એનડીટીવી
ચેનલ પર એક દિવસના પ્રસારણ પ્રતિબંધનો મુદ્દો અત્યારે ગરમ-ગરમ છે. હંમેશની જેમ, મીડિયાનું
ગળું ઘોંટવાના પ્રયાસ, વાણી અને સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ, આપખુદશાહી-હિટલરશાહી,
લોકશાહી દેશમાં ચોથી જાગીર પર સરકારી હુમલો વગેરે.. વગેરે.. કેટલાય વિરોધી વિશેષણો
સાથેના અવાજો ઉઠવા લાગ્યા. વાણી-સ્વાતંત્ર્યના અધિકારનું રક્ષણ થવું જ જોઇએ અને તેને
ઘોંટવાના કોઇ પણ પ્રયાસનો વિરોધી છું. પણ આ સમગ્ર ઘટનાક્રમમાં મને કેટલાક સવાલો થાય
છે.
સવાલ-૧: ચેનલ પર એકદિવસીય પ્રતિબંધ શા માટે મુકાયો? એટલા
માટે કે તેણે સરકારને સવાલો પૂછ્યા છે? અણિયાળા સવાલો પૂછ્યા છે?
સવાલ-૨:
પઠાણકોટ હુમલા વખતે આર્મીની કાર્યવાહીને લાઇવ દેખાડવાની લ્હાયમાં રાષ્ટ્રીય સુરક્ષા
સામે જોખમ સર્જાયું, તે વાત અવગણી શકાય?
(નોંધ:
અમદાવાદમાં ચેનલમાં કામ કરતા કેટલાક વરીષ્ઠ પત્રકાર મિત્રોએ જ કહ્યું હતું કે, આવા
દૃશ્યો ખરેખર ના દર્શાવવા જોઇએ. મુંબઇ હુમલા વખતે આર્મીની લાઇવ કાર્યવાહીનો પાકિસ્તાની
આતંકવાદીઓએ લાભ ઉઠાવ્યાની વાતો પણ ઊઠી હતી. પઠાણકોટ વખતે પણ આવું થયાનું કહેવાય છે.)
સવાલ-૩:
લાઇવ કવરેજના ચક્કરમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષાને અવગણી, આર્મીનું તત્કાલીન ધોરણે ચાલતું
ઓપરેશન, કમાન્ડોની ગતિવિધિઓ લાઇવ દર્શાવવી જોઇએ? કે તેના પર સમજદારી સાથે કોઇ સંયમ
જરૂરી છે? જો આમાં ચૂક થઈ છે તો સ્વીકારવામાં શું નડે છે?
સવાલ-૪:
જેવા અણિયાળા સવાલો રાજનેતાઓને પૂછાય છે, એ સવાલો ક્યારેક પોતાની જાતને (ચેનલને) પૂછીને
થયેલી ચૂક સુધારવાના પ્રયાસો થાય છે? કે પછી નેતાઓની જેમ ઇગો નડે છે? થયેલી હરકત (ભલે
ભૂલભરેલી હોય)ને મુદ્દાઓ ટ્વિટ્સ કરીને સાચા ઠરાવવા પ્રયાસ થાય છે?
સવાલ-૫:
ટીઆરપીની લ્હાયમાં આર્મીની કાર્યવાહી, સંવેદનશીલ વિગતો લાઇવ દર્શાવવી જોઇએ? દેશની સુરક્ષા
સામે જોખમના મુદ્દાને અવગણવો જોઇએ?
સવાલ-૬:
જો રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રતિબંધની વાત હોય તો એવું નથી લાગતું વાણી-સ્વતંત્રતાના
અધિકારનો ભંગ, સવાલો કરીએ છીએ એટલે ગળું ઘોંટવાના પ્રયાસ એવા બધા મુદ્દા ઉછાળીને લોકોને
બનાવવાના ધંધા બંધ કરવા જોઇએ? થયેલી ભૂલો સુધારવી જોઇએ?
(પણ
ના… ભૂલો દર્શાવવાનું અને સુધારવાના
સૂચનો કરવાનું કામ તો અમારું. અમારી ભૂલો ભલે હોય, તમે તેના સામે આંગળી પણ ના ચીંધી
શકો. મીડિયા અમે છીએ, તમે નહીં. અમે ભૂલો કરીશું અને જો તમે તેના સામે અંગુલીનિર્દેશ
કરશો તો અમે તેને વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર જ તરાપ ગણીશું…
: આવા-આવા એટિડ્યૂડ કેટલા યોગ્ય?)
સ્પષ્ટ
વાત: જો અણિયાળા સવાલોથી ગિન્નાઇને પ્રતિબંધ મુકાયો હોય, કે સવાલોના વાણી સ્વાતંત્ર્ય
પર તરાપની હોય તો પ્રતિબંધ અયોગ્ય છે, આપખુદ શાહી છે, જેનો ઊંચા અવાજે વિરોધ છે, પણ
વાત જો રાષ્ટ્રીય સુરક્ષાની છે અને તેમાં થયેલી ચૂક બદલ પ્રતિબંધની છે, તો મુદ્દાઓ
ટ્વિસ્ટ કરવાનું બંધ કરો, મહેરબાની કરી ખોટી કાગારોળ બંધ કરો, થયેલી ભૂલો સ્વીકારી
વધુ ખેલદિલી સાથે કામ કરો.
- લિ.
સંદીપ કાનાણી