નવગુજરાત સમય, રાજકોટ સમય સ્પે., 2-01-2019. મારું ફીચર.
રંગીલા રાજકોટ સ્ટાઇલ:
ગાંઠિયાથી ગુડ મોર્નિંગ.. ગોલાથી ગુડ નાઇટ..
- એ’લા ભાઈ… ૧૦૦ ગ્રામ ગાંઠીયા દેજે.. સાથે મરચા અને પપૈયાનું ખમણ વધારે મૂકજે.. અનેક રાજકોટીયન્સ માટે આ જાણે ગુડ મોર્નિંગ મંત્રા છે..
- એક કેડબરી વિથ આઇસક્રીમ બરફ ગોલા અને એક વેનિલા ડીશ ગોલા… જલ્દી આપજે.. અહીં બેઠા છીએ.. અનેક રાજકોટીયન્સની ગુડ નાઇટ કંઇક આવા મેસેજ સાથે થાય છે..
રાજકોટવાસીઓ ખાવાપીવાના ખૂબ જ શોખીન છે. આ શહેરના સ્વાદપ્રેમીઓ એવું અવારનવાર કહેતા હોય છે કે, રાજકોટ જેવો ટેસ્ટ બીજે ક્યાંય નો મળે હો! અનેક રાજકોટીયન્સની સવાર ગાંઠિયાથી થાય છે અને રાત ગોલાથી પડે છે.
ફુલ કે અસ્સલ કાઠિયાવાડી ડીશ પીરસતી રેસ્ટોરાં હવે દેશ તેમજ દુનિયાભરમાં શરૂ થઈ રહી છે, પરંતુ રાજકોટમાં મળતી કાઠિયાવાડી ડીશ જેવી ક્વોલિટી અને સ્વાદ સામે તે કાયમ ફીક્કી જ લાગે છે. ટેસ્ટ કર્યા પછી તેની જાતે જ ખાતરી કરી લેવાની છૂટ.. એવો કોન્ફીડન્સ અહીંના કોમનમેન પણ ધરાવે છે.
રાજકોટ શહેરના ચટપટા ગુજરાતભરમાં મશહૂર છે. ગાંઠિયા ચાહે તે વણેલા હોય કે પાટા-ફાફડા, સાથે જબેલી, પપૈયાનું ખમણ-સંભારો અનોખી લિજ્જત આપી જાય છે. લસણની ચટણીવાળા દાલ-પકવાનની સોડમ તમને પરાણે લારી સુધી ખાવા માટે ખેંચી જાય તેવી હોય છે. તો ઘૂઘરાની લારી કે સ્ટોલ ફરતે કાયમ ચટાકાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઘેરાયેલા જોવા મળતા હોય છે. દેશદુનિયામાં મળતા ફાસ્ટફૂડ સામે રાજકોટનો પોતાનો ‘નાસ્તા ટેસ્ટ’ ધી બેસ્ટ છે.
બપોર હોય કે સાંજ… ફુલ કાઠિયાવાડી થાળીનો ટેસ્ટ એટલો જોરદાર હોય છે કે પરાણે વધુ ખવાઈ જાય છે અને પછી ઓડકાર ખાવાની પણ જગ્યા ના બચે તો સમજી લેવું કે બાપુ, તમે રાજકોટમાં જ જમ્યા છો. માત્ર ટેસ્ટ નહીં અહીંથી થાળી ક્વિલિટી માટે પણ એટલી જ જાણીતી છે.
સરેરાશ રોડની પાસે ઊભી રહેતી ફૂડ લારીઓથી લઇને હોટેલની ડીશીશ સુધી.. ટેસ્ટનું સામ્રાજ્ય બધે જ છવાયેલું જોવા મળે છે.
ફુલ ડીશ જમ્યા પછી અહીં સોડા પીવી એ મહેમાનગતિ નહીં, પણ રિવાજ છે. એ પછી પાનની લિજ્જતનું અનોખું ડેઝર્ટ કાઠિયાવાડની ટેસ્ટની લાલી તમારા હોઠો પર મૂકી જાય છે.
થોડી લટાર માર્યા પછી અહીં રંગબેરંગી ટેસ્ટી ગોલા તમારી રાહ જોઇને ઊભા હોય છે. અહીંના ગોલાનો ટેસ્ટ ગ્લોબલ છે. અનેક ગેટ ટુગેધર ગોલા સેન્ટર પર થાય છે અને ગુડ નાઇટનો સ્વીટ મેસેજ ગોલાના ટેસ્ટ સાથે જ અપાય છે.
No comments:
Post a Comment