Thursday, December 22, 2016

સાહિત્ય: મારી વાચનપોથીમાંથી...

‘‘દુનિયા સામે હું કેવો લાગુ છું તેની મને ખબર નથી. પરંતુ મારી દૃષ્ટિમાં હું સત્યના વણશોધાયેલા મહાસાગરના કિનારે રમતા અને સુંવાળા પથ્થર અથવા સુંદર છીપલાં વીણવામાં મશગૂલ એવા અબુધ બાળક સમાન છું.’’ 
આઇઝેક ન્યૂટન:

‘‘પ્રોમિથિયસ હોય કે ભગવાન રામ હોય કે મહાન માનવી હોય, તે જો માનવી હોય તો માનવતા, દુ:ખો કે લાગણીઓની સજા ભોગવવી પડે છે.’’ 
- (ચેતનાની ક્ષણે, કાન્તિ ભટ્ટ, તા.૨૫-૦૧-૨૦૦૯)

‘‘જો મારામાં કોઈ ગુણ હોય, તો એ છે કે વ્યક્તિઓ સાથે તેમની રીતો અને ખાસિયતો મુજબ મેળ સાધવાનો, એમાં ક્યારેક તમારે જાત પર અંકુશ મૂકવો પડે. તકલીફ તો પડે પણ એ જરૂરી છે. નેતૃત્વ સંભાળવા માટે તમારે માનવીઓને પ્રેમ અને કાળજીપૂર્વક દોરવણી આપવાની હોય છે.’’ 
- જે. આર.ડી. ટાટા (૨૯ જુલાઈ ૧૯૦૪, ૨૯ નવેમ્બર ૧૯૯૩)

પુસ્તક: હું કોનારક શાહ, ચંદ્રકાન્ત બક્ષી…

… શ્રદ્ધાથી મન અને દેહ બંને અંકુશમાં રહે છે. ભગવાન એટલું જ દુ:ખ આપે છે, જેટલું માણસ સહન કરી શકે. (પે.૧૬૫)

ક્યારેક માણસના જીવનમાં એવી ક્ષણ આવતી હોય છે, જ્યારે માણસે માયાના બંધનો તોડી પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો હોય છે. (પે.૧૬૮)

સાપને ગમે તેટલું દૂધ પાઓ પણ એક દિવસ દંશ મારવાનો જ છે, ગાયને ગમે તેટલી લાકડી મારો પણ એ દૂધ આપવાની જ છે.  (પે.૨૦૫)

અઝીમ પ્રેમજી
‘‘… ચોક્કસ મારાં બાળકો પણ હંમેશા ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે.
 …મૂલ્ય. મને શીખવવામાં આવ્યું છે કે, ધન કરતાં વધુ મહત્વપૂર્ણ તમારાં મૂલ્યો છે.
હા હું સાવધાન છું. મને બહુ આત્મવિશ્વાસ નથી. હું મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં બહુ સમય લઉં છું. હું કોઇ પણ નિર્ણય લેતા પહેલાં તેના પર હોમવર્ક કરવાનું પસંદ કરું છું.
જો તમે કંઇ વિચારો છો તો પછી તેના પર અમલ કરતા તમને કોઇ રોકી ન શકે.’’

પુસ્તક: અતરાપી, ધૃવ ભટ્ટ

સારમેય હસી પડ્યો અને બોલ્યો, ‘ઝાડવાં કોઈ ભાષા જાણતા હશે તેવું તમને લાગે છે? એમને બોલાયેલી ભાષા સાથે કંઇ લેવાદેવા નથી. હું આજસુધીમાં જે સમજ્યો છું તે પરથી મને લાગે છે કે તમારો વિચાર ભાષા કે બોલીરૂપે પ્રગટ થાય તે પહેલાં તે તેના ઉદ્‌ગમપ્રદેશમાંથી વહીને સીધો જ પ્રકૃતિને પહોંચી જતો હોય છે. એટલે પ્રકૃતિ તમારા મનને પામી જાય છે. પછી તમે કદાચ કશું બોલો નહીં તો પણ તમે જે બોલવાના હતા, તેનાથી પ્રકૃતિ અજાણ રહેતી નથી. આ જ રીતે પ્રકૃતિ પોતાની વાત તમને કહી શકે છે. પ્રેરણા, ભાવના કે વિચારની અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર સચરાચરમાં કોઇનેય પડતી નથી.’ (પે.૭૭-૭૮)

પળભર વિચાર્યા વગર સારમેયે કહ્યું, ‘ઘણા અવાજોમાંથી જે સાંભળવા યોગ્ય લાગ્યું તે મેં સાંભળ્યું છે. હું હંમેશા જે કહેવા ઇચ્છતો હતો, તે જ બોલ્યો છું. દૃષ્ટિ સમક્ષ આવેલું તમામ મેં ધ્યાનપૂર્વક જોયું છે અને અંતે મેં જાણ્યું છે કે હું જાણતો નથી.’ (પે.૧૦૬)

‘‘સારમેય, કોઇપણ ઘટનાથી જીવને ફરક પડે, ઘટના પ્રત્યે પ્રતિભાવ જાગે, પોતાની સ્થિતિ બદલાઇ જાય છે તેમ તે અનુભવે તે ઘડીએ તે બંધાય છે. તે પહેલાં નહીં. સારમેય, પટ્ટાવગરના રહેવા માટે પટ્ટો ત્યાગવો જરૂરી નથી. ન કર્મ લિપ્યતે..’’ (પે.૧૫૦)

પુસ્તક: એકલવીર
‘‘જ્યારે કોઇ ઇષ્ટ હેતુની સિદ્ધિ કરવાની હોય છે ત્યારે માણસને પોતાના નિસર્ગ નિમિત્ત સ્વભાવ પર નિયંત્રણ મૂકવું પડે છે…’’

પુસ્તક: સમુદ્રાન્તિકે, ધૃવ ભટ્ટ
‘‘ સામે જવાબ દઇ દેનાર વ્યક્તિ જે વાત થોડી ઘણી પણ નથી સમજાવી શકતી, તે જ વાત કેટલાક જનો મૌન રહીને સંપૂર્ણત: સમજાવી દઇ શકે છે.’’

‘‘અહીં એકલું એકલું લાગતું હશે નહીં?’’ મેં પૂછ્યું. ‘‘રોજ એકધારું જીવ્યે જવાનું.’’ મારા મનનો આ સ્થાન પ્રત્યેનો અણગમો હું છુપાવી ના શક્યો.
‘‘ ક્યા એકલા ને ક્યા એકધારા?’’ ગુજરાતી હિન્દી મિશ્રિત ભાષામાં બાવાએ કહ્યું, ‘‘ દેખ, યે જો સમંદર હૈ, મૈને ઉસે એક હી રૂપ મેં કભી ભી નહીં દેખા. યે હરપલ નયા રૂપ લેતા હૈ. યે પથ્થર હૈ, યે રાસ્તા, પૈડ, પૌધે, યે મિટ્ટે, યે સબ જો ઇસ પલમેં હૈ અગલે પલ મેં વહીં હોંગે ક્યા? દોસ્ત, પ્રકૃતિ એક હી રૂપ ફિર સે કભી નહીં દિખાતી. હંમેશા બદલતી રહતી હૈ.’’
મારા મનમાં પ્રકાશ પથરાયો. મને સમજાઇ ગયું કે આ અફાટ સમુદ્રને રોજ રોજ જોયા કરવા છતાં મને કંટાળો કેમ નથી આવતો. એક પાછળ બીજા, એમ અવિરત ચાલ્યા આવતા, તેના તરંગો જોઇ રહેવાનું મને શા માટે ગમે છે? એ હવે સ્પષ્ટ થયું. પેલે પારથી પાણી લાવીને આ કિનારે બિછાવતો અને અહીંથી લઇ જઇને કોઇ અગોચર સ્થાનમાં જળ રેલાવતો આ મહાસાગર નિતાંત નવીન છે. કદાચ આ કારણે જ તેનું દર્શન આટલું તાજગીસભર હશે.
‘‘ ન મૈં યહાં અકેલા હું,’’ બાવાજીએ કહ્યં, ‘‘ તે સમંદર, યે રેત, યે ઝાડી કે કાંટે ઔર સબસે ઉપર રાત મેં ચમકતે તારે, સબસે બાત કરને કી આદત હો ગઈ હૈ. ઇનસે બાત કરને કે લિએ પૂરા જીવન કમ પડેગા ઔર તુ કહેતા હૈ મૈં અકેલા હું? પાગલ હૈ રે! તું.’’ (પે.૩૮)







No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...