‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પુસ્તક હાલમાં જ વાચ્યું. ગુજરાતી સાહિત્યની તે શીરમોર નવલકથા છે. મનુભાઇ પંચોળી ‘દર્શક’ની સાડા ત્રણ દાયકાની ‘લેખન સાધના’ કહો કે ‘તપ’ની એ ફળશ્રુતિ છે, અને એટલે જ આજે પોણા ચાર દાયકા પછી પણ એ એટલી જ ‘સુપરહિટ’ છે.
આ નવલકથા ત્રણ ભાગના લાબાં ફલક પર વહેંચાયેલી છે, પણ તે કોઈ લાંબી વાર્તા માત્ર નથી. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાનો આછેરો ચિતાર આવરી લેતી ઐતિહાસિક કથાવાર્તા સમ છે.
કથાના પ્રારંભમાં જ ગોપાળદાસબાપા નદીની કોતરોમાં વાડી ઊભી કરવા ગાયકવાડી મહારાજા પાસે જમીન વેચાતી માગે છે, રાજા સામે જે નિર્ભયતાથી સ્પષ્ટ સત્ય પણ ઉચ્ચારે છે અને તંત્રની દેખાયેલી મર્યાદા પણ સમજાવી દે છે. એ જ ગુણોના બીજ સત્યકામમાં બચપણમાં જ વવાઇ ગયેલા, અને આ જ બીજ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના માહોલમાં ઉછરેલા દેખાય છે, સત્યકામ ઉર્ફે પંડિત કેશવદાસ જે મક્કમતાથી વિશ્વયુદ્ધમાં પાવરફુલ લોકો સાથે વાત કરે છે, દબાવ બનાવે છે, અનેક યુદ્ધત્રસ્તજનોને રેડક્રોસ સાથે જે રાહત પહોંચાડે છે.. જાણે ગોપાલબાપાની જહેમતથી ‘જડ કોતરો’ને તોડીને કે તેમની વચ્ચે જ ઊેગેલાં શીતળ છાંયા આપતાં ‘અડગ વૃક્ષો’..
પ્રથમ વિશ્વયુદ્ધ પશ્ચાત અને બીજા વિશ્વયુદ્ધ પૂર્વેની આંતરરાષ્ટ્રીય સ્થિતિ, એ માહોલમાં કેટલાક બહાદુર ભારતીયોની ભૂમિકા.. અને તેની વચ્ચે ચાલતી કથા પ્રસંગોની હારમાળા જાણે વાચકને એ માહોલમાં લઈ જાય, તેમાંની કેટલીક ઘટનાઓ સંપૂર્ણ સત્ય છે ને પાત્રોના નામ બદલીને એમની એમ જ મુકાઈ છે એવું ખુદ દર્શકે જ લખ્યું છે.
યહુદીઓનો સંઘર્ષ, હિટલરનું રાક્ષસીપણું, જર્મની-જાપાનીઓની યુદ્ધજીદ કહો કે વિનાશ વેરવાની જીદ વગેરેની ઝાંખી આ નવલકથામાં મળે છે. યુદ્ધ વચ્ચે પૂર્વના બુદ્ધ અને પશ્ચિમના ઇશુનો સંદેશ જ કારગત છે એવું પ્રસ્થાપિત સત્ય પ્રસંગોમાં જોવા મળે છે.
જર્મન સાથે સંધિની બોઝની મર્યાદાઓ (જર્મન કોઇને વફાદાર નહોતા રહ્યા.. નહોતા રહેવાના) અને મહાત્મા ગાંધીનો તત્કાલીન માર્ગ કેટલો ઉચિત હતો તેના વિશે પણ નવી દૃષ્ટિ મળે છે. આ વાત માત્ર ભાવનાત્મક આધાર પર નથી લખી. પણ દર્શકે અનેક ઐતિહાસિક તથ્યોનો આધાર લઈને રજૂ કરી છે. આ સાથે રેફરન્સ બુક્સની યાદી પણ આપી છે, જેથી લોકો જાતે પણ વાંચી શકે.
વિશ્વ યુદ્ધથી થનારી બરબાદી રોકવાનો ઉકેલ પણ બુદ્ધ અને ઇશુ ચીંધ્યો ‘માર્ગ’ જ હતો, પણ જ્યાં સુધી સમગ્ર વિશ્વે બે પરમાણુ બોમ્બની ભયાનક અસરો ને ખુંવારી ના જોઈ ત્યાં સુધી કોઈ સમજ્યું નહીં..
સાડા ત્રણ દાયકાની ‘લેખન સાધના’ અને ત્રણ ભાગમાં પ્રકાશિત આ નવલકથા આજે પોણા ચાર દાયકા પછી પણ એટલી જ લોકપ્રિય છે.
ખાસ નોંધ કે આ કોઈ પુસ્તકની સમીક્ષા નથી. ઝેર તો પીધાં જાણી જાણી જેવી અમર કૃતિની સમીક્ષા કરવાનું મારું ગજું પણ નથી. પણ પુસ્તક વાચ્યા પછી તેનો મને મળેલો આસ્વાદ-આનંદ મિત્રો સાથે વહેંચવાની ટેવ કહો કે પ્રયાસ છે.. ગમતું મળે તો લ્યા ગુંજે ના ભરીએ.. ગમતાનો કરીએ ગુલાલ..
આ વાચતા વાચતા મને દુ:ખિયારા (લા મિઝરેબલ - વિક્ટર હ્યુગો) પણ યાદ આવી, જે ઘણા સમય અગાઉ વાંચી હતી. મારા મતે ‘ઝેર તો જાણી જાણી’ પણ એ જ કક્ષાની ‘વર્લ્ડ બેસ્ટ’ કૃતિ છે.
- સંદીપ કાનાણી, તા.૧૧-૦૮-૨૦૨૦
No comments:
Post a Comment