિસ્સામાં બચ્ચા છે, તેમાંથી દવાય માંડ આવશે… ’’
ડોક્ટરે પણ હંસતા-હંસતા કહ્યું, ‘‘બને એવું, આ જ જિંદગી છે..’’

Saturday, September 7, 2013

આદત નથી

સમુદ્રમંથનમાંથી નીકળ્યું ઝેર તોય હસતા-હસતા પી ગયા
પછી ગળું લીલું કરીને નીલકંઠ બનવાની આદત નથી

બે પળ હળ્યા-મળ્યા- હસ્યા-બોલ્યા-લડ્યા અને છુટા પડ્યા
પછી વિવાદ છાપરે ચડાવી ''કોઈ''ને રુસ્વા કરવાની આદત નથી

કહેવત છે કે પ્રેમ હોય બિનશરતી, જમાનો શરતી પ્રેમનો છે
પણ શરતોના વાડામાં બંધાઈને પ્રેમ કરવાની આદત નથી


- સંદીપ (અગાઉ લખેલી કવિતા)

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...