Friday, December 9, 2011

ગુજરાત અને ગુજરાતીઓની મીઠાશ ‘કેસર’ કેરી

SANDEEP KANANI, MY STORY PUBLISHED IN DIVYABHASKAR before 2 years

સૌરાષ્ટ્રની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ સિઝનમાં ગુજરાતમાંથી કેરી મગાવીને તેના રસનો સ્વાદ માણવાનું ચૂકતાં નથી. કેસર કેરી… ‘ગુજરાતની લાડકી’ અને વિશ્વની માનીતી છે, તમામ કેરીઓમાં શિરમોર છે.

ઉનાળો આવતાં જ તેનું સામ્રાજ્ય બજારોથી લઈને લોકોની થાળી અને ફ્રીઝ સુધી છવાઈ જાય છે. તે દેવોનું પ્રિય ફળ મનાય છે અને તેના રસની તુલના અમૃત સાથે થાય છે. તેનું રસમાધુર્ય ગુજરાત અને ગુજરાતીઓના હૃદયની મીઠાશનો અનુભવ કરાવે છે. કેસર કેરી… ‘ગુજરાતની લાડકી’ અને વિશ્વની માનીતી છે, તમામ કેરીઓમાં શિરમોર છે.

સોરઠની ભૂમિમાં જન્મેલી, પાંગરેલી-ઉછરેલી કેસર એ માત્ર કેરી નથી, પરંતુ વિશ્વને ગુજરાતના હૃદયની મધુરતાનો આસ્વાદ કરાવતી એક પ્રતિનિધિ છે. એની અનોખી ખુશ્બુ સમગ્ર વિશ્વને ગુજરાતના અંતરમનની સુગંધનો પરિચય આપે છે.

તેની લીલી છાલની નીચેનો કેસરી ગર(ગર્ભ) ‘વિભિન્નતામાં એકતા’ અને ખરી ‘બિનસાંપ્રદાયિકતાના’ પ્રતીક સમાન છે. તેની રસપ્રચૂરતા ગુજરાતની રસાળતા અને ફળદ્રૂપતાની સાબિતી છે. મઘ્યમ કદ છતાં તેની દેશ-વિદેશમાં ફેલાયેલી કીર્તિ-પ્રીતિ ગુજરાતની અમાપ ક્ષમતા અને સર્વસ્વીકૃતિનું ચિહ્ન છે. વિશ્વસ્તરે કેસર એ ગુજરાતનો પર્યાય છે.

અલબત્ત, ભૌગોલિક વિવિધતા અને વિશેષતા ધરાવતા ગુજરાતનો દરેક પ્રાંત કેરીઓની બાબતમાં પોતિકો વૈભવ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, જમાદાર, રાજાપુરી, વશી બદામી, નીલમ, તોતાપુરી, દાડમિયો, લંગડો, કરંજિયો, દશેરી, સરદાર તો મઘ્ય ગુજરાતમાં રાજાપુરી, લંગડો, કેસર, વશીબદામી, કરંજિયો પ્રચલિત છે.

ઉત્તર ગુજરાતમાં રાજાપુરી, કેસર, લંગડો અને તોતાપુરીનું વર્ચસ્વ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર અને રાજાપુરી તથા જમાદાર પ્રખ્યાત છે.ઉપરાંત દેશભરમાં કેરીની ૧૦૦૦થી વધુ જાતો જોવા મળે છે. પરંતુ ‘ગીર કેસર’ કેરીઓમાં ‘મહારાણી’નું બિરુદ પામે છે અને અન્ય જાતો તેની સામે જાણે કુર્નિશ બજાવે છે.

અન્ય કેરીઓની સરખામણીમાં કેસર સહેજ પાતળી અને મઘ્યમ કાયા ધરાવે છે. અન્ય કેરીઓ પાકવા પર આવે ત્યારે તેની છાલ પીળાશ પડતી અને આછી કેસરી થવા લાગે છે જયારે પાકી ગયા બાદ કેસરની છાલ લીલી જ રહે છે પરંતુ અંદરથી તે સંપૂર્ણ કેસરી હોય છે. અંદાજે ૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતી કેસર હવે જીઈ રજિસ્ટ્રેશન (જિયોગ્રાફિકલ ઇન્ડેકસ) મેળવવા જઈ રહી છે. આ રજિસ્ટ્રેશન બાદ તે વિશ્વના બજારમાં ‘ગીર કેસર’ બ્રાન્ડ નેમ સાથે ગુજરાતનું અધિકત રીતે બ્રાન્ડિંગ કરશે.

ક્લાઇમેટ ચેન્જ : કેરીનો નંબર વન દુશ્મન

આબોહવામાં આવેલા પરિવર્તનને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર તાલાલા તાલુકામાં જ પ્રતિવર્ષ સરેરાશ ૨૦ લાખ કિલો કેરીનું ઉત્પાદન ઘટયું છે. તાલાલા માર્કેટયાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયા જણાવે છે કે, વધતો ઉત્પાદન ખર્ચ અને વાતાવરણ કેરી પકવવા માટે એક મોટો પડકાર બની રહ્યું છે. વળી કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કેરીનો જલદી નિકાલ કરવો પડે છે.

આંબાને પાણીને બદલે દૂધ સિંચવામાં આવતું હતું

જૂનાગઢમાં હાલમાં જયાં સક્કરબાગ છે તેની બાજુમાં આવેલી ખાદીગ્રામોદ્યોગની વાડીની જગ્યાએ પહેલાં રસૂલે ગુલઝારની વાડી હતી. નવાબ રસૂલખાનના સમયમાં આંબાઓના ઉછેર માટે પાણી નહીં દૂધ સિંચવામાં આવતું હતું. આથી અહીંની કેરી દૂધ-પેંડા તરીકે ઓળખાતી હતી. વળી દરેક વૃક્ષ પર કેટલી કેરી થાય છે તેની નોંધણી થતી હતી.

નોલેજ પ્લસ

સમગ્ર ગુજરાતમાં જેટલી કેરીઓ પાકે છે તેમાંથી ૬૦ ટકા હિસ્સો એકલી કેસરનો હોય છે. આ કેરીની મીઠાશ, આગવી સુગંધ અને તેના ગરના અસ્સલ કેસર જેવાં રંગ પરથી તેનું નામ કેસર પડ્યું છે.

કેરીઓની મહારાણી કેસર

૧. આપણે જે કેરી જોઈએ છીએ, તેનું સંભવિત મૂળ આસામ, મ્યાનમાર અને થાઇલેન્ડમાં હોવાનું મનાય છે.
૨. પાકી કેરી મધુર, શીતળ, જળ, બલકર, ધાતુવર્ધક, પુષ્ટિકર, ત્રિદોષ નાશક, અગ્નિ દીપક, મળસ્તંભક, પ્રિય, સ્નિગ્ધ, તુરી અને કાંતિવર્ધક છે.
૩. કેરી ખાવાથી વાયુ, તૃષા, પિત્ત, દાહ, શ્વાસ, દમ અને અભિરુચિનો નાશ થાય છે. કેરીમાં રહેલું વિટામિન એ આંખોનું તેજ વધારે છે, વિટામિન સી રકતની શુદ્ધિ કરે છે.

ફેકટ ફાઇલ

૧. આંબો દર વર્ષે એકસરખું ઉત્પાદન આપતો નથી. કલમી આંબા ચાર વર્ષ પછી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે અને સામાન્ય રીતે ૪૦ વર્ષ સુધી કેરી આપ્યા બાદ નિવૃત્ત થાય છે.

૨. ગીરની કેસરની વિશેષતા તેની સુગંધ અને મીઠાશ છે. તેની છાલ પાકયા પછી પણ લીલી રહેતી હોય છે, પરંતુ કેરી કાપતા અંદરથી સંપૂર્ણ કેસરી હોય છે. રસાળ કેસરની સુગંધ એટલી તીવ્ર હોય છે કે સાબુથી કેરીવાળા હાથ ધોયા પછી પણ તેની સુગંધ જતી નથી.

૩. કેસર કેરીમાં રેસા હોતા નથી. તેમાં વિટામિન-એ, વિટામિન-સી અને શુક્રોજ ભરપૂર માત્રામાં હોય છે.

૪. કેરી એ એકમાત્ર એવું ફળ છે કે જે દૂધ સાથે ખાઈ શકાય છે. જો તેને નિયમિત દૂધ સાથે ખાવામાં આવે તો વજન પ્રમાણમાં જલદી વધે છે.

૫. કેસર કેરીને વૃક્ષ પરથી ઉતાર્યા બાદ તે ધીમે-ધીમે અને કુદરતી રીતે પાકે છે.

No comments:

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...