Showing posts with label #novel on world war. Show all posts
Showing posts with label #novel on world war. Show all posts

Tuesday, August 11, 2020

ઝેર તો પીધાં છે જાણી જાણી - ગમી ગયેલા વાક્યો, અવતરણો..

‘‘ખરડાય એની શરમ નથી. આત્માને વીસરી જઇને ભૂંડડાની જેમ લહેરથી આળોટ્યા કરીએ તેમાં નીચાજોણું છે. બેઠો થઈ જા. ધૂળ ખંખેરી નાંખ.. ’’ - ગોપાલદાસ બાપા. 

ગોપાળ બાપા કહે, ‘‘હા ભાઈ, ભજન તો ઘાયલ આત્માની વાણી છે. માંહીથી વિંધાણા વિના એને અડીએ તો બગલાનો અવતાર આવે.’’ (પેજ-૫૬)

‘‘પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ એક હકીકત છે, તેમાં જ્ઞાનપૂર્વકની તિતિક્ષા એ જ એકમાત્ર ઔષધ છે.’’


‘‘માણસ જીવે છે ત્યાં સુધી અનુભવો મેળવે છે, ને તે અનુભવોથી કાં સારો થાય છે કાં ખરાબ’’ (પેજ-૧૩૬) 


‘‘એમનાં મનમાં તે ઘડીએ પાપ નહીં હોય, પણ પાપ ક્યારે પેસે છે તે કેમ ઊગે છે તે શી ખબર?’’ (પેજ-૧૪૮) 

‘‘ખતારીપૂર્વક માનજો કે બધે જ શ્રીમંતો તો સરખાં જ છે. માત્ર ભાષાફેર છે, પણ તેમાંયે ચીનના આ જમીનદારો તો શિરટોચ છે. છતાંયે હીનતાની છેલ્લી કક્ષાએ પહોંચેલા આ દેશને જોયા પછી મને તો ખાતરી થઈ ગઈ છે કે, ત્રીસ વર્ષ પછી દુનિયાના મહાનરાષ્ટ્રોમાંનો એ એક હશે. જે અપાર માનવબળ, ખનીજસંપત્તિ, ને તેથીયે અદકી અપાર સહનશીલતા આ વિશાળ ધરતી ને તેના હૈયામાં પડી છે, તે એનું સ્થાન લીધા સિવાય રહેવાની નથી.. ’’ (પેજ-૧૫૬)


‘‘માનવતાપ્રિય ને અર્થશાસ્ત્રી થજે. બીજાનું પહેલું તરંગ બની જાય છે, ને પહેલા વગરનું બીજું પશુતા છે. તમારા હિન્દુસ્તાનીઓની પાસે એક છે, બીજું શીખો.. ’’ (પેજ-૧૫૮)


‘‘પોતાની જૂની હેટ બતાવી મને કહે, એ તો મારી હેટ જ કહી આપે છે. એનો અર્થ તો એ કે તું રાજકારણને કેળવણી કરતાં  ને બાહ્ય સંરચનાને આંતર ઘડતર કરતાં વધારે મહત્વ આપે છે, હું એમ નથી માનતો.. ’’ (પેજ-૧૫૮)


‘‘ખરેખર ઘણા કાળથી આવો માણસ પૃથ્વી પર નથી ફર્યો. માત્ર ટ્રેજેડી (કરુણાંત) એની આજુબાજુનાં આપણે સૌ એટલાં નાનાંછીએ કે આપણી આંગળી પકડીને ચાલતા એમણે વાંકા વળવું પડે છે. એમની સંપૂર્ણ ઉચ્ચતા સાથે એમને ઊભા રહેવા જેવી તક જ નથી. આપણે વામણાં લોકો એમને આપણી તરફ નીચે ને નીચે જ ખેંચી જઈએ રહ્યાં છીએ, ને એ ય કરુણાવત્સલ ભાવે ખરડાવા તૈયાર રહે છે. અહીં એક અપૂર્વ ટ્રેજેડીની વસ્તુ છે. આત્મા ઊંચે ને ઊંચે જવા ઝંખે છે, તેને કરુણા અને નીચે આવવા બોલાવે છે. આ ખેંચતાણ કેવી મધૂર, કેવી ગંભીર, છતાં કેવી વ્યર્થપૂર્ણ હોય છે એ મને લાગે છે કે, કોઈક કવિએ ચીતરવું પડશે.. ’’ (પેજ-૧૬૬) 


‘‘ધરણીધરે જેવું ધાર્યું હોય તેવું બને છે. તેની ધારણાથી આપણી ધારણા જુદી લાગે તોયે ધીરજ રાખવી. બાકી તો સંસાર ખાર જેવો છે. થોડો હોય તો બધાને મીઠું કરે, ઝાઝો હોય તો ખારું કરી મુકે.. ’’ (પેજ-૨૦૦) 


‘‘હિન્દુસ્તાનમાં માણસ વહેલો જન્મે છે, વહેલો ઘરડો થાય છે ને વહેલો મરે છે.. ’’ (પેજ-૨૧૯)


‘‘મને દહાડે દહાડે શંકા પડતી જાય છે કે, વડાપ્રધાન અમુક હદ સુધી પૂરા સાચે છે, અમુક હદ સુધી પૂરા ખોટા છે. જો કે એમની ખુરશીમાં બેઠા સિવાય આમ કહેવું તે ઘણું અનુચિત પણ ગણાય.. ’’ (પેજ-૨૧૯)


‘‘ડાહ્યાઓ એકમત થતા નથી. મુર્ખાઓમાં એકમતતા લાવવી સહેલી છે. કારણ કે, તેમનામાં મતિ જ હોતી નથી.. ’’ (પેજ-૨૨૩) 


‘‘જીતે તેના ગુણગાન સહુ ગાય છે ને હારેલા સિંહને શિયાળવું પણ બચકું ભરી શકે છે. અમે જીત્યા હોત તો અમારા ગુણગાન ગવાત. ઇતિહાસ તો વિજયની રથવાહિની છે.. ’’ (પેજ-૨૨૬) 


‘‘જાતિમાત્રની સંસ્કૃતિનો આધાર સ્ત્રીઓ જ છે, તે તેની માતાઓની તેજોયમ વિભૂતિમાંથી મને શીખવા મળ્યું - ને જે જાતિ પોતાની સ્ત્રીઓ પરત્વે લઘુતાભાવ કેળવે છે, તેને માટે સંસ્કૃતિના આ દરબારમાં લઘુ આસન નિર્મિત થયું છે.’’ (પેજ-૨૫૫) 


‘‘ખોરાકમાં ઝેરી માદક નુકસાન કરનારાં દ્રવ્યો ભેળ‌વનારા સામે કાયદા છે. લોકોની રુચિ ને વિચારોમાં ઝેર કે મદ ભેળવવા સામે કશો કાયદો ન થઈ શકે? શહેર આખાને જંતુનાશક પાણી મળવું જોઇએ તેવી ગોઠવણ આપણે કરી છે, પણ રોજ સવારમાં લોકોના હૃદયમાં આવાં ચેપી જંતુઓ ફેલાવાય તેની સામે શું?’’ (પેજ-૨૫૮)


‘‘સત્કૃત્યની ગોળી પિસ્તોલની ગોળી કરતાં ય શક્તિશાળી છે તેમ પૂરવાર થાઓ!’’ (પેજ-૨૭૧)  

પુસ્તક આસ્વાદ: ઝેર તો પીધાં છે જાણી જાણી - ગમતાનો કરીએ ગુલાલ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પુસ્તક હાલમાં જ વાચ્યું. ગુજરાતી સાહિત્યની તે શીરમોર નવલકથા છે. મનુભાઇ પંચોળી ‘દર્શક’ની સાડા ત્રણ દાયકાની ‘લેખન સાધના’ કહો કે ‘તપ’ની એ ફળશ્રુતિ છે, અને એટલે જ આજે પોણા ચાર દાયકા પછી પણ એ એટલી જ ‘સુપરહિટ’ છે.

આ નવલકથા ત્રણ ભાગના લાબાં ફલક પર વહેંચાયેલી છે, પણ તે કોઈ લાંબી વાર્તા માત્ર નથી. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાનો આછેરો ચિતાર આવરી લેતી ઐતિહાસિક કથાવાર્તા સમ છે.

સન ૧૯૫૨માં પ્રથમ ભાગ પ્રકાશિત થયો ને બહોળા વાચકોની પ્રશંસા પામ્યો. પછી ૧૯૫૮માં બીજો ભાગ અને ત્રીજો ભાગ ૧૯૮૨માં.. ત્યાં સુધી વાચકોને તેનો લાંબો ઇંતેજાર રહ્યો (આપણે તો માત્ર બાહુબલિ પાર્ટ-૨ માટે બે જ વર્ષ રાહ જોઈ.. પણ એ સમયે છ-સાત દાયકા પહેલાં લોકોએ આ કૃતિ માટે કેટલી રાહ જોઈ એ તેની લોકચાહના દર્શાવે છે.. ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર નહીં પણ ઇન્ટરનેશનલ બેસ્ટ રીડિંગ...) અને ત્યાં સુધી અનેક વાચકોનો ‘દર્શક’ પર પત્રમારો-વિનંતી સ્વરૂપે સતત દબાવ પણ રહ્યો.


કથાના પ્રારંભમાં જ ગોપાળદાસબાપા નદીની કોતરોમાં વાડી ઊભી કરવા ગાયકવાડી મહારાજા પાસે જમીન વેચાતી માગે છે, રાજા સામે જે નિર્ભયતાથી સ્પષ્ટ સત્ય પણ ઉચ્ચારે છે અને તંત્રની દેખાયેલી મર્યાદા પણ સમજાવી દે છે. એ જ ગુણોના બીજ સત્યકામમાં બચપણમાં જ વવાઇ ગયેલા, અને આ જ બીજ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના માહોલમાં ઉછરેલા દેખાય છે, સત્યકામ ઉર્ફે પંડિત કેશવદાસ જે મક્કમતાથી વિશ્વયુદ્ધમાં પાવરફુલ લોકો સાથે વાત કરે છે, દબાવ બનાવે છે, અનેક યુદ્ધત્રસ્તજનોને રેડક્રોસ સાથે જે રાહત પહોંચાડે છે.. જાણે ગોપાલબાપાની જહેમતથી ‘જડ કોતરો’ને તોડીને કે તેમની વચ્ચે જ ઊેગેલાં શીતળ છાંયા આપતાં ‘અડગ વૃક્ષો’..


પ્રથમ વિશ્વયુદ્ધ પશ્ચાત અને બીજા વિશ્વયુદ્ધ પૂર્વેની આંતરરાષ્ટ્રીય સ્થિતિ, એ માહોલમાં કેટલાક બહાદુર ભારતીયોની ભૂમિકા.. અને તેની વચ્ચે ચાલતી કથા પ્રસંગોની હારમાળા જાણે વાચકને એ માહોલમાં લઈ જાય, તેમાંની કેટલીક ઘટનાઓ સંપૂર્ણ સત્ય છે ને પાત્રોના નામ બદલીને એમની એમ જ મુકાઈ છે એવું ખુદ દર્શકે જ લખ્યું છે.
યહુદીઓનો સંઘર્ષ, હિટલરનું રાક્ષસીપણું, જર્મની-જાપાનીઓની યુદ્ધજીદ કહો કે વિનાશ વેરવાની જીદ વગેરેની ઝાંખી આ નવલકથામાં મળે છે. યુદ્ધ વચ્ચે પૂર્વના બુદ્ધ અને પશ્ચિમના ઇશુનો સંદેશ જ કારગત છે એવું પ્રસ્થાપિત સત્ય પ્રસંગોમાં જોવા મળે છે.


જર્મન સાથે સંધિની બોઝની મર્યાદાઓ (જર્મન કોઇને વફાદાર નહોતા રહ્યા.. નહોતા રહેવાના) અને મહાત્મા ગાંધીનો તત્કાલીન માર્ગ કેટલો ઉચિત હતો તેના વિશે પણ નવી દૃષ્ટિ મળે છે. આ વાત માત્ર ભાવનાત્મક આધાર પર નથી લખી. પણ દર્શકે અનેક ઐતિહાસિક તથ્યોનો આધાર લઈને રજૂ કરી છે. આ સાથે રેફરન્સ બુક્સની યાદી પણ આપી છે, જેથી લોકો જાતે પણ વાંચી શકે.


વિશ્વ યુદ્ધથી થનારી બરબાદી રોકવાનો ઉકેલ પણ બુદ્ધ અને ઇશુ ચીંધ્યો ‘માર્ગ’ જ હતો, પણ જ્યાં સુધી સમગ્ર વિશ્વે બે પરમાણુ બોમ્બની ભયાનક અસરો ને ખુંવારી ના જોઈ ત્યાં સુધી કોઈ સમજ્યું નહીં..


સાડા ત્રણ દાયકાની ‘લેખન સાધના’ અને ત્રણ ભાગમાં પ્રકાશિત આ નવલકથા આજે પોણા ચાર દાયકા પછી પણ એટલી જ લોકપ્રિય છે.


ખાસ નોંધ કે આ કોઈ પુસ્તકની સમીક્ષા નથી. ઝેર તો પીધાં જાણી જાણી જેવી અમર કૃતિની સમીક્ષા કરવાનું મારું ગજું પણ નથી. પણ પુસ્તક વાચ્યા પછી તેનો મને મળેલો આસ્વાદ-આનંદ મિત્રો સાથે વહેંચવાની ટેવ કહો કે પ્રયાસ છે.. ગમતું મળે તો લ્યા ગુંજે ના ભરીએ.. ગમતાનો કરીએ ગુલાલ..


આ વાચતા વાચતા મને દુ:ખિયારા (લા મિઝરેબલ - વિક્ટર હ્યુગો) પણ યાદ આવી, જે ઘણા સમય અગાઉ વાંચી હતી. મારા મતે ‘ઝેર તો જાણી જાણી’ પણ એ જ કક્ષાની ‘વર્લ્ડ બેસ્ટ’ કૃતિ છે.


- સંદીપ કાનાણી, તા.૧૧-૦૮-૨૦૨૦

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...