Wednesday, October 19, 2016

મારી વાર્તા: આંસુ અને અંધારું….


શહેરના છેવાડે આવેલા એક પરાના એક ઘરમાં ઘડિયાળમાં રાત્રે સવા દસ વાગ્યા અને માતાના પેટમાં ફાળ પડી. હમણાં તેનો દીકરો આવીને ધમાલ કરશે, ગાળા-ગાળી, હાથ ઉપાડો કરીને ત્રાસ વર્તાવશે. બીમારી તથા વૃદ્ધાવસ્થાના કારણે પથારીવશ પિતાના ચહેરા પર પણ ચિંતાનો ભાર ખડકાયો. વૃદ્ધ પતિ-પત્નીનો અડધી કલાક ઉચાટમાં જ ગયો. ‘ક્યારે આવશે નખ્ખોદિયો. આવીને ઝટ જમીને સૂઇ જાય એટલે નિરાંતક્રોધના આવેશમાં માતા બબડી. અને અચાનક બારણે ટકોરા થયા. દરવાજો ખોલ્યો અને દીકરો રમેશ લથડિયા ખાતો, ગાળો બોલતો ઘરમાં આવ્યો. ‘ઝટ ખાવાનું પીરસ ડોશી, બહુ ભૂખ લાગી છેડરેલી માતાએ ધ્રૂજતા હાથે થાળી પીરસી. રમેશે બબડતાં બબડતાં જ જમી લીધું અને પોતાના રૂમમાં સુવા ચાલ્યો હતો. બીજી તરફ બત્તીઓ બુઝાવી માતાએ પણ લંબાવ્યું

રમેશ આમ તો નાનપણથી જ તોફાની પણ ખબર નહીં ક્યારથી કુસંગે ચડી ગયો. દારૂ પીવો, જુગાર રમવો, કોઇની સાથે જવું એવું બધું તો હવે જાણે કોઠે પડી ગયું પણ છેલ્લા ઘણા વખતથી તેણે હાથ ઉપાડવાનો શરૂ કર્યો ત્યારથી માતા-પિતા બંને તેનાથી ડરવા લાગ્યા છે. વૃદ્ધ માતાએ રમેશને વારવાનો અનેક વાર પ્રયાસ કર્યો પણ હવે તો બોલવાનું શરૂ કરે તે પહેલાં દીકરાનો માર શરૂ થઈ જતો. અંતે તે મુંગા મોઢે સહન કરતી. ‘ક્યા ભવનું લેણું બાકી છે કે આવા દિવસ જોવા પડે છે?’ પથારીમાં તે મનોમન બબડતી હતી

જુવાન દીકરો છે. કંઇ કહેવાય નહીં. ભલે ગમે તેવો છે પણ ઘડપણનો આધારએવું વિચારીને તે મન મનાવતી. છતાં તેને પેટમાં સતત ફાળ રહેતી. ‘રખેને તેને કંઇ થઈ જાય તો? આ ડોક્ટરે કહ્યું કે તેના દીકરાને એઇડ્સ થયો છે ત્યારથી તો તેણે દીકરાને કંઇ પણ કહેવાનું જ બંધ કરી દીધું હતુંમા જાણે નિરાશાની અંધારી ખાઇમાં ખોવાઈ ગઈ હતી. તમરાની ચીચીયારીઓ વચ્ચે આકાશમાં મધરાતનું અંધારું જામી ગયું હતું

એક દિવસ શહેરમાં ધમાલ થઈ. સમાજવાળા કંઇક આંદોલને ચઢ્યા. તોફાનો થયા. તેનો દીકરો આજે વહેલો ઘરે આવી ગયો હતો. પણ મધરાતે પોલીસ આવીને મારતી મારતી ઉપાડી ગઈ. સોસાયટીના બીજા ચાર-પાંચ છોકરાવને પણ લઈ ગઈ. બીજા દિવસે માતા અને સોસાયટીના લોકો પોલીસ સ્ટેશને ગયા ત્યારે ખબર પડી કે તેનો દીકરો તો લોક અપમાં જ પોલીસના મારથી મરી ગયો છે. તૂટેલી લાકડી જેવો એકનો એક સહારો પણ ભગવાને છીનવી લીધો.. પોલીસ સ્ટેશનમાં જ માતા ભાંગી પડી.. હોબાળો મચી ગયો. પરાંથી લઇને આખા શહેરમાં પોલીસના ત્રાસ સામે રોષ ફેલાયો. ફરી તોફાનો, તોડફોડ, ક્યાંક પોલીસ સ્ટેશનો પણ સળગાવાયા. સમાજના એક યુવકના પોલીસ દમનથી થયેલા મોતના ઘેરા પડઘા પડ્યા

સમાજના લોકો વૃદ્ધ દંપતિને આશ્વાસન આપવા દોડી આવ્યા. ‘તમારા દીકરાની શહીદી એળે નહીં જાય. સમાજનાં આંદોલનમાં તેની આહુતિ એળે નહીં જાય. અમે હવે ન્યાય લઇને જ રહીશુંજેવા ભાષણો-ઘોષણાઓ થઈ. વૃદ્ધ દંપતિ તરફ સહાયનો ધોધ વહેવાનો શરૂ થયો. વૃદ્ધ દંપતિને આજીવન નિભાવની ગોઠવણો પણ થઈ ગઈ

થોડા દિવસો શોકમાં ગયા. બીજી તરફ શહેરમાં આવતા કોઇ પણ નેતા કે આગેવાનો વૃદ્ધ દંપતિની મુલાકાત અચૂક લેતા. પોલીસના ત્રાસના વિવરણો પૂછીને સહાનુભૂતિ વ્યક્ત કરતા, છાપાવાળા સામે ફોટો પડાવતા, સહાયના ચેકો આપતા અને જતા રહેતા. સમાજ અને નેતાઓ તરફથી મળેલી સહાય પછી ઘરની આર્થિક ભીડ થોડી હળવી થઈ હતી. પાડોશવાળા નિયમિત ખ્યાલ રાખતા હતા. કારણ, સમાજના આગેવાનો અને નેતાઓને વૃદ્ધ દંપતિના દીકરાના મૃત્યુના આંસુથી આંદોલનમાં સતત ઘી રેડવાનું હતું
 
સમયચક્ર ચાલ્યા કર્યું. ફરી એક રાત પડી. આકાશમાં ઘેરાતા અંધારા સાથે વૃદ્ધ માતા વિચારે ચડી, ‘આંસુ આંસુમાં પણ કેટલો ફર્ક હોય છે? દીકરાના હાથનો માર ખાઇને પડતાં આસું, થતી વેદના માટે કોઇ પૂછવા નહોતું આવતું. હવે કોઈ મારનારું નથી, ગાળો દઇ અપમાનિત કરનારું નથી. છતાં આંસુ સારવાના છે, લોકોને-સમાજને દેખાવડા.. આ આંસુ આજે બહુ કિંમતી બની ગયા છે. જીવતે જીવ જે દીકરો કંઇ કામ ના આવ્યો, તે મર્યા પછી. આજે દીકરો જીવતો હોત તો? સવાલોની ગડમથલ વચ્ચે રાતના અંધારાએ શહેર પર કબજો જમાવ્યો અને ચોમેર શાંતિ છવાઇ ગઈ
(આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે)

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...