‘‘ખરડાય એની શરમ નથી. આત્માને વીસરી જઇને ભૂંડડાની જેમ લહેરથી આળોટ્યા કરીએ તેમાં નીચાજોણું છે. બેઠો થઈ જા. ધૂળ ખંખેરી નાંખ.. ’’ - ગોપાલદાસ બાપા.
ગોપાળ બાપા કહે, ‘‘હા ભાઈ, ભજન તો ઘાયલ આત્માની વાણી છે. માંહીથી વિંધાણા વિના એને અડીએ તો બગલાનો અવતાર આવે.’’ (પેજ-૫૬)
‘‘પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ એક હકીકત છે, તેમાં જ્ઞાનપૂર્વકની તિતિક્ષા એ જ એકમાત્ર ઔષધ છે.’’
‘‘માણસ જીવે છે ત્યાં સુધી અનુભવો મેળવે છે, ને તે અનુભવોથી કાં સારો થાય છે કાં ખરાબ’’ (પેજ-૧૩૬)
‘‘એમનાં મનમાં તે ઘડીએ પાપ નહીં હોય, પણ પાપ ક્યારે પેસે છે તે કેમ ઊગે છે તે શી ખબર?’’ (પેજ-૧૪૮)
‘‘ખતારીપૂર્વક માનજો કે બધે જ શ્રીમંતો તો સરખાં જ છે. માત્ર ભાષાફેર છે, પણ તેમાંયે ચીનના આ જમીનદારો તો શિરટોચ છે. છતાંયે હીનતાની છેલ્લી કક્ષાએ પહોંચેલા આ દેશને જોયા પછી મને તો ખાતરી થઈ ગઈ છે કે, ત્રીસ વર્ષ પછી દુનિયાના મહાનરાષ્ટ્રોમાંનો એ એક હશે. જે અપાર માનવબળ, ખનીજસંપત્તિ, ને તેથીયે અદકી અપાર સહનશીલતા આ વિશાળ ધરતી ને તેના હૈયામાં પડી છે, તે એનું સ્થાન લીધા સિવાય રહેવાની નથી.. ’’ (પેજ-૧૫૬)
‘‘માનવતાપ્રિય ને અર્થશાસ્ત્રી થજે. બીજાનું પહેલું તરંગ બની જાય છે, ને પહેલા વગરનું બીજું પશુતા છે. તમારા હિન્દુસ્તાનીઓની પાસે એક છે, બીજું શીખો.. ’’ (પેજ-૧૫૮)
‘‘પોતાની જૂની હેટ બતાવી મને કહે, એ તો મારી હેટ જ કહી આપે છે. એનો અર્થ તો એ કે તું રાજકારણને કેળવણી કરતાં ને બાહ્ય સંરચનાને આંતર ઘડતર કરતાં વધારે મહત્વ આપે છે, હું એમ નથી માનતો.. ’’ (પેજ-૧૫૮)
‘‘ખરેખર ઘણા કાળથી આવો માણસ પૃથ્વી પર નથી ફર્યો. માત્ર ટ્રેજેડી (કરુણાંત) એની આજુબાજુનાં આપણે સૌ એટલાં નાનાંછીએ કે આપણી આંગળી પકડીને ચાલતા એમણે વાંકા વળવું પડે છે. એમની સંપૂર્ણ ઉચ્ચતા સાથે એમને ઊભા રહેવા જેવી તક જ નથી. આપણે વામણાં લોકો એમને આપણી તરફ નીચે ને નીચે જ ખેંચી જઈએ રહ્યાં છીએ, ને એ ય કરુણાવત્સલ ભાવે ખરડાવા તૈયાર રહે છે. અહીં એક અપૂર્વ ટ્રેજેડીની વસ્તુ છે. આત્મા ઊંચે ને ઊંચે જવા ઝંખે છે, તેને કરુણા અને નીચે આવવા બોલાવે છે. આ ખેંચતાણ કેવી મધૂર, કેવી ગંભીર, છતાં કેવી વ્યર્થપૂર્ણ હોય છે એ મને લાગે છે કે, કોઈક કવિએ ચીતરવું પડશે.. ’’ (પેજ-૧૬૬)
‘‘ધરણીધરે જેવું ધાર્યું હોય તેવું બને છે. તેની ધારણાથી આપણી ધારણા જુદી લાગે તોયે ધીરજ રાખવી. બાકી તો સંસાર ખાર જેવો છે. થોડો હોય તો બધાને મીઠું કરે, ઝાઝો હોય તો ખારું કરી મુકે.. ’’ (પેજ-૨૦૦)
‘‘હિન્દુસ્તાનમાં માણસ વહેલો જન્મે છે, વહેલો ઘરડો થાય છે ને વહેલો મરે છે.. ’’ (પેજ-૨૧૯)
‘‘મને દહાડે દહાડે શંકા પડતી જાય છે કે, વડાપ્રધાન અમુક હદ સુધી પૂરા સાચે છે, અમુક હદ સુધી પૂરા ખોટા છે. જો કે એમની ખુરશીમાં બેઠા સિવાય આમ કહેવું તે ઘણું અનુચિત પણ ગણાય.. ’’ (પેજ-૨૧૯)
‘‘ડાહ્યાઓ એકમત થતા નથી. મુર્ખાઓમાં એકમતતા લાવવી સહેલી છે. કારણ કે, તેમનામાં મતિ જ હોતી નથી.. ’’ (પેજ-૨૨૩)
‘‘જીતે તેના ગુણગાન સહુ ગાય છે ને હારેલા સિંહને શિયાળવું પણ બચકું ભરી શકે છે. અમે જીત્યા હોત તો અમારા ગુણગાન ગવાત. ઇતિહાસ તો વિજયની રથવાહિની છે.. ’’ (પેજ-૨૨૬)
‘‘જાતિમાત્રની સંસ્કૃતિનો આધાર સ્ત્રીઓ જ છે, તે તેની માતાઓની તેજોયમ વિભૂતિમાંથી મને શીખવા મળ્યું - ને જે જાતિ પોતાની સ્ત્રીઓ પરત્વે લઘુતાભાવ કેળવે છે, તેને માટે સંસ્કૃતિના આ દરબારમાં લઘુ આસન નિર્મિત થયું છે.’’ (પેજ-૨૫૫)
‘‘ખોરાકમાં ઝેરી માદક નુકસાન કરનારાં દ્રવ્યો ભેળવનારા સામે કાયદા છે. લોકોની રુચિ ને વિચારોમાં ઝેર કે મદ ભેળવવા સામે કશો કાયદો ન થઈ શકે? શહેર આખાને જંતુનાશક પાણી મળવું જોઇએ તેવી ગોઠવણ આપણે કરી છે, પણ રોજ સવારમાં લોકોના હૃદયમાં આવાં ચેપી જંતુઓ ફેલાવાય તેની સામે શું?’’ (પેજ-૨૫૮)
‘‘સત્કૃત્યની ગોળી પિસ્તોલની ગોળી કરતાં ય શક્તિશાળી છે તેમ પૂરવાર થાઓ!’’ (પેજ-૨૭૧)