Thursday, December 15, 2016

સાહિત્ય: મારી વાચનપોથીમાંથી….

સમયાંતરે વાચન વખતે ગમી ગયેલી કેટલીક રચનાઓ, વિચારો, નોંધો, સંદર્ભોને ડાયરીબદ્ધ કરવાની આદત રહી છે. આ બધી જ રચનાઓ જે-તે લેખક-વિચારક-કવિઓની જ છે, એમના સૌજન્ય-ઋણ સ્વીકાર સાથે આમાંની કેટલીક સામગ્રીને હવે બ્લોગબદ્ધ કરી રહ્યો છું. આ પ્રયાસ પાછળનો હેતુ ‘ગમતાનો કરીએ ગુલાલ’ એ ભાવ સાથે આ ચૂંટેલી વાચન સામગ્રીને અન્ય મિત્રો-વાચન પ્રેમીઓ સાથે વહેંચવાનો છે. આપ સહુને આ વાત ગમશે તેવી આશા. આપના સૂચનો-વિચારો હંમેશા આવકાર્ય છે. 

શીર્ષક: છાપું

સમાચારો મલકના ખાય છાપું, પછીથી આફરે અકળાય છાપું,
છબી ગાંધીની રાખે છે એ સામે, ને ગધનું, ક્યાંય ના અચકાય છાપું!
ગયું છે એમ લક્ષ્મીજીને ખોળે, હવે વાગ્દેવીથી સંતાય છાપું,
ન તો સંત્રી, નથી પ્રહરી રહ્યું એ, રતન સરખું હતું રોળાય છાપું.
કરીને માહ્યલો પીળો કધોણો, હવે વરણાગિયું બહું થાય છાપું,
રહ્યું ના મોહતાજ જાગ્રત પ્રજાનું, કુપન ખાતર બકરીઓ ખાય છાપું.
હંમેશા ઓટલા-પરિષદ કરે છે, કરી અપવાદે શાણું થાય છાપું,
કદી કશ્તી બનીને બાળકોની, પ્રથમ વરસાદમાં જઇ ન્હાય છાપું.
બગીચે-બાંકડે પહોંચી ગયું તો, ચવાણાં ખાઇને હરખાય છાપું,
સવારે નીકળે હીરોગીરીથી, ને સાંજે પસ્તીએ પટકાય છાપું.
- મીનાક્ષી ચંદારાણા (નવનીત સમર્પણ, ઓક્ટોબર ૨૦૦૭, પાના નંબર ૧૬)  


એક સુવિચાર

“તમે જે કામ કરી શકો તેમ નથી,
એના વિશે અફસોસ કરતા રહેવાને બદલે,
જે કામ કરી શકો તેમ છો,
એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો.”

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...