Monday, December 26, 2016

મારી વાર્તા: કડક રાજા.. ધન્ય પ્રજા…



એક હતો રાજા. એના રાજ્યમાં મોટાભાગના લોકો સીધાસાદા મધ્યમ માણસો હતા, કેટલાક લોકો ભારે ભ્રષ્ટાચારી હતા. આ તત્વો સમયાંતરે રાજાના માણસોને કોષ માટે ગુપ્ત દાન આપતા. રાજા હંમેશા એવી જાહેરાતો કરતો: કોઇને છોડીશ નહીં, કોઇ અપ્રામાણિકની ખેર નથી. વગેરે વગેરે… એકવાર એણે નિર્ણય કર્યો. એના રાજ્યના પાંચ-દસ મહાચોરને પકડવાનો. એણે જાહેરાતો સાથે ફરમાન કર્યું: ‘આ ચોરને ગમે તેમ કરીને શોધો. આ રાજ્ય પ્રજાનું મોટાભાગનું નાણું ચોરી ગયા છે. એને પકડો, ફટકારો. એ ચોરને પકડવા રાજ્યના તમામ લોકોને વારાફરતી પાંચ-પાંચ દંડા ફટકારો. આનાથી જે ચોર હશે તે સામે આવશે અને નિર્દોષનું રક્ષણ થશે.’
સિપાહીઓ અને અધિકારીઓએ લોકોને પકડીને દંડા ફટકારવાનું શરૂ કર્યું. નાના-મોટા ખિસ્તા કાતરું અને બે-ચાર ચિન્ની ચોરે ગભરાઇને પોતાના ગુના કબૂલ્યા. બાકી લોકો વગર વાંકે દંડા ખાઇને રાજાની વાહવાહ કરવા લાગ્યા. રાજ્યને ‘ચોરમુક્ત’ કરવાના રાજાના અભિયાન બદલ પ્રજા રાજાને બહુ-બહુ ધન્યવાદ કરવા લાગી, રીતસર એની ભક્તિ કરવા લાગી. પોતાનો રાજા કેટલો કડક છે એવી દુહાઈ દેવા લાગી.
સમગ્ર કવાયતના અંતે એકાદ બે મોટાચોર પકડાઈ ગયા. બીજી તરફ અન્ય પાંચ-દસ મોટા ચોર ખૂબ જ આત્મવિશ્વાસુ હતા. તેમણે ફરી રાજ્યના સેવકો-અધિકારીઓને ગુપ્તદાન કરીને બચી નીકળવાનો રસ્તો શોધી લીધો. પોતે એકઠું કરેલું ધન કાયદેસર રીતે એકઠું કરેલું છે એવું પ્રસ્થાપિત કરી દીધું. બધી કવાયતના અંતે રાજાને ખૂબ પ્રસિદ્ધિ મળી. પ્રજાવત્સલ રાજા તરીકે તેની કિર્તી વધી. પ્રજાએ પણ આવા રાજાને પામીને ધન્યતા અનુભવી…

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...