આખરે પાટીદારોનું અનામત આંદોલન તોફાનોમાં જ ફેરવાઈ ગયું હતું. વર્ગવિગ્રહના ભય વચ્ચે પોલીસ અને પાટીદારો વચ્ચે વિગ્રહ શરૂ થઈ ગયો. જવાબદાર કોણ? હંગામાની શરૂઆત કેવી રીતે થઈ હતી? પોલીસ-પાટીદારો વચ્ચે જે તાલમેળ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ની સાંજ સુધી હતો એ અચાનક કેમ વિખાયો? આ પ્રશ્નો આજે અનેક લોકોને સતાવી રહ્યા છે. જવાબ મેળવવાની કવાયતમાં બધી અલગ અલગ વિગતો સાંભળવા મળી રહી છે.
એક મહત્વપૂર્ણ
વાત એવી સામે આવી છે કે, સતત અપમાન અને અટકચાળાઓએ કાયદાના રક્ષકોની ધીરજ અને સંયમ છીનવી
લીધા હતા. સમાજની એકતા (ટોળાશાહી)ના નામે સમગ્ર સિસ્ટમને હાઇજેક કરવાનો હઠાગ્રહ હતો
અને સામે ‘કાયદાનું ભાન’ કરાવવાની કશ્મકશ ચાલી. જેના તીખારા પહેલાથી જ જ્વલંતશીલ સ્થિતિ
પર ઉડ્યા અને તોફાનોની જ્વાળાઓ ઠેર-ઠેર ઊઠવા લાગી.
૨૫મી ઓગસ્ટે મહાસભા
અને ક્રાંતિ રેલી પછી હાર્દિક અને મિત્રમંડળીએ અનશન શરૂ કર્યા. દરમિયાન સ્થળ પર સંયમ
રાખીને ડ્યૂટી કરતા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓના અટકચાળા બાલિશ યુવાનોએ શરૂ કરી દીધા
હતા:
‘શું નામ તમારું?..
તમે તો અનામત ક્વોટાવાળા..’ ‘તમે કેવા?.. તમેય અનામત ક્વોટાવાળા..’
આવી અનેક ટીખળો
ખાખીના સ્વમાનને ક્યાંક ઠેસ પહોંચાડતી હતી. ખુદ નેતા જ જો પોતાના ભાષણમાં મુખ્યમંત્રી
પદની ગરીમા જાળવ્યા કે સમજ્યા વિના, તેમને ગ્રાઉન્ડ પર બોલાવવાનો આગ્રહ કરતો હોય અને
વિવેક ચૂકતો હોય તો પછી તેમના આસપાસના મિત્રો પાસેથી તો શું અપેક્ષા રહે?
કોઈ નક્કર પ્લાનિંગ
વિના, સૂઝે તેવા તુક્કાઓને અમલી બનાવતા નેતા અને મિત્રમંડળીએ પરવાનગી વિના અનશન તો
શરૂ કર્યા જ. સાથે તેમને રાત્રે લાખ માણસનું ટોળું એકઠું કરીને ‘પાવર’ બતાવવાનું તરકટ
સૂઝ્યું. બધા મિત્રોને કહેવાયું તે, તેઓ બધા તેમના ૫૦-૫૦ મિત્રોને મેસેજ કરીને ગ્રાઉન્ડ
પર બોલાવે અને આ રીતે રાત્રે જંગી સંખ્યામાં યુવાનો એકઠા થાય.
ફરજ પર હાજર સિનિયર
પોલીસ અધિકારીઓએ તેમને સમજાવવાના પ્રયાસો કર્યા અને પોતાની મજબૂરી પણ દર્શાવી. ફરી
એક બાલિશ યુવાને ‘પોલીસવાળાનું તે વળી શું સાંભળવાનું?’ કહીને તેમનું અપમાન અને અવગણના
કરી.
સિનિયર અધિકારી
કડવો ઘૂંટ પી ગયા. નેતા અને મિત્રોને સલામતી જોખવામાની ચિંતા દર્શાવીને બધાને સલામત
સ્થળે ખસેડાયા.
પણ ખાખી વર્દીના
સ્વમાનને લાગેલી ઠેસ અન્ય અધિકારીથી ન સહેવાણી. આખરે ‘કાયદાનું ભાન’ કરાવવા લાઠીવાળી
શરૂ થઈ અને પછી ગુજરાતભરમાં તેના પડઘા તોફાનો અને પાટીદાર-પોલીસ વિગ્રહ તરીકે પડ્યા.
ક્યાંક પાટીદારોએ રોષ ઠાલવ્યો, ક્યાંક પોલીસે સૂકા ભેગું લીલું બાળ્યું અને બેફામ થઈ
દમન ગુજાર્યું. સ્થિતિ કાબૂ બહાર જતી રહી.
જવાબદાર કોણ?
શું એ પોલીસ જેણે સાંજ સુધી સહકાર આપ્યો, ધીરજ રાખી, છતાં અટકચાળા અને અપમાનો કરીને
તેમની ધીરજ-સંયમ છીનવી લેવાયા? કે એ બાલિશ નેતા અને તેના મિત્ર, જેમણે કાયદાના ખેતરમાં
સીમાઓ જાણ્યા વિના તોરમાં આવીને ખુલ્લેઆમ ભેલાણ કર્યું?
વૈચારિક સ્પષ્ટતા
વિનાના, અવિચારી, જીદ્દી, આપખુદ નેતાનું અનુસરણ પીઢ સમાજને હંમેશા જોખમમાં મૂકે છે.
જે નેતા બંધદિમાગ છે, વસ્તુ સ્થિતિ સમજવા તૈયાર નથી, કોઇનું માનવા-સાંભળવા તૈયાર નથી,
તે સમાજને કેવી રીતે સાથે રાખી શકશે? તે સમાજને કેવી રીતે દોરવણી આપશે?
.. અને નેતાને
સમજ્યા વિના, એકતાના નામે વિશ્વાસ મૂકીને કે ખાલી દેખાડા ખાતરની એકતા દર્શાવવા તેની
સાથે જોડાનારો સમાજ ખરેખર કઈ દિશામાં જશે?
જે લોકો અત્યાર
સુધી નેતાગીરીમાં વિશ્વાસ કરતા હતા તેઓ આજે કહે છે કે, ‘આણે તો સમાજનું નામ બોળ્યું.’
પાટીદાર યુવાનો
જ કહે છે કે, આ તો સમાજની એકતાના નામે હાર્દિક સાથે રહેવું પડ્યું. બાકી તેને સમર્થન
આપવા કોઈ તૈયાર નથી.
રેલીમાં જોડાનારા
યુવાનો જ કહે છે કે, ‘આ રીતે કામ ન થાય. જો તમે સમાજની વાત કરતા હો તો તમારે સમાજના
લોકો-વડીલોની વાત સાંભળવી પણ પડે.’
પાટીદાર મહાસભા
અને ક્રાંતિરેલીનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો એક ગરીબ પરિવારનો
આધાર છીનવાયો છે અને એકનો એક કૂળદીપક બુઝાયો છે. અન્ય નવ પરિવારોમાં પણ મોતનો માતમ
છવાયો છે અને અનેક નિર્દોષ લોકો જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે, તેમના પરિવારો પીડાના
ભાર નીચે દબાઈ ગયા છે. સંપત્તિ-માલમિલકતને પણ લાખોનું નુકસાન પહોંચ્યું છે.
સભા રેલી અને
તે પછીની ઘટનાઓ બહુ મોટો સંદેશો આપી રહ્યા છે.
-
શું
એક વ્યક્તિના માર્ગે ચાલવાથી, તેની જીદ આગળ ઝુકવાથી જ પાટીદાર સમાજના પ્રશ્નો હલ થઈ
જશે?
-
પાટીદાર
સમાજના અનેક પ્રશ્નો છે: શિક્ષણથી લઈને બેરોજગારી સુધીના.. શું અનામત જ ઉકેલ છે?
-
જવાબ
જે હોય તે, પણ તે આવી રીતે હંગામાથી જ મળશે? સંવાદથી ઉકેલ ન આવી શકે?
-
બંધ
દિમાગથી અન્ય ખુલ્લી દિશાઓ નથી જોઈ શકાતી. સમાજની એકતા જરૂરી-મહત્વની છે. એકતા એ મહાશક્તિ છે. પણ આ શક્તિ વેડફાય નહીં,
તેનો દુરુપયોગ ન થાય તે પણ જરૂરી-મહત્વનું છે.
-
જ્યારે
એક નેતા પ્રજાને યોગ્ય દિશામાં ન લઈ જતો હોય ત્યારે સમાજ પાસે બે વિકલ્પ હોય છે: કાં
તો નેતા બદલો, કાં રસ્તો બદલો. નેતાને જ્ઞાન લાધે ત્યાં સુધી સમાજને હાલાકીમાં મુકવાનું
જોખમ સમજદારો નથી લેતા.
No comments:
Post a Comment