Tuesday, April 2, 2019

સંયોગની કરામત


એનું નામ શ્વેતા. રવિવારે સવારે કોફીનો મગ હાથમાં લઇને એ બાલ્કનીમાં ખુરશી પર બેઠી. કોફીના મગમાંથી ઊઠતી ધીમી ધીમી વરાળ સાથે એના મનમાં પણ વિચારોના વમળો શરૂ થઇ ગયા.
એને યાદ છે. પોતે ચાર વર્ષની હતી ત્યારે પપ્પા, મમ્મી અને બધા સાથે ખૂબ રમતી. બધા એનું ખૂબ ધ્યાન રાખતા. વ્હાલ કરતાં. પણ એક દિવસ મમ્મી હોસ્પિટલેથી આવી. સાથે બે નાનાં ઢીંગલાં જેવા ભાઈ-બહેન પણ સાથે લઈ આવી હતી. તને ભાઈ-બહેન આવ્યાં છે એવું બધાં એને કહેતાં. નાની આંખો વાળાં, નાની આંગળીઓવાળાં ભાઈ-બહેનને જોઈને એ ખૂબ ખુશ થઈ. જાણે રમવા માટે નાનાં ટેડી જેવાં રમકડાં. પણ થોડા દિવસમાં એને એવું લાગવા માંડ્યું કે એ એકલી પડી ગઈ છે. પહેલાં બધાં એની સાથે રમતાં, બોલાવતાં. હવે બધાં નાનાં ભાઈ-બહેનનો જ ખ્યાલ રાખે છે અને પોતાને કોઈ બોલાવતું જ નથી. બધાં નાનાં ભાઈ-બહેનને તેડીને રમાડતાં પણ પોતે તેડવાનું કહેતી તો બધા એને ના પાડતાં. બહુ જીદ કરતી તો ઠપકો મળતો. ત્યારથી જાણે કુટુંબે તરછોડી દીધી હોય એવી લાગણી એને થવા માંડી.
વિચારો ચાલ્યા કર્યા. અચાનક સેલફોનની રિંગ વાગી અને એના વિચારોની હારમાળા તૂટી. કોફી ઠંડી થઈ ગઈ હતી અને તેમાંથી વરાળો ઊઠવાની બંધ થઈ ગઈ હતી. સ્વાતીનો કોલ હતો. એણે ઉઠાવ્યો અને સામેથી નટખટ અવાજમાં સ્વાતી બોલી. ‘ગુડ મોર્નિંગ. ચલ ઝડપથી તૈયાર થઈ જા. આપણે મેગા બુક સ્ટોર ખરીદીમાં જવાનું છે. આજે મેઘાનો બર્થ ડે છે. સાંજે એની સ્મોલ પાર્ટીમાં આપણે જવાનું છે અને ગિફ્ટ આપવાની છે. તો ગિફ્ટ ખરીદી માટે જવાનું છે.’
બચપણની સહેલીને શ્વેતા ના પાડી શકે તેમ નહોતી. તૈયાર થઈ ગઈ અને સ્વાતી સાથે તે મેગા બુકસ્ટોર પર પહોંચી ગઈ. મેઘાની ફેવરિટી ચોઈસ એવા મ્યુઝિક આલ્બમ્સની ખરીદીમાં સ્વાતી વ્યસ્ત થઈ હતી. દરમિયાન શ્વેતા બુક્સની રેક તરફ ગઈને બુક્સ જોવા લાગી. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બુક્સ જોયા પછી એક બુક પર તેની નજર અટકી ગઈ. ‘વિશ કેન બી ટ્રૂ’ ગુજરાતીમાં અનુવાદિત બુકનું ટાઇટલ અંગ્રેજીમાં જ કેમ હતું, તે જોવા જિજ્ઞાસા‌વશ તેણે બુક ઊંચકી અને પાના ફેરવવા લાગી.
બુકના દરેક પેજ પર એક નાના લેખ જેવું હતું અને પેજમાં જ પૂરું થઈ જતું. નવા પેજ પર નવો લેખ. શ્વેતા પેજ-૧૨ પર અટકી અને વાંચવા લાગી. ‘‘ઘણીવાર એવું બને જે જિંદગીમાં પહેલીવાર હોય. અનિચ્છાએ પણ તમે કોઈ ઘટના કે પ્રસંગ સાથે જોડાઈ જાઓ છો. આસપાસનો માહોલ સારો, મસ્તી-મજાવાળો અને આનંદમય હોવા છતાં પણ તમે માત્ર બહારથી તેની સાથે જોડાયેલા હો છે. મન તો ભૂતકાળની જૂની ખીણમાં કોઈ પથ્થર પર જાણે બેસીને જ એ માહોલમાં અટકી ગયું હોય તેવું અનુભવાય. અને અચાનક કોઈ ઝકઝોરે અને તેમની સાથેની પ્રવૃત્તિમાં પરાણે જોડે. પછી કંઇક એવું થાય કે એ માહોલની શરીર અને મન પર જાણે આલ્કોહોલિક અસર થાય અને તમે પણ એ મસ્તીમાં રંગાઈ જઈને મોજમાં આવી જાઓ...’’
થોડી અજીબ વાત લાગી. બુક સ્ટોરમાં એ બુકની છેલ્લી કોપી હતી. શ્વેતાએ કંઇક અજબ લાગતી આ બુક ખરીદી અને સ્વાતિ સાથે પરત ફરી. સાંજે તે મેઘાની બર્થ ડે પાર્ટીમાં ગઈ. મેઘાના બંગલાની પાછળના ગાર્ડનમાં ઓન્લી ગર્લ્સ ફ્રેન્ડઝની આ પાર્ટી હતી. પાંચ ફ્રેન્ડમાં શ્વેતા પણ હતી. કેટ કટીંગ, મ્યુઝિક, ધમાલ મસ્તીના માહોલમાં શ્વેતા ક-મને જોડાઈ હતી. એ તો બસ એકલી રહેવાનું વધારે પસંદ કરતી. આ બધી ઝાકઝમાળ વચ્ચે પણ તેના મનમાં ઉદાસી યથાવત હતી. જો કે અચાનક બિયરની બોટલ આવીને મેઘાએ સૌને પરાણે પીવડાવ્યું. શ્વેતા માટે આ નવો અનુભવ હતો પણ મેઘાને તે ના ન પાડી શકી. બે ફુલ ગ્લાસ પીધા પછી શ્વેતાને ચઢી ગઈ અને તે આલ્કોહોલિક અસરમાં એક અનોખી મસ્તી અનુભવવા લાગી. આવો તેની 25 વર્ષની જિંદગીનો પહેલો અનુભવ હતો.
***
બીજા દિવસે સવારે જ્યારે તે જાગી અને કોફીનો મગ લઈ બેડરૂમમાં આવીને બેઠી ત્યારે આગલી રાતના વિચારો તેના મગજમાંથી હજુ ખસ્યા નહોતા. ટીપોઈ પર રાખેલી બુક તરફ તેનું ધ્યાન ગયું અને તે થોડી ચોંકી. આ તો એવું જ બન્યું જેવું બુકમાં લખ્યું હતું. ‘વોટ અ કો ઇન્સિડન્સ.’ તે સ્વગત બબડી પણ પછી તેણે ઊભી થઈને બુક લીધી અને પેજ ફેરરવાનું શરૂ કર્યું અને એક પેજ પર અટકી.
‘‘ભૂતકાળની યાદોના બોજ નીચે ફરતા તમે જ્યારે વર્તમાનને ન્યાય નથી આપતા અને રોજિંદા ક્રમને ખોરવી નાંખો ત્યારે જાતને વધુ મુસીબતમાં મુકો છો. એવું બને કે, સામાન્ય બાબતોને તમે સરખી રીતે ના કરી શકો અને રોષના ભોગ બનવું પડે.’’ બુકના લખાણ અને ગઈ રાતના અનુભવમાં ખોવાયેલી શ્વેતાને જ્યારે મમ્મીએ બૂમ મારી કે ઓફિસે જવાનું મોડું નથી થતું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, ઘડિયાલનો કાંટો સાડા દસ સુધી પહોંચી ગયો અને ૧૧ પહેલા ઓફિસ પહોંચવું મુશ્કેલ હતું. ફટાફટ તૈયાર થઈને નીકળી અને ઓફિસ પહોંચી તો ય સાડા અગિયાર થઈ ગયા.
પહોંચતાં જ બોસે બોલાવી. અડધી કલાક મોડા આવવા બદલ ઠપકો મળ્યો. સાથે ફાઇલોનો થપ્પો પણ મળ્યો. એચઆરમાં આસિ. તરીકે તે કામ કરતી હતી. ફાર્મસી કંપની નવા ઉમેદવારોને રિક્રૂટ કરવાની હતી, તો તેના બાયોડેટા સહિતની ફાઈલ આપીને ઇન્ટરવ્યૂ માટે બોલવવા સહિતની વ્યવસ્થાઓ માટેની સૂચનાઓ તેને મળી.
ડેસ્ક પર આવી તેણે કામ શરૂ કર્યું. બધાના બાયોડેટાની વિગતોનો રિપોર્ટ બનાવવાનો હતો અને સ્ક્રુટીની કરી એચઆર હેડને બતાવવાનો હતો પણ કામમાં તેનું મન ના લાગ્યું. સ્વભાવમાં ફેલાયેલી ઉદાસીનતા, ગઈ રાતનો અનુભવ અને બુકનું લખાણ.. તે કંઇક વિચિત્ર સ્થિતિનો અનુભવ કરતી હતી. દરમિયાન સાંજ થવા છતાં પણ તે રિપોર્ટ તૈયાર ના કરી શકી. સાંજે એચઆર હેડએ રિપોર્ટ મંગાવ્યો ત્યારે ‘એક્સક્યૂઝ’ સિવાય તેની પાસે કંઇ નહોતું અને તેને ફરી જોરદાર ઠપકો મળ્યો. સવારે મોડા આવવું અને પાછું કામ સરખી રીતે ના કરવું.. કંઇ કેટલું સાંભળવું પડ્યું.
ઠપકાએ તેની ઉદાસીની માત્રા ઓર વધારી દીધી. સાંજ પડી ગઈ હતી અને રાતનું અંધારું શહેરની સડકો પર છવાઈ જવા તૈયાર હતું.
તે ઘરે પહોંચી ત્યારે સ્વભાવગત ઉદાસીનો અંધકાર તેના મન પર વ્યાપી ગયો હતો. રાતે રૂમમાં વિચારતી હતી. બુકનું લખાણ અને બે દિવસથી થતો અનુભવ.. બંનેમાં કેટલી સામ્યતા? કદાચ બીજો સંયોગ હશે.
***
ત્રીજા દિવસે સવારે કોફી પીતાં તેણે બુકના પેજ ફેરવ્યા અને એક પેજ પર અટકી. ‘‘તમારો એક જૂનો પરિચય અચાનક તરોતાજા થઈ જાય, એક ફૂલની જેમ. અચાનક કોઈ સામે આવે છે અને તમારો મૂડ બદલી નાંખે છે. ખાલી પરિચીત કહેવાતા માણસ સાથે પણ મન એવું જોડાઈ જાય જાણે કે કોઈ ગાઢ સંબંધ હોય. એ માણસ તમારું મન વાંચવા લાગે અને તમને એની સાથે બસ એમ જ ગમવા લાગે.’’ ઓહો.. આ પેજ પર તો કંઇક પોઝિટિવ વાત છે.
આજે તે સમયસર તૈયાર થઈને ઓફિસ પહોંચી. બપોરે લંચ બ્રેક વખતે ફેસબુક ચેક કરતાં અચાનક એક જૂના જૂનિયર ક્લાસમેટ રાહીલની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. એકસેપ્ટ કરી અને તેની વોલ પર જોયું તો એક શાયરી લખી હતી. ‘‘ઉમ્મીદો સે પરે ભી હોતા હૈ એક નયાં જહાં.. ખુદ કો તો આઝમા ચૂકે, કભી દૂસરો કે તરીકે સે આઝમા કે દેખો..’’
શ્વેતાને પણ થોડો સાહિત્યનો શોખ. એણે કમેન્ટમાં શાયરી લખી. ઓનલાઇટ ચેટિંગ થયું અને નંબરની આપ-લે પણ થઈ ગઈ. આ એ જ જૂનિયર હતો જ્યારે તે એચઆરનો અભ્યાસ કરતી હતી ત્યારે પોતે તેની સુપર સિનિયર હતી એકાદ-બે વાર કોલેજમાં મળવાનું થયું હતું. રાહીલની શાયરી તેને ગમી અને આખો દિવસ તે શાયરીના શબ્દો મમળવાતી રહી. સાંજે રાહીલ સાથે વોટ્સએપ ચેટિંગ શરૂ થયું. સાહિત્ય અને કાવ્ય વિષય પર વાતો થઈ અને શ્વેતાને મજા પડી ગઈ. જાણે પોતે કોઈ વર્ષો જૂના દોસ્ત સાથે દિલ ખોલીને વાત કરતી હોય તેમ શ્વેતાએ તેની સાથે બચપણથી લઈને પોતાની ઉદાસી, સાહિત્ય શોખ સુધીની બધી ચર્ચા કરી નાંખી.
રાતે શ્વેતા બેડ પર આડી પડી વિચારતી રહી. આ બુકના પેજનું લખાણ અને તેની સાથે ત્રણ દિવસથી બનતી ઘટના. કેવો સંયોગ? એ માની નહોતી શકતી.
***
ચોથા દિવસે તે જાગી અને બુક વાંચવી શરૂ કરી. ‘‘રૂટિન જિંદગીથી તમે કંટાળેલા હો અને એક નાનકડી સરપ્રાઇઝ તમને થોડો આનંદ આપી જાય. અચાનક ગમતી વ્યક્તિ સાથે મુલાકાત ગોઠવાઈ જાય અને દિલ ખૂલી જાય ત્યારે મન હળવાશ અનુભવે.’’
શ્વેતાએ એવું લાગ્યું કે હવે આજે તેની સાથે કંઇક આવું થઈ શકે. બપોરે તે ઓફિસમાં હતી અને રાહીલનો મેસેજ આવ્યો: ‘સાંજે કોફી પીવા મળીએ?’ બે દિવસની દોસ્તી અચાનક કોફી સુધી પહોંચી ગઈ. તેને મનમાં આનંદ પણ થયો. કોફીની રિક્વેસ્ટ સ્વીકારાઈ ગઈ અને સાંજે બંને કોફી શોપમાં હતા. રાહીલે શ્વેતા સાથે વાતો શરૂ કરી અને શ્વેતાને બોલવા પ્રેરી. બચપણની અવગણના, પ્રેમમાં નિષ્ફળતા બધા વિષયો પર તે બહુ સાહજિકતાથી બોલતી રહી. રાહીલ સાથે નવો પરિચય નહીં પણ જાણે વર્ષો જૂની દોસ્તી હોય એવું એને લાગતું. રાહીલ સાંભળતો રહ્યો. શ્વેતાનું મન ખાલી થયું અને તેને કંઇક અનોખી હળવાશ લાગી. સાંજ વધુ ઘેરી બનતાં બંને ફરી મળીશું કહી છૂટા પડ્યા. શ્વેતા આજે ખુશ હતી, કહો કે તેનું મન ઘણું હળવાશ અનુભવતું હતું.
રાતે સૂતી વખતે તે ફરી વિચારવા લાગી. છેલ્લા ચાર દિવસ વિશે. બુકમાં લખેલા લખાણ અને તેની સાથે દિવસમાં બનતી ઘટના. શું આ પુસ્તકની સ્ક્રીપ્ટ તેની જિંદગીની સ્ક્રીપ્ટ બની રહી છે? વિચારોમાં તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ના પડી.
***
પાંચમો દિવસ. શ્વેતાએ વહેલા ઊઠીને બુકનું પેજ વાંચવું શરૂ કર્યું. ‘‘ઘણીવાત તમને બહુ ખુશી આપે છે પરંતુ તમે તેને સ્વીકારતા નથી. મૂલ્યો, અનુભવો, નિયમો અને કાલ્પિક ડર તમને ખુશીઓની ઊંડી અનુભૂતિથી રોકે છે. પરંતુ હિંમતથી ડગ ભરીને તમે આગળ વધવાનો નિર્ણય લેવા માગો ત્યારે એ ખુશીની અપેક્ષા સામે બીબાઢાળ વિચારો મનને મુંઝવ્યા કરશે.’’
આ કંઇક અજબ વાત લાગી. શ્વેતા વિચારતી રહી. તે તૈયાર થઈ ઓફિસ પહોંચી અને રૂટિન કામ કરતી રહી. રાહીલનો મેસેજ આવ્યો: ‘આપણે બંને આબુ ફરવા જઇએ તો કેવું સારું?’ શ્વેતા અત્યાર સુધી આટલી હદે કોઈ સાથે જોડાઈ નહોતી. રાહીલનો આ મેસેજ વાંચી તે વિચારમાં પડી ગઈ. રાહીલનો સંગાથ તેને ગમતો હતો પરંતુ પ્રેમ કહી શકાય તેવું કશું નહોતું. આબુની ઠંડી હવાઓમાં ફરવું તેને ગમે જ, સાથે રાહીલની કંપની, જે તેને ખુશ રાખી શકે. પરંતુ પરિવારને શું કહેવું? ઓફિસમાં શું કહેવું? જવું કે ના જવું? રાહીલે આવો મેસેજ કેમ કર્યો? તે ઊંડા વિચારમાં ડૂબી ગઈ.
એકતરફ યૌવનરૂપી પંકી ખુલીને આબુના આકાશમાં વિહરવાની ઇચ્છા રાખતું હતું તો સંસ્કાર તે યૌવનપંખીને પીંજરામાં પૂરી રાખતા હતા. રાતે તે ફરી દિવસભર ચાલેલા તેના વિચારો વિશે વિચારતી રહી. બુકનું લખાણ અને તેની જિંદગીનો ઘટનાક્રમ બંને જાણે એકબીજા સાથે જોડાઈ ગયા હતા.
***
પછીનો દિવસ ઉગ્યો.
શ્વેતાએ હંમેશની જેમ કોફીના મગ સાથે બુક વાંચવી શરૂ કરી. ‘‘ઘણીવખત એવું બને કે, તમે જે મુંઝવણમાં હો, નિર્ણય ના લઈ શકતા હો ત્યારે કંઇક એવો સંયોગ બને કે, રસ્તો સામેથી જ જડી જાય અને તમે બસ આગળ વધી જાઓ છો, સાહજિક રીતે મળેલા રસ્તા પર ડગ માંડી દો છો. આનંદ તમારી રાહ જોતો ઊભો હોય છે.’’
આગલા દિવસની રાહીલની આબુની ઓફરની મુંઝવણ તેના મનમાં યથાવત હતી અને તે કોઈ નિર્ણય પર નહોતી પહોંચી. હવે શું થશે? અને આજે વાંચેલું લખાણ કેવી રીતે સાચું પડશે? તેના મનમાં ગડમથલો ચાલતી રહી. ઓફિસ પહોંચીને શ્વેતા રૂટિન કામોમાં પરોવાઈ. થોડીવારમાં જ એચઆર હેડ તરફથી ચેમ્બરમાં આવવાનું ફરમાન આવ્યું.
એચ.આર. હેડએ કહ્યું કે, ‘આબુમાં બે દિવસ શનિ-સોમનો રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામ છે. આપણી ઓફિસમાંથી બે લોકોને જવાનું જેમાંથી એક તું છે. ત્યાં એક હોટેલમાં બે દિવસ ચાર-ચાર કલાકની ટ્રેનિંગ હશે. આબુમાં એન્જોય કરજો. તારે આબુ જવાની તૈયારી કરવી હોય તો તું આજે ઓફિસથી વહેલી ઘરે જઈ શકે છે’.
ડેસ્ક પર આવીને શ્વેતા વિચારમાં પડી. આ કેવો સંયોગ? તે વિચારતી રહી. આમેય તેને ઘરથી દૂર રહેવું વધારે ગમે છે. રાહીલને હવે હા કહેવામાં વાંધો ન હતો. કારણ પોતે ઓફિસના ટ્રેનિંગ સેશનમાં જાય છે એટલે ઘરેથી મંજૂરી ના મળવાનું કે બીજું કોઈ કારણ નહતું. વળી, રાહીલની ઓફર કદાચ ના હોત તો પણ ટ્રેનિંગમાં તો જવું જ પડવાનું હતું. ટ્રેનિંગ પછી રાહીલ સાથે હશે તો તેને સારું લાગશે. ઘણીવાતો કરશે. આમેય તે બહુ ઓછા લોકો સાથે વાતો કરે છે. ત્યાં તેને ખુલીને વાતો કરવા સારું એકાંત મળશે. વળી તેને પ્રકૃતિ વચ્ચે રહેવું ગમે છે. તે ત્યાં પહાડો વચ્ચે મન મૂકીને રખડશે. તેણે તુરંત રાહીલને કોલ કર્યો અને તેની ઓફર ચાર કલાકની ટ્રેનિંગની શરત સાથે સ્વીકારી.
તે વિચારતી રહી. પુસ્તકમાં આજે વાંચેલી વાત અક્ષરસઃ સાચી પડી રહી છે. અરે આજની જ શું કામ, અત્યાર સુધી વાંચેલી તમામ વાતો સાચી પડી છે. રાતે ઘરે ગઈ અને મમ્મી-પપ્પાને ટ્રેનિંગ વાત કરી.
***
બીજા દિવસે વહેલી સવારે તે કંપનીની કારમાં પોતાની સહકર્મચારી એકતા સાથે આબુ જવા નીકળી ગઈ હતી. રાહીલ ટ્રાવેલ્સ બસમાં પાછળ જ હતો.
શનિવારની પરોઢિયે કારમાં જ શ્વેતાએ બુકનું પેજ ખોલ્યું. ‘‘નાની ઇચ્છા પૂરી થવાનો આનંદ અને રોમાંચ પણ અનેરો હોય છે. તમે આનંદના સાગરના કિનારે પહોંચવાની નજીક હો ત્યારે નજીકનું અંતર જાણે ખૂબ લંબાતું હોય એવું લાગે. ગમતી પરિસ્થિતિમાં પહોંચતા પહેલા તમારે અણગમતી સ્થિતિમાંથી પસાર થવું પડે. પણ બપોરના તડકાને વેઠ્યા પછી સાંજ જેમ શીતળ અને મધૂરી લાગે તેમ કલ્પિત પરિસ્થિતિ સાતમા આકાશનો અહેસાસ કરાવી જાય’’.
આબુ જવા નીકળી ત્યારથી શ્વેતા ખૂબ રોમાંચ અનુભવી રહી હતી પરંતુ આ કારની લાંબી ચાર કલાકની મુસાફરીથી તેને કંટાળો આવતો હતો. બપોર પહેલાં જ શ્વેતા અને એકતા આબુ પહોંચી ગઈ અને સામાન હોટેલ પર મૂકી સીધી ટ્રેનિંગમાં નીકળી ગઈ. ચાર કલાકની એ ટ્રેનિંગ, બધા સાથે કમ્યુનિકેશન વધારતી જાત-ભાતની કોર્પોરેટ ગેમ્સ વગેરે વગેરે પ્રવૃત્તિ શ્વેતાને અંદરથી બિલ્કુલ નહોતી ગમતી. પણ જિંદગી અને એચ.આર.ની જોબમાં જાણે કેટલીક સામ્યતા હોય તેમ તે પરાણે ઘણું કર્યે જતી હતી. અંતે બપોર પછી ચાર વાગ્યે ટ્રેનિંગ પૂરી થઈ. હોટેલની રૂમ પર જઈ શ્વેતાએ ડ્રેસ ચેન્જ કર્યો અને એકતાને રૂમ પર જ છોડી નીકળી પડી.
નક્કી લેક પાસે રાહીલ તેની રાહ જોતો હતો. બંને લેકના ગાર્ડનમાં બેન્ચ પર બેઠા. વાતો કરી. આઇસક્રીમ કોન ખાધા. બોટિંગ કર્યું અને પહાડીઓ વચ્ચે આબુના ઊંચાનીચા ઢાળવાળા રસ્તાઓ પર લટાર મારવા નીકળી પડ્યા. રાહીલનો હાથ પકડીને ચાલતી શ્વેતા આજે જાણે સાતમા આકાશનો અનુભવ કરી રહી હતી. સાંજ ઢળી રહી હતી અને એ ખુશનુમા કુદરતી વાતાવરણમાં બે યુવાન હૈયાં એકબીજાની નજીક આવી રહ્યા હતા.
અંધારું ઢળ્યું અને રાહીલને શ્વેતાને બિયરની ઓફર કરી. મેઘાની બર્થ ડે પાર્ટીનો પહેલો અનુભવ શ્વેતાને યાદ આવી ગયો. થોડા ખચકાટ પછી તેણે હા પાડી. થોડીવાર પછી બંને બિયરબારમાં હતા અને ટેબલ પર બિયરના ફુલ બે ગ્લાસ પડ્યા હતા. ગ્લાસની અંદરથી પરપોટા ઉપર ઊઠતા હતા અને બિયરના ગ્લાસ પર છવાયેલા ફીણ સાથે ભળી જતા હતા. ગ્લાસની બહાર ઠંડકના લીધે ટીપાં બાઝી ગયા હતા. શ્વેતા અને રાહીલ હૃદયમાં પણ એક અનેરી ઠંડકનો અહેસાસ કરી રહ્યા હતા અને તેઓને લોહીમાં આલ્કોહોલિક ગરમીનો અહેસાસ થતો હતો. બંનેના મગજ પર તેમના મનના સપ્તરંગી ભાવોનો પ્રભાવ પથરાઈ ગયો હતો. આ સાંજ અવિસ્મરણીય હતી. રાત ઢળી અને બંને છૂટા પડ્યા. હોટેલમાં આવીને શ્વેતાએ જ્યારે બેડ પર લંબાવ્યું ત્યારે તેને લાગ્યું કે પોતે જાણે આકાશમાં વાદળોની વચ્ચે ઝૂલી રહી છે.
***
આજે રવિવાર હતો, ટ્રેનિંગમાં વિરામ હતો. શ્વેતા સવારે જાગી. કોફી ઓર્ડર કરીને બુક લઈને હોટેલની રૂમની બાલ્કનીમાં વાંચવા બેઠી. ‘‘જિંદગીની કેટલીક પળો એટલી ખૂબસુરત હોય છે કે તમને સ્વપ્ન સમી લાગે. તમને એવી ઇચ્છા થાય કે આ પળ અહીં જ રોકાઈ જાય તો કેવું સારું. પણ એવું થતું નથી. સમય રોકાતો નથી. એ વહી જાય છે.’’
કોફીની ચુસ્કી સાથે શ્વેતાએ મોબાઇલમાં રાહીલનો મેસેજ જોયો. તૈયાર થઈને લેકની પાળે પહોંચી ગઈ. ફરીથી રાહીલ સાથે બોટિંગ, વાતો, પહાડીઓ વચ્ચે રખડવું, ઘોડેસવારી... દિવસ ક્યાં પસાર થઈ ગયો શ્વેતાને ખ્યાલ પણ ના રહ્યો. આટલો આનંદ તેણે જિંદગીમાં ક્યારેય નહોતો અનુભવ્યો. તેને લાગ્યું કે આ તેની જિંદગીની સૌથી સુંદર પળો અને કદાચ કાયમ આવું જ રહે તો કેવું સારું.. પણ સાંજ ઢળી. બિયરબારમાં આલ્કોહોલિક નશામાં બંનેએ લાગણીસભર વાતો કરતા રહ્યા. રાહીલ આટલો નજીક હોવા છતાં પણ કોઈ બદમાશી નહીં. પૂરો આદર આપતો. તેનું આ પાસું શ્વેતાને તેની તરફ આકર્ષ્યા કરતું હતું. રાતે બંને નછૂટકે છૂટા પડ્યા.
***
સોમવારનું ટ્રેનિંગ સેશન સવારનું હતું અને પછી બપોરે અમદાવાદ નીકળવાનું હતું. શ્વેતા અને એકતા સવારે ફટાફટ તૈયાર થઈ ટ્રેનિગમાં પહોંચ્યા અને લંચ પતાવી કારમાં ફરી અમદાવાદ રવાના. ગઈકાલની રોમાંચિત સ્મૃતિઓમાંથી શ્વેતા હજુ બહાર આવી નહોતી. આજે તેણે પુસ્તક પણ ના વાચ્યું. રાત્રે ઘરે પહોંચીને આબુના એ આલ્કોહોલિક અનુભવોની સ્મૃતિઓના ઘેનમાં જ ઊંઘી ગઈ.
***
બીજા દિવસે સવારે કોફીનો મગ લઈ તે બેઠી હતી. છેલ્લા એક અઠવાડિયામાં તેની જિંદગીમાં કેટલી બધી નવીનતા ઉમેરાઈ હતી. જ્યારથી આ બુક લાવી છે ત્યારથી તેની ઉદાસીન, બીબાઢાળ દુનિયામાં કંઇક બદલાવ આવી ગયો છે. કેવા કેવા સંયોગો સર્જાય છે! જેવું બુકમાં લખ્યું હોય તેવું જ તેના જીવનમાં બનતું જાય છે.
આજે તેણે ફરી બુક ઉઠાવી અને એક પેજ વાંચ્યું. ‘‘તમારી આસપાસ બનતી કોઈ ઘટના કે અકસ્માત તમને મોટો ઝટકો આપી જાય છે. તમે તેમાં તમારું પોતાનું ખાસ કશું ગુમાવતા નથી. છતાં પણ તમને એવું લાગે કે તમારી પાસેથી કંઇક મોટું છીનવાઈ ગયું છે. તમે સ્તબ્ધ થઈ જાઓ છો. સંયોગોની કરામત સામે ખામોશ બની જાઓ છો.’’
તેને ઝટકો લાગ્યો. આજે આવી વાત વાંચી તેને ફાળ પડી. અગાઉની બધી વાતો સાચી પડી છે. આ વાત કઈ રીતે સાચી પડશે? તે અંદરથી ડરી ગઈ. તે વિચારવા લાગી કે આવું કશું ના થાય તો સારું પણ..
તૈયાર થઈ તે ઓફિસ જવા નીકળી. પેલી બુક તેણે આજે પોતાની સાથે પર્સમાં જ રાખી. વિચાર હતો કે, સાંજે રાહીલને મળીને આ બુક બતાવવી અને અઠવાડિયામાં આ બુકમાં વાંચેલી બધી વાત કેવી રીતે સાચી પડી તે કહેવું. જો કે આજની વાત વાંચીને તે અંદરથી ફફડી રહી હતી. તે સિટીબસમાંથી ઉતરીને ઓફિસ પહોંચી ગઈ. જ્યારે તેણે પોતાની બેગને ખભા પરથી ઉતારીને ડેસ્ક પર મૂકવા કોશીશ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, બેગ તો બસમાં જ ભુલાઈ ગઈ છે.
ઓહ. તેને ઝટકો લાગ્યો. બેગ ખોવાઈ તેના કરતાં મોટી ચિંતા બેગમાં રહેલી બુક ખોવાઈ ગઈ તેની હતી. છેલ્લા એક સપ્તાહથી પોતાનું ભવિષ્ય જેની સાથે જોડાયેલું લાગતું હતું તે બુક હવે પોતાની પાસે નથી તેનો તેને વસવસો થવા લાગ્યો. બુકમાં આજે વાંચેલી વાત પણ સાચી પડી એ વિચારથી તેનો ફફડાટ વધી ગયો.
સાંજે તેને સમાચાર મળ્યા કે, તમે ગઈકાલે આબુથી નીકળ્યા. એના કલાકો પછી આબુથી આવતી એક ટ્રાવેલ્સ બસ માઉન્ટ આબુનો ઢાળ ઉતરતાં ખીણમાં પડી ગઈ હતી. તેમાં કેટલાક લોકો ઘવાયા હતા અને એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. શ્વેતાને મોટી ફાળ પડી. તેણે ઓફિસના ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી. સમાચાર હતા કે, બસ અકસ્માતમાં જેનું મોત નીપજ્યું છે તે અમદાવાદના યુવકનું નામ રાહીલ હોવાનું જાણવા મળ્યું છે.
શ્વેતા સ્તબ્ધ થઈ ગઈ અને ખુરશીમાં ફસડાઈ પડી. નિયતીએ તેની સામે ઊભા કરેલા સંયોગ સામે તે ખામોશ હતી. બહાર આકાશમાં સાંજ ઢળી ચૂકી હતી, અંધારું રસ્તા પર ઉતરી આવ્યું હતું. શ્વેતાની આંખો અને મનમાં ફરી ઉદાસીનો અંધકાર ઘેરો બની ગયો. 

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...