Showing posts with label Patidar Anamat Aandolan. Show all posts
Showing posts with label Patidar Anamat Aandolan. Show all posts

Wednesday, October 19, 2016

મારી વાર્તા: આંસુ અને અંધારું….


શહેરના છેવાડે આવેલા એક પરાના એક ઘરમાં ઘડિયાળમાં રાત્રે સવા દસ વાગ્યા અને માતાના પેટમાં ફાળ પડી. હમણાં તેનો દીકરો આવીને ધમાલ કરશે, ગાળા-ગાળી, હાથ ઉપાડો કરીને ત્રાસ વર્તાવશે. બીમારી તથા વૃદ્ધાવસ્થાના કારણે પથારીવશ પિતાના ચહેરા પર પણ ચિંતાનો ભાર ખડકાયો. વૃદ્ધ પતિ-પત્નીનો અડધી કલાક ઉચાટમાં જ ગયો. ‘ક્યારે આવશે નખ્ખોદિયો. આવીને ઝટ જમીને સૂઇ જાય એટલે નિરાંત’ ક્રોધના આવેશમાં માતા બબડી. અને અચાનક બારણે ટકોરા થયા. દરવાજો ખોલ્યો અને દીકરો રમેશ લથડિયા ખાતો, ગાળો બોલતો ઘરમાં આવ્યો. ‘ઝટ ખાવાનું પીરસ ડોશી, બહુ ભૂખ લાગી છે…’ ડરેલી માતાએ ધ્રૂજતા હાથે થાળી પીરસી. રમેશે બબડતાં બબડતાં જ જમી લીધું અને પોતાના રૂમમાં સુવા ચાલ્યો હતો. બીજી તરફ બત્તીઓ બુઝાવી માતાએ પણ લંબાવ્યું. 

રમેશ આમ તો નાનપણથી જ તોફાની પણ ખબર નહીં ક્યારથી કુસંગે ચડી ગયો. દારૂ પીવો, જુગાર રમવો, કોઇની સાથે જવું એવું બધું તો હવે જાણે કોઠે પડી ગયું પણ છેલ્લા ઘણા વખતથી તેણે હાથ ઉપાડવાનો શરૂ કર્યો ત્યારથી માતા-પિતા બંને તેનાથી ડરવા લાગ્યા છે. વૃદ્ધ માતાએ રમેશને વારવાનો અનેક વાર પ્રયાસ કર્યો પણ હવે તો બોલવાનું શરૂ કરે તે પહેલાં દીકરાનો માર શરૂ થઈ જતો. અંતે તે મુંગા મોઢે સહન કરતી. ‘ક્યા ભવનું લેણું બાકી છે કે આવા દિવસ જોવા પડે છે?’ પથારીમાં તે મનોમન બબડતી હતી. 

‘જુવાન દીકરો છે. કંઇ કહેવાય નહીં. ભલે ગમે તેવો છે પણ ઘડપણનો આધાર’ એવું વિચારીને તે મન મનાવતી. છતાં તેને પેટમાં સતત ફાળ રહેતી. ‘રખેને તેને કંઇ થઈ જાય તો? આ ડોક્ટરે કહ્યું કે તેના દીકરાને એઇડ્સ થયો છે ત્યારથી તો તેણે દીકરાને કંઇ પણ કહેવાનું જ બંધ કરી દીધું હતું…’ મા જાણે નિરાશાની અંધારી ખાઇમાં ખોવાઈ ગઈ હતી. તમરાની ચીચીયારીઓ વચ્ચે આકાશમાં મધરાતનું અંધારું જામી ગયું હતું. 

એક દિવસ શહેરમાં ધમાલ થઈ. સમાજવાળા કંઇક આંદોલને ચઢ્યા. તોફાનો થયા. તેનો દીકરો આજે વહેલો ઘરે આવી ગયો હતો. પણ મધરાતે પોલીસ આવીને મારતી મારતી ઉપાડી ગઈ. સોસાયટીના બીજા ચાર-પાંચ છોકરાવને પણ લઈ ગઈ. બીજા દિવસે માતા અને સોસાયટીના લોકો પોલીસ સ્ટેશને ગયા ત્યારે ખબર પડી કે તેનો દીકરો તો લોક અપમાં જ પોલીસના મારથી મરી ગયો છે. તૂટેલી લાકડી જેવો એકનો એક સહારો પણ ભગવાને છીનવી લીધો.. પોલીસ સ્ટેશનમાં જ માતા ભાંગી પડી.. હોબાળો મચી ગયો. પરાંથી લઇને આખા શહેરમાં પોલીસના ત્રાસ સામે રોષ ફેલાયો. ફરી તોફાનો, તોડફોડ, ક્યાંક પોલીસ સ્ટેશનો પણ સળગાવાયા. સમાજના એક યુવકના પોલીસ દમનથી થયેલા મોતના ઘેરા પડઘા પડ્યા. 

સમાજના લોકો વૃદ્ધ દંપતિને આશ્વાસન આપવા દોડી આવ્યા. ‘તમારા દીકરાની શહીદી એળે નહીં જાય. સમાજનાં આંદોલનમાં તેની આહુતિ એળે નહીં જાય. અમે હવે ન્યાય લઇને જ રહીશું’ જેવા ભાષણો-ઘોષણાઓ થઈ. વૃદ્ધ દંપતિ તરફ સહાયનો ધોધ વહેવાનો શરૂ થયો. વૃદ્ધ દંપતિને આજીવન નિભાવની ગોઠવણો પણ થઈ ગઈ. 

થોડા દિવસો શોકમાં ગયા. બીજી તરફ શહેરમાં આવતા કોઇ પણ નેતા કે આગેવાનો વૃદ્ધ દંપતિની મુલાકાત અચૂક લેતા. પોલીસના ત્રાસના વિવરણો પૂછીને સહાનુભૂતિ વ્યક્ત કરતા, છાપાવાળા સામે ફોટો પડાવતા, સહાયના ચેકો આપતા અને જતા રહેતા. સમાજ અને નેતાઓ તરફથી મળેલી સહાય પછી ઘરની આર્થિક ભીડ થોડી હળવી થઈ હતી. પાડોશવાળા નિયમિત ખ્યાલ રાખતા હતા. કારણ, સમાજના આગેવાનો અને નેતાઓને વૃદ્ધ દંપતિના દીકરાના મૃત્યુના આંસુથી આંદોલનમાં સતત ઘી રેડવાનું હતું…
 
સમયચક્ર ચાલ્યા કર્યું. ફરી એક રાત પડી. આકાશમાં ઘેરાતા અંધારા સાથે વૃદ્ધ માતા વિચારે ચડી, ‘આંસુ આંસુમાં પણ કેટલો ફર્ક હોય છે? દીકરાના હાથનો માર ખાઇને પડતાં આસું, થતી વેદના માટે કોઇ પૂછવા નહોતું આવતું. હવે કોઈ મારનારું નથી, ગાળો દઇ અપમાનિત કરનારું નથી. છતાં આંસુ સારવાના છે, લોકોને-સમાજને દેખાવડા.. આ આંસુ આજે બહુ કિંમતી બની ગયા છે. જીવતે જીવ જે દીકરો કંઇ કામ ના આવ્યો, તે મર્યા પછી…. આજે દીકરો જીવતો હોત તો…? સવાલોની ગડમથલ વચ્ચે રાતના અંધારાએ શહેર પર કબજો જમાવ્યો અને ચોમેર શાંતિ છવાઇ ગઈ. 
(આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે)

Sunday, August 30, 2015

તોફાનો પાછળની એક હકીકત અને વિચાર: જ્યારે બાલિશ નેતા પીઢ સમાજને જોખમમાં મુકે છે!


આખરે પાટીદારોનું અનામત આંદોલન તોફાનોમાં જ ફેરવાઈ ગયું હતું. વર્ગવિગ્રહના ભય વચ્ચે પોલીસ અને પાટીદારો વચ્ચે વિગ્રહ શરૂ થઈ ગયો. જવાબદાર કોણ? હંગામાની શરૂઆત કેવી રીતે થઈ હતી? પોલીસ-પાટીદારો વચ્ચે જે તાલમેળ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ની સાંજ સુધી હતો એ અચાનક કેમ વિખાયો? આ પ્રશ્નો આજે અનેક લોકોને સતાવી રહ્યા છે. જવાબ મેળવવાની કવાયતમાં બધી અલગ અલગ વિગતો સાંભળવા મળી રહી છે.
એક મહત્વપૂર્ણ વાત એવી સામે આવી છે કે, સતત અપમાન અને અટકચાળાઓએ કાયદાના રક્ષકોની ધીરજ અને સંયમ છીનવી લીધા હતા. સમાજની એકતા (ટોળાશાહી)ના નામે સમગ્ર સિસ્ટમને હાઇજેક કરવાનો હઠાગ્રહ હતો અને સામે ‘કાયદાનું ભાન’ કરાવવાની કશ્મકશ ચાલી. જેના તીખારા પહેલાથી જ જ્વલંતશીલ સ્થિતિ પર ઉડ્યા અને તોફાનોની જ્વાળાઓ ઠેર-ઠેર ઊઠવા લાગી.
૨૫મી ઓગસ્ટે મહાસભા અને ક્રાંતિ રેલી પછી હાર્દિક અને મિત્રમંડળીએ અનશન શરૂ કર્યા. દરમિયાન સ્થળ પર સંયમ રાખીને ડ્યૂટી કરતા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓના અટકચાળા બાલિશ યુવાનોએ શરૂ કરી દીધા હતા:
‘શું નામ તમારું?.. તમે તો અનામત ક્વોટાવાળા..’ ‘તમે કેવા?.. તમેય અનામત ક્વોટાવાળા..’
આવી અનેક ટીખળો ખાખીના સ્વમાનને ક્યાંક ઠેસ પહોંચાડતી હતી. ખુદ નેતા જ જો પોતાના ભાષણમાં મુખ્યમંત્રી પદની ગરીમા જાળવ્યા કે સમજ્યા વિના, તેમને ગ્રાઉન્ડ પર બોલાવવાનો આગ્રહ કરતો હોય અને વિવેક ચૂકતો હોય તો પછી તેમના આસપાસના મિત્રો પાસેથી તો શું અપેક્ષા રહે?
કોઈ નક્કર પ્લાનિંગ વિના, સૂઝે તેવા તુક્કાઓને અમલી બનાવતા નેતા અને મિત્રમંડળીએ પરવાનગી વિના અનશન તો શરૂ કર્યા જ. સાથે તેમને રાત્રે લાખ માણસનું ટોળું એકઠું કરીને ‘પાવર’ બતાવવાનું તરકટ સૂઝ્યું. બધા મિત્રોને કહેવાયું તે, તેઓ બધા તેમના ૫૦-૫૦ મિત્રોને મેસેજ કરીને ગ્રાઉન્ડ પર બોલાવે અને આ રીતે રાત્રે જંગી સંખ્યામાં યુવાનો એકઠા થાય.
ફરજ પર હાજર સિનિયર પોલીસ અધિકારીઓએ તેમને સમજાવવાના પ્રયાસો કર્યા અને પોતાની મજબૂરી પણ દર્શાવી. ફરી એક બાલિશ યુવાને ‘પોલીસવાળાનું તે વળી શું સાંભળવાનું?’ કહીને તેમનું અપમાન અને અવગણના કરી.
સિનિયર અધિકારી કડવો ઘૂંટ પી ગયા. નેતા અને મિત્રોને સલામતી જોખવામાની ચિંતા દર્શાવીને બધાને સલામત સ્થળે ખસેડાયા.
પણ ખાખી વર્દીના સ્વમાનને લાગેલી ઠેસ અન્ય અધિકારીથી ન સહેવાણી. આખરે ‘કાયદાનું ભાન’ કરાવવા લાઠીવાળી શરૂ થઈ અને પછી ગુજરાતભરમાં તેના પડઘા તોફાનો અને પાટીદાર-પોલીસ વિગ્રહ તરીકે પડ્યા. ક્યાંક પાટીદારોએ રોષ ઠાલવ્યો, ક્યાંક પોલીસે સૂકા ભેગું લીલું બાળ્યું અને બેફામ થઈ દમન ગુજાર્યું. સ્થિતિ કાબૂ બહાર જતી રહી.
જવાબદાર કોણ? શું એ પોલીસ જેણે સાંજ સુધી સહકાર આપ્યો, ધીરજ રાખી, છતાં અટકચાળા અને અપમાનો કરીને તેમની ધીરજ-સંયમ છીનવી લેવાયા? કે એ બાલિશ નેતા અને તેના મિત્ર, જેમણે કાયદાના ખેતરમાં સીમાઓ જાણ્યા વિના તોરમાં આવીને ખુલ્લેઆમ ભેલાણ કર્યું?
વૈચારિક સ્પષ્ટતા વિનાના, અવિચારી, જીદ્દી, આપખુદ નેતાનું અનુસરણ પીઢ સમાજને હંમેશા જોખમમાં મૂકે છે. જે નેતા બંધદિમાગ છે, વસ્તુ સ્થિતિ સમજવા તૈયાર નથી, કોઇનું માનવા-સાંભળવા તૈયાર નથી, તે સમાજને કેવી રીતે સાથે રાખી શકશે? તે સમાજને કેવી રીતે દોરવણી આપશે?
.. અને નેતાને સમજ્યા વિના, એકતાના નામે વિશ્વાસ મૂકીને કે ખાલી દેખાડા ખાતરની એકતા દર્શાવવા તેની સાથે જોડાનારો સમાજ ખરેખર કઈ દિશામાં જશે?
જે લોકો અત્યાર સુધી નેતાગીરીમાં વિશ્વાસ કરતા હતા તેઓ આજે કહે છે કે, ‘આણે તો સમાજનું નામ બોળ્યું.’
પાટીદાર યુવાનો જ કહે છે કે, આ તો સમાજની એકતાના નામે હાર્દિક સાથે રહેવું પડ્યું. બાકી તેને સમર્થન આપવા કોઈ તૈયાર નથી.
રેલીમાં જોડાનારા યુવાનો જ કહે છે કે, ‘આ રીતે કામ ન થાય. જો તમે સમાજની વાત કરતા હો તો તમારે સમાજના લોકો-વડીલોની વાત સાંભળવી પણ પડે.’
પાટીદાર મહાસભા અને ક્રાંતિરેલીનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો એક ગરીબ પરિવારનો આધાર છીનવાયો છે અને એકનો એક કૂળદીપક બુઝાયો છે. અન્ય નવ પરિવારોમાં પણ મોતનો માતમ છવાયો છે અને અનેક નિર્દોષ લોકો જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે, તેમના પરિવારો પીડાના ભાર નીચે દબાઈ ગયા છે. સંપત્તિ-માલમિલકતને પણ લાખોનું નુકસાન પહોંચ્યું છે.
સભા રેલી અને તે પછીની ઘટનાઓ બહુ મોટો સંદેશો આપી રહ્યા છે.
-     શું એક વ્યક્તિના માર્ગે ચાલવાથી, તેની જીદ આગળ ઝુકવાથી જ પાટીદાર સમાજના પ્રશ્નો હલ થઈ જશે?
-     પાટીદાર સમાજના અનેક પ્રશ્નો છે: શિક્ષણથી લઈને બેરોજગારી સુધીના.. શું અનામત જ ઉકેલ છે?
-     જવાબ જે હોય તે, પણ તે આવી રીતે હંગામાથી જ મળશે? સંવાદથી ઉકેલ ન આવી શકે?
-     બંધ દિમાગથી અન્ય ખુલ્લી દિશાઓ નથી જોઈ શકાતી. સમાજની એકતા જરૂરી-મહત્વની છે. એકતા એ મહાશક્તિ છે. પણ આ શક્તિ વેડફાય નહીં, તેનો દુરુપયોગ ન થાય તે પણ જરૂરી-મહત્વનું છે.
-     જ્યારે એક નેતા પ્રજાને યોગ્ય દિશામાં ન લઈ જતો હોય ત્યારે સમાજ પાસે બે વિકલ્પ હોય છે: કાં તો નેતા બદલો, કાં રસ્તો બદલો. નેતાને જ્ઞાન લાધે ત્યાં સુધી સમાજને હાલાકીમાં મુકવાનું જોખમ સમજદારો નથી લેતા.

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...