Saturday, September 7, 2013

ત્યારે દીશા બદલાય છે...

અતૂટ મહેનત કરવા છતાં જ્યારે દશા ના
બદલાય ત્યારે દીશા બદલાય છે...
સમર્પણ સાથે થયેલા કામની કદર
ના થાય ત્યારે દીશા બદલાય છે..
બે-ચાર પૈસાના ફરકને જોતા નથી કર્મવીરો
પણ સ્વમાન ઘવાય ત્યારે દીશા બદલાય છે...
રાજ ભલે હોય સાચા, ચાકર દરવખતે ખોટા નથી હોતા..
દર્દ પરાકાષ્ઠાએ અનુભવાય ત્યારે દીશા બદલાય છે..
અવગણનાને તો વારંવાર અવગણીએ ''સંદીપ''
કાબેલિયત પર વાર થાય ત્યારે દીશા બદલાય છે..

સંદીપ કાનાણી (23મી જુલાઈએ લખેલી કવિતા)
 

MY WORK ON NEWS ANGLE 23 FEB 2013


Monday, August 12, 2013

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી


પર્વતના નામે પથ્થર દરિયાના નામે પાણી
''ઇર્શાદ'' આપણે તો ઇશ્વરને નામે વાણી.

આસું ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ
મારા આંગણે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી
''ઇર્શાદ'' આપણે તો ઇશ્વરને નામે વાણી. 

(ચીનુ મોદી ''ઇર્શાદ''ની ગઝલ, જે મારા ભણવામાં આવતી અને મને ગમતી, ગમે છે  )

Tuesday, August 28, 2012

ચૂંટણી વખતે કોંગ્રેસે ''ઘરના ઘર''ના ફોર્મ વહેંચ્યા ત્યારે લખેલી ફોટો કેપ્શન



ચૂંટણી વખતે કોંગ્રેસે ''ઘરના ઘર''ના ફોર્મ વહેંચ્યા ત્યારે લખેલી આ ફોટો કેપ્શન પહેલા પાને છપાઈ હતી

Monday, August 27, 2012

આજકાલ ગાજર બહુ સસ્તા છે...


આજકાલ ગાજર બહુ સસ્તા છે... નેતાઓ છુટ્ટા હાથે લહાણી કરે છે.... કોંગ્રેસે તો આ વચનોના ગાજરનો હલવો બનાવી નાખ્યો છે અને ''ઘર ના ઘર''ના વચનરૂપે પીરસી નાખ્યો છે.. ભોળી જનતાને આ હલવો બહુ ભાવ્યો છે પણ ભાજપને તે પચ્યો નથી તેને આ હલવાથી અપચો થઇ ગયો છે... મોદીના ગાજર હવે મોળા લાગે છે... હજુ ધમાધમ ચાલુ છે.. જોઈએ છે હજુ કોણ કેવા ગાજર આપે છે... એક દિવસ માટે પ્રજા વિજયી થશે... મતદાનના દિવસે.... અને ફરી ગમે તેની સ્થિર સરકાર આવી તો પાંચ વર્ષ સુધી ફરી એ જ હાલત જેવી અત્યારે છે.... ત્યારે વચનોના ગાજર સડીને કોહવાઈ ગયા હશે... અને તેમાંથી સડેલા રાજકારણની બૂ આવશે.... જય મતદાર.... જય લોકશાહી


Friday, December 9, 2011

ગુજરાત અને ગુજરાતીઓની મીઠાશ ‘કેસર’ કેરી

SANDEEP KANANI, MY STORY PUBLISHED IN DIVYABHASKAR before 2 years

સૌરાષ્ટ્રની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ સિઝનમાં ગુજરાતમાંથી કેરી મગાવીને તેના રસનો સ્વાદ માણવાનું ચૂકતાં નથી. કેસર કેરી… ‘ગુજરાતની લાડકી’ અને વિશ્વની માનીતી છે, તમામ કેરીઓમાં શિરમોર છે.

ઉનાળો આવતાં જ તેનું સામ્રાજ્ય બજારોથી લઈને લોકોની થાળી અને ફ્રીઝ સુધી છવાઈ જાય છે. તે દેવોનું પ્રિય ફળ મનાય છે અને તેના રસની તુલના અમૃત સાથે થાય છે. તેનું રસમાધુર્ય ગુજરાત અને ગુજરાતીઓના હૃદયની મીઠાશનો અનુભવ કરાવે છે. કેસર કેરી… ‘ગુજરાતની લાડકી’ અને વિશ્વની માનીતી છે, તમામ કેરીઓમાં શિરમોર છે.

સોરઠની ભૂમિમાં જન્મેલી, પાંગરેલી-ઉછરેલી કેસર એ માત્ર કેરી નથી, પરંતુ વિશ્વને ગુજરાતના હૃદયની મધુરતાનો આસ્વાદ કરાવતી એક પ્રતિનિધિ છે. એની અનોખી ખુશ્બુ સમગ્ર વિશ્વને ગુજરાતના અંતરમનની સુગંધનો પરિચય આપે છે.

તેની લીલી છાલની નીચેનો કેસરી ગર(ગર્ભ) ‘વિભિન્નતામાં એકતા’ અને ખરી ‘બિનસાંપ્રદાયિકતાના’ પ્રતીક સમાન છે. તેની રસપ્રચૂરતા ગુજરાતની રસાળતા અને ફળદ્રૂપતાની સાબિતી છે. મઘ્યમ કદ છતાં તેની દેશ-વિદેશમાં ફેલાયેલી કીર્તિ-પ્રીતિ ગુજરાતની અમાપ ક્ષમતા અને સર્વસ્વીકૃતિનું ચિહ્ન છે. વિશ્વસ્તરે કેસર એ ગુજરાતનો પર્યાય છે.

અલબત્ત, ભૌગોલિક વિવિધતા અને વિશેષતા ધરાવતા ગુજરાતનો દરેક પ્રાંત કેરીઓની બાબતમાં પોતિકો વૈભવ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, જમાદાર, રાજાપુરી, વશી બદામી, નીલમ, તોતાપુરી, દાડમિયો, લંગડો, કરંજિયો, દશેરી, સરદાર તો મઘ્ય ગુજરાતમાં રાજાપુરી, લંગડો, કેસર, વશીબદામી, કરંજિયો પ્રચલિત છે.

ઉત્તર ગુજરાતમાં રાજાપુરી, કેસર, લંગડો અને તોતાપુરીનું વર્ચસ્વ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર અને રાજાપુરી તથા જમાદાર પ્રખ્યાત છે.ઉપરાંત દેશભરમાં કેરીની ૧૦૦૦થી વધુ જાતો જોવા મળે છે. પરંતુ ‘ગીર કેસર’ કેરીઓમાં ‘મહારાણી’નું બિરુદ પામે છે અને અન્ય જાતો તેની સામે જાણે કુર્નિશ બજાવે છે.

અન્ય કેરીઓની સરખામણીમાં કેસર સહેજ પાતળી અને મઘ્યમ કાયા ધરાવે છે. અન્ય કેરીઓ પાકવા પર આવે ત્યારે તેની છાલ પીળાશ પડતી અને આછી કેસરી થવા લાગે છે જયારે પાકી ગયા બાદ કેસરની છાલ લીલી જ રહે છે પરંતુ અંદરથી તે સંપૂર્ણ કેસરી હોય છે. અંદાજે ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતી કેસર હવે જીઈ રજિસ્ટ્રેશન (જિયોગ્રાફિકલ ઇન્ડેકસ) મેળવવા જઈ રહી છે. આ રજિસ્ટ્રેશન બાદ તે વિશ્વના બજારમાં ‘ગીર કેસર’ બ્રાન્ડ નેમ સાથે ગુજરાતનું અધિકત રીતે બ્રાન્ડિંગ કરશે.

ક્લાઇમેટ ચેન્જ : કેરીનો નંબર વન દુશ્મન

આબોહવામાં આવેલા પરિવર્તનને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર તાલાલા તાલુકામાં જ પ્રતિવર્ષ સરેરાશ ૨૦ લાખ કિલો કેરીનું ઉત્પાદન ઘટયું છે. તાલાલા માર્કેટયાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયા જણાવે છે કે, વધતો ઉત્પાદન ખર્ચ અને વાતાવરણ કેરી પકવવા માટે એક મોટો પડકાર બની રહ્યું છે. વળી કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કેરીનો જલદી નિકાલ કરવો પડે છે.

આંબાને પાણીને બદલે દૂધ સિંચવામાં આવતું હતું

જૂનાગઢમાં હાલમાં જયાં સક્કરબાગ છે તેની બાજુમાં આવેલી ખાદીગ્રામોદ્યોગની વાડીની જગ્યાએ પહેલાં રસૂલે ગુલઝારની વાડી હતી. નવાબ રસૂલખાનના સમયમાં આંબાઓના ઉછેર માટે પાણી નહીં દૂધ સિંચવામાં આવતું હતું. આથી અહીંની કેરી દૂધ-પેંડા તરીકે ઓળખાતી હતી. વળી દરેક વૃક્ષ પર કેટલી કેરી થાય છે તેની નોંધણી થતી હતી.

નોલેજ પ્લસ

સમગ્ર ગુજરાતમાં જેટલી કેરીઓ પાકે છે તેમાંથી ૬૦ ટકા હિસ્સો એકલી કેસરનો હોય છે. આ કેરીની મીઠાશ, આગવી સુગંધ અને તેના ગરના અસ્સલ કેસર જેવાં રંગ પરથી તેનું નામ કેસર પડ્યું છે.

કેરીઓની મહારાણી કેસર

૧. આપણે જે કેરી જોઈએ છીએ, તેનું સંભવિત મૂળ આસામ, મ્યાનમાર અને થાઇલેન્ડમાં હોવાનું મનાય છે.
૨. પાકી કેરી મધુર, શીતળ, જળ, બલકર, ધાતુવર્ધક, પુષ્ટિકર, ત્રિદોષ નાશક, અગ્નિ દીપક, મળસ્તંભક, પ્રિય, સ્નિગ્ધ, તુરી અને કાંતિવર્ધક છે.
૩. કેરી ખાવાથી વાયુ, તૃષા, પિત્ત, દાહ, શ્વાસ, દમ અને અભિરુચિનો નાશ થાય છે. કેરીમાં રહેલું વિટામિન એ આંખોનું તેજ વધારે છે, વિટામિન સી રકતની શુદ્ધિ કરે છે.

ફેકટ ફાઇલ

૧. આંબો દર વર્ષે એકસરખું ઉત્પાદન આપતો નથી. કલમી આંબા ચાર વર્ષ પછી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે અને સામાન્ય રીતે ૪૦ વર્ષ સુધી કેરી આપ્યા બાદ નિવૃત્ત થાય છે.

૨. ગીરની કેસરની વિશેષતા તેની સુગંધ અને મીઠાશ છે. તેની છાલ પાકયા પછી પણ લીલી રહેતી હોય છે, પરંતુ કેરી કાપતા અંદરથી સંપૂર્ણ કેસરી હોય છે. રસાળ કેસરની સુગંધ એટલી તીવ્ર હોય છે કે સાબુથી કેરીવાળા હાથ ધોયા પછી પણ તેની સુગંધ જતી નથી.

૩. કેસર કેરીમાં રેસા હોતા નથી. તેમાં વિટામિન-એ, વિટામિન-સી અને શુક્રોજ ભરપૂર માત્રામાં હોય છે.

૪. કેરી એ એકમાત્ર એવું ફળ છે કે જે દૂધ સાથે ખાઈ શકાય છે. જો તેને નિયમિત દૂધ સાથે ખાવામાં આવે તો વજન પ્રમાણમાં જલદી વધે છે.

૫. કેસર કેરીને વૃક્ષ પરથી ઉતાર્યા બાદ તે ધીમે-ધીમે અને કુદરતી રીતે પાકે છે.

Saturday, September 11, 2010

દેશની તિજોરી લુંટવાનો ત્રાગડો રચાયો ત્યારે રાહુલ પબ્લિક રીલેશનમાં પડ્યા હતા


અધધધ પગાર વધારા મારે સાંસદોએ તાયફો કર્યા બાદ જયારે સંસદમાં સાંસદોના પગાર વધારા માટે ત્રાગડો રચાયો ત્યારે અનેક કોંગ્રેસીઓ અને અનેક દેશવાસીઓ જેને ભાવી વડા પ્રધાનના રૂપમાં જુએ છે તે યુથ આયકોન રાહુલ રાજીવ ગાંધી પબ્લિક રીલેશનના કામમાં પડ્યા હતા, દેશની જનતાના હાલચાલ પૂછવા નીકળ્યા હતા. દેશના અનેક લોકો જયારે સાંસદોના બેફામ પગાર વધારા સામે (પણ) નારાજ હતા ત્યારે અને લોકોમાં આ મુદ્દે રોષ અને નારાજગી (કંઈ ના કરી શકવાની લાચારી પણ) હતી ત્યારે અમેઠીના યુવા સાંસદ (જેની પાસે અનેક લોકોને અપેક્ષા હતી અને હજુ છે ) તેનું કોઈ નોંધપાત્ર નિવેદન ના આવ્યું. ગયા વર્ષે મોંઘવારી અને મંદી વચ્ચે સોનિયાજી એ તમામ સાંસદોને સાદગીને અપીલ કરી હતી, પ્લેનના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા કહ્યું હતું. સોનિયાજીના અને રાહુલના શબ્દને સુચના અને આદેશ માનનારા અનેક કોંગ્રેસીઓએ આ અપીલનું પાલન પણ "કરી દેખાડ્યું." બાદમાં મંદી પૂરી થઇને સાદગી અને કરકસરની વાત વિસરાઈ ગયી. હવે જયારે લાલુ, મુલાયમ (ખરેખર મુલાયમ નહિ પણ જાડી ચામડી છે) જેવા બાહુબલી સાંસદો એ પગાર વધારા માટે હલ્લો અને હોબાળો મચાવ્યો ત્યારે અમેઠીના યુવા સાંસદે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની અને દેશવાસીઓની લાગણીને ખરી રીતે ધ્યાનમાં રાખીને સંસદમાં સાંસદોના પગાર વધારાનો વિરોધ કરીને ખરેખર સાદગીનો પક્ષ રાખવાની જરૂર હતી. પણ માતા સોનિયાજીએ સાંસદોના પગાર વધારાને સમર્થ આપ્યું અને જો રાહુલ બાબા વિરોધ કરે તો જે સાથી પક્ષો યુપીએને ટેકો આપી રહ્યા છે, તે નારાજ થઇ જાય અને કેન્દ્રમાં શાસન કરતી કોંગ્રેસની સત્તા હાલક-ડોલક થઇ જાય. એટલે સળગતા મુદ્દાઓ બાબતે મૌન રાખીને (જ્યાં ખરેખર બોલવાની જરૂર છે) દેશવાસીઓની મુલાકાત લીધા કરવાની અને ફરિયાદો સાંભળી તેને હાલ કરવાની સુચના આપ્યા કરવાની. ખોટા (ખરેખર તો સાચા) વિવાદ અને વિરોધમાં નહિ પડવાનું. વડા પ્રધાન બનવા માટે દેશના લોકોને મળીને ખાલી ચોકલેટી બનવાથી નહિ ચાલે, રાહુલ તમારે તમારા દાદી ઇન્દિરાજી અને પિતા રાજીવ જેવી આક્રમકતા પણ દેખાડવી પડશે. કારણ વડા પ્રધાન બન્યા પછી આસપાસ તો હજુરિયા-ખજુરીયા હશે, પણ દેશની સામે અનેક દુશ્મનો પણ હશે. પબ્લિક રીલેશનની સ્ટંટબાજી ને બદલે ભાવી વડા પ્રધાનને સળગતા પ્રશ્નો, લોકોને ખરી રીતે સ્પર્શતા મુદ્દાઓની સમજ, પરખ અને સાથે સંવેદનશીલતા હોવી જરૂરી છે અને યુવા નેતા આ મુદ્દા ને પ્રાથમિકતા આપે અને તેના ઉકેલ માટે આક્રમકતા અને તત્પરતા દાખવે તે જરૂરી છે. રાહુલ હજુ ઘણું શીખવાનું બાકી છે, મુદ્દાઓ, પ્રશ્નો અનેક છે અને આવશે. જોઈએ છે સમય શું કહે છે.

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...