માણસ જન્મથી નહીં,
કર્મથી મહાન બને છે. હર એકમાં મહાદેવ બનવાની શક્તિ સમાયેલી છે.. જ્યારે રણમેદાનમાં
એ પોતાના યોદ્ધાઓને આવા જોશીલા સંદેશ સાથે આહ્વાન કરે છે કે, તમે પણ મહાદેવ છો, હર
એક મહાદેવ છે ત્યારે ચોમેરથી ‘હર હર મહાદેવ’નો નાદ ઉઠે છે… આપણે જ્યારે મંદિરમાં ‘હર
હર મહાદેવ’ બોલીએ છીએ તેનો એક અર્થ પણ આવો હશે?
જે શિવને લોકો
મહાદેવ માનતા હતા, તારણહાર માનતા હતા, જેણે મેલુહાવાસીઓને ઐતિહાસિક જીત અપાવી હતી,
એ જ મહાદેવ યુદ્ધ જીત્યા પછી પોતાની જ નજરમાં એક કેદી બની ગયો હતો. યુદ્ધમાં શસ્ત્રોના
પ્રહારોથી ઘાયલ ન થનારો મહાદેવ જીત્યા પછી એક અપરાધબોધની લાગણીથી ઘવાયો હતો. બચપણમાં
અનુભવેલો અપરાધબોધ જીત્યા પછી વધુ ઘેરો બની ગયો હતો. જે મહાદેવને લોકો તારણહાર માનતા હતા, એ જ મહાદેવ
પોતાને અપરાધબોધમાંથી કોઈ તારે તેની ખોજ કરી રહ્યો હતો… પરંતુ તેની લડાઈ કદાચ તેણે
જાતે જ લડવાની હતી. કારણ કે શિવ હતો.. એ મહાદેવ હતો..
“ વિશ્વના દરેક
ખુણે કોઇને કોઇ કારણોસર લડાઇઓ ચાલ્યા જ કરે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. આ બધાની
વચ્ચે માત્ર મહાદેવ નિર્ણય કરી શકે કે કઈ લડાઇને શુભ અને અશુભ વચ્ચેના મહાયુદ્ધનું
રૂપ આપવું!.. ”
મેલુહા, પૌરાણિક
પાત્રો અને પૃષ્ઠભૂમિને લઇને લખાયેલી એક અનોખી નવલકથા. આઇઆઇએમ-કલકત્તાના સ્નાતક અમિષ
ત્રિપાઠીની આ નવલકથાએ અનેકોને ઘેલું લગાડ્યું છે. વાર્તાની શૈલીઅને ઘટનાઓની હારમાળા
મેલુહામાં આવતા ‘સોમરસ’ જેવી છે.
મેલુહા નવલકથા
વાચકોને સંદેશ પણ આપતી જાય છે: “સમય અને અજ્ઞાનતાની ગર્તામાં ઘણઆ કિંમતી પાઠ આપણે વિસારે
પાડી બેઠા છીએ. જીવનમાં દરેક મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઊંચાઈ હાંસલ કરી શકે છે.
દરેકે દરેક વ્યક્તિમાં ભગવાન બનવાનું સામર્થ્ય સમાયું છે. આમાંથી કંઈ અશક્ય નથી. આપણે
તો માત્ર અંદરથી આવતો આત્માનો અવાજ સાંભળવાનો છે…. ”