Thursday, December 15, 2016

સાહિત્ય: મારી વાચનપોથીમાંથી….

સમયાંતરે વાચન વખતે ગમી ગયેલી કેટલીક રચનાઓ, વિચારો, નોંધો, સંદર્ભોને ડાયરીબદ્ધ કરવાની આદત રહી છે. આ બધી જ રચનાઓ જે-તે લેખક-વિચારક-કવિઓની જ છે, એમના સૌજન્ય-ઋણ સ્વીકાર સાથે આમાંની કેટલીક સામગ્રીને હવે બ્લોગબદ્ધ કરી રહ્યો છું. આ પ્રયાસ પાછળનો હેતુ ‘ગમતાનો કરીએ ગુલાલ’ એ ભાવ સાથે આ ચૂંટેલી વાચન સામગ્રીને અન્ય મિત્રો-વાચન પ્રેમીઓ સાથે વહેંચવાનો છે. આપ સહુને આ વાત ગમશે તેવી આશા. આપના સૂચનો-વિચારો હંમેશા આવકાર્ય છે. 

શીર્ષક: છાપું

સમાચારો મલકના ખાય છાપું, પછીથી આફરે અકળાય છાપું,
છબી ગાંધીની રાખે છે એ સામે, ને ગધનું, ક્યાંય ના અચકાય છાપું!
ગયું છે એમ લક્ષ્મીજીને ખોળે, હવે વાગ્દેવીથી સંતાય છાપું,
ન તો સંત્રી, નથી પ્રહરી રહ્યું એ, રતન સરખું હતું રોળાય છાપું.
કરીને માહ્યલો પીળો કધોણો, હવે વરણાગિયું બહું થાય છાપું,
રહ્યું ના મોહતાજ જાગ્રત પ્રજાનું, કુપન ખાતર બકરીઓ ખાય છાપું.
હંમેશા ઓટલા-પરિષદ કરે છે, કરી અપવાદે શાણું થાય છાપું,
કદી કશ્તી બનીને બાળકોની, પ્રથમ વરસાદમાં જઇ ન્હાય છાપું.
બગીચે-બાંકડે પહોંચી ગયું તો, ચવાણાં ખાઇને હરખાય છાપું,
સવારે નીકળે હીરોગીરીથી, ને સાંજે પસ્તીએ પટકાય છાપું.
- મીનાક્ષી ચંદારાણા (નવનીત સમર્પણ, ઓક્ટોબર ૨૦૦૭, પાના નંબર ૧૬)  


એક સુવિચાર

“તમે જે કામ કરી શકો તેમ નથી,
એના વિશે અફસોસ કરતા રહેવાને બદલે,
જે કામ કરી શકો તેમ છો,
એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો.”

Sunday, November 6, 2016

ગુજરાતી Passport: OverAll મજા કરાવતી ફિલ્મ

બોલિવૂડની મોટા બેનરની બે ફિલ્મો એકતરફ ફ્લોપ સાબિત થઈ રહી છે, ત્યારે વચ્ચે આવેલી ગુજરાતી ફિલ્મ પાસપોર્ટ લોકોને મજા કરાવી રહી છે. ઓવરઓલ એન્ટરટેઇનિંગ મૂવિને રિલિઝ પહેલાંથી જ દર્શકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વિદેશી યુવતી એના (એન્ના એડોર)ના પાસપોર્ટ ચોરીથી શરૂ થતી ધમાચકડી અને વચ્ચે વચ્ચે સર્જાતી કોમેડી લોકોને પૂરતા હંસાવી રહી છે. વિદેશી ગોરીના મોઢેથી ગુજરાતી સંવાદો સાંભળીને મલ્ટિપ્લેક્સ સાથે કેટલાકના દિલમાં પણ સીટીઓ વાગે છે!
ડોન સરતાજ (આશિષ વશી) ‘કોમેડીના ડોન’ના રોલમાં મજા કરાવે છે, તો મલ્હાર ઠાકર અને હેશટેગ ફેમ ઉજ્જવલ દવે મુખ્ય ભૂમિકાને બરાબર પકડી રાખે છે. ફિલ્મનો ચોર જયેશ મોરે ‘હું ચોર નથી કલાકાર છું’ના ડાયલોગ બખૂબી સાર્થક કરતો હોય તેમ સોલીડ એક્ટિંગ કરીને દર્શકોની વાહવાહી લૂંટી જાય છે. ફિલ્મોના કેટલાક દૃશ્યો, કેમરા વર્ક અને સિનેમેટોગ્રાફી ઓવરઓલ સારું કહી શકાય. અમદાવાદની પોળોના દૃશ્યોમાં દોડતી ફિલ્મ અમદાવાદીઓને મજા જ કરાવે

ગુજરાતીમાં નવી નવી પ્રયોગાત્મક ફિલ્મો બની રહી છે ત્યારે પાસપોર્ટ એન્ટરટેઇનિંગ મૂવિ જણાય છે અને ફિલ્મમાં કલાકારોએ પોતનો રોલ સાર્થક કરવા કરેલી મહેતન દેખાઈ આવે છે. ગુજરાતી સિનેમાના થઇ રહેલા મેકઓવર વચ્ચે Enjoy પાસપોર્ટ

Saturday, November 5, 2016

.. તો સરકાર-પ્રતિબંધ ખોટા છે .. તો મીડિયા પર પ્રતિબંધ સાચો છે..

એનડીટીવી ચેનલ પર એક દિવસના પ્રસારણ પ્રતિબંધનો મુદ્દો અત્યારે ગરમ-ગરમ છે. હંમેશની જેમ, મીડિયાનું ગળું ઘોંટવાના પ્રયાસ, વાણી અને સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ, આપખુદશાહી-હિટલરશાહી, લોકશાહી દેશમાં ચોથી જાગીર પર સરકારી હુમલો વગેરે.. વગેરે.. કેટલાય વિરોધી વિશેષણો સાથેના અવાજો ઉઠવા લાગ્યા. વાણી-સ્વાતંત્ર્યના અધિકારનું રક્ષણ થવું જ જોઇએ અને તેને ઘોંટવાના કોઇ પણ પ્રયાસનો વિરોધી છું. પણ આ સમગ્ર ઘટનાક્રમમાં મને કેટલાક સવાલો થાય છે.

સવાલ-૧:  ચેનલ પર એકદિવસીય પ્રતિબંધ શા માટે મુકાયો? એટલા માટે કે તેણે સરકારને સવાલો પૂછ્યા છે? અણિયાળા સવાલો પૂછ્યા છે?

સવાલ-૨: પઠાણકોટ હુમલા વખતે આર્મીની કાર્યવાહીને લાઇવ દેખાડવાની લ્હાયમાં રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ સર્જાયું, તે વાત અવગણી શકાય?

(નોંધ: અમદાવાદમાં ચેનલમાં કામ કરતા કેટલાક વરીષ્ઠ પત્રકાર મિત્રોએ જ કહ્યું હતું કે, આવા દૃશ્યો ખરેખર ના દર્શાવવા જોઇએ. મુંબઇ હુમલા વખતે આર્મીની લાઇવ કાર્યવાહીનો પાકિસ્તાની આતંકવાદીઓએ લાભ ઉઠાવ્યાની વાતો પણ ઊઠી હતી. પઠાણકોટ વખતે પણ આવું થયાનું કહેવાય છે.)

સવાલ-૩: લાઇવ કવરેજના ચક્કરમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષાને અવગણી, આર્મીનું તત્કાલીન ધોરણે ચાલતું ઓપરેશન, કમાન્ડોની ગતિવિધિઓ લાઇવ દર્શાવવી જોઇએ? કે તેના પર સમજદારી સાથે કોઇ સંયમ જરૂરી છે? જો આમાં ચૂક થઈ છે તો સ્વીકારવામાં શું નડે છે?

સવાલ-૪: જેવા અણિયાળા સવાલો રાજનેતાઓને પૂછાય છે, એ સવાલો ક્યારેક પોતાની જાતને (ચેનલને) પૂછીને થયેલી ચૂક સુધારવાના પ્રયાસો થાય છે? કે પછી નેતાઓની જેમ ઇગો નડે છે? થયેલી હરકત (ભલે ભૂલભરેલી હોય)ને મુદ્દાઓ ટ્વિટ્સ કરીને સાચા ઠરાવવા પ્રયાસ થાય છે?

સવાલ-૫: ટીઆરપીની લ્હાયમાં આર્મીની કાર્યવાહી, સંવેદનશીલ વિગતો લાઇવ દર્શાવવી જોઇએ? દેશની સુરક્ષા સામે જોખમના મુદ્દાને અવગણવો જોઇએ?

સવાલ-૬: જો રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રતિબંધની વાત હોય તો એવું નથી લાગતું વાણી-સ્વતંત્રતાના અધિકારનો ભંગ, સવાલો કરીએ છીએ એટલે ગળું ઘોંટવાના પ્રયાસ એવા બધા મુદ્દા ઉછાળીને લોકોને બનાવવાના ધંધા બંધ કરવા જોઇએ? થયેલી ભૂલો સુધારવી જોઇએ?

(પણ ના… ભૂલો દર્શાવવાનું અને સુધારવાના સૂચનો કરવાનું કામ તો અમારું. અમારી ભૂલો ભલે હોય, તમે તેના સામે આંગળી પણ ના ચીંધી શકો. મીડિયા અમે છીએ, તમે નહીં. અમે ભૂલો કરીશું અને જો તમે તેના સામે અંગુલીનિર્દેશ કરશો તો અમે તેને વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર જ તરાપ ગણીશું… : આવા-આવા એટિડ્યૂડ કેટલા યોગ્ય?)

સ્પષ્ટ વાત: જો અણિયાળા સવાલોથી ગિન્નાઇને પ્રતિબંધ મુકાયો હોય, કે સવાલોના વાણી સ્વાતંત્ર્ય પર તરાપની હોય તો પ્રતિબંધ અયોગ્ય છે, આપખુદ શાહી છે, જેનો ઊંચા અવાજે વિરોધ છે, પણ વાત જો રાષ્ટ્રીય સુરક્ષાની છે અને તેમાં થયેલી ચૂક બદલ પ્રતિબંધની છે, તો મુદ્દાઓ ટ્વિસ્ટ કરવાનું બંધ કરો, મહેરબાની કરી ખોટી કાગારોળ બંધ કરો, થયેલી ભૂલો સ્વીકારી વધુ ખેલદિલી સાથે કામ કરો.

- લિ. સંદીપ કાનાણી

Wednesday, October 19, 2016

મારી વાર્તા: આંસુ અને અંધારું….


શહેરના છેવાડે આવેલા એક પરાના એક ઘરમાં ઘડિયાળમાં રાત્રે સવા દસ વાગ્યા અને માતાના પેટમાં ફાળ પડી. હમણાં તેનો દીકરો આવીને ધમાલ કરશે, ગાળા-ગાળી, હાથ ઉપાડો કરીને ત્રાસ વર્તાવશે. બીમારી તથા વૃદ્ધાવસ્થાના કારણે પથારીવશ પિતાના ચહેરા પર પણ ચિંતાનો ભાર ખડકાયો. વૃદ્ધ પતિ-પત્નીનો અડધી કલાક ઉચાટમાં જ ગયો. ‘ક્યારે આવશે નખ્ખોદિયો. આવીને ઝટ જમીને સૂઇ જાય એટલે નિરાંતક્રોધના આવેશમાં માતા બબડી. અને અચાનક બારણે ટકોરા થયા. દરવાજો ખોલ્યો અને દીકરો રમેશ લથડિયા ખાતો, ગાળો બોલતો ઘરમાં આવ્યો. ‘ઝટ ખાવાનું પીરસ ડોશી, બહુ ભૂખ લાગી છેડરેલી માતાએ ધ્રૂજતા હાથે થાળી પીરસી. રમેશે બબડતાં બબડતાં જ જમી લીધું અને પોતાના રૂમમાં સુવા ચાલ્યો હતો. બીજી તરફ બત્તીઓ બુઝાવી માતાએ પણ લંબાવ્યું

રમેશ આમ તો નાનપણથી જ તોફાની પણ ખબર નહીં ક્યારથી કુસંગે ચડી ગયો. દારૂ પીવો, જુગાર રમવો, કોઇની સાથે જવું એવું બધું તો હવે જાણે કોઠે પડી ગયું પણ છેલ્લા ઘણા વખતથી તેણે હાથ ઉપાડવાનો શરૂ કર્યો ત્યારથી માતા-પિતા બંને તેનાથી ડરવા લાગ્યા છે. વૃદ્ધ માતાએ રમેશને વારવાનો અનેક વાર પ્રયાસ કર્યો પણ હવે તો બોલવાનું શરૂ કરે તે પહેલાં દીકરાનો માર શરૂ થઈ જતો. અંતે તે મુંગા મોઢે સહન કરતી. ‘ક્યા ભવનું લેણું બાકી છે કે આવા દિવસ જોવા પડે છે?’ પથારીમાં તે મનોમન બબડતી હતી

જુવાન દીકરો છે. કંઇ કહેવાય નહીં. ભલે ગમે તેવો છે પણ ઘડપણનો આધારએવું વિચારીને તે મન મનાવતી. છતાં તેને પેટમાં સતત ફાળ રહેતી. ‘રખેને તેને કંઇ થઈ જાય તો? આ ડોક્ટરે કહ્યું કે તેના દીકરાને એઇડ્સ થયો છે ત્યારથી તો તેણે દીકરાને કંઇ પણ કહેવાનું જ બંધ કરી દીધું હતુંમા જાણે નિરાશાની અંધારી ખાઇમાં ખોવાઈ ગઈ હતી. તમરાની ચીચીયારીઓ વચ્ચે આકાશમાં મધરાતનું અંધારું જામી ગયું હતું

એક દિવસ શહેરમાં ધમાલ થઈ. સમાજવાળા કંઇક આંદોલને ચઢ્યા. તોફાનો થયા. તેનો દીકરો આજે વહેલો ઘરે આવી ગયો હતો. પણ મધરાતે પોલીસ આવીને મારતી મારતી ઉપાડી ગઈ. સોસાયટીના બીજા ચાર-પાંચ છોકરાવને પણ લઈ ગઈ. બીજા દિવસે માતા અને સોસાયટીના લોકો પોલીસ સ્ટેશને ગયા ત્યારે ખબર પડી કે તેનો દીકરો તો લોક અપમાં જ પોલીસના મારથી મરી ગયો છે. તૂટેલી લાકડી જેવો એકનો એક સહારો પણ ભગવાને છીનવી લીધો.. પોલીસ સ્ટેશનમાં જ માતા ભાંગી પડી.. હોબાળો મચી ગયો. પરાંથી લઇને આખા શહેરમાં પોલીસના ત્રાસ સામે રોષ ફેલાયો. ફરી તોફાનો, તોડફોડ, ક્યાંક પોલીસ સ્ટેશનો પણ સળગાવાયા. સમાજના એક યુવકના પોલીસ દમનથી થયેલા મોતના ઘેરા પડઘા પડ્યા

સમાજના લોકો વૃદ્ધ દંપતિને આશ્વાસન આપવા દોડી આવ્યા. ‘તમારા દીકરાની શહીદી એળે નહીં જાય. સમાજનાં આંદોલનમાં તેની આહુતિ એળે નહીં જાય. અમે હવે ન્યાય લઇને જ રહીશુંજેવા ભાષણો-ઘોષણાઓ થઈ. વૃદ્ધ દંપતિ તરફ સહાયનો ધોધ વહેવાનો શરૂ થયો. વૃદ્ધ દંપતિને આજીવન નિભાવની ગોઠવણો પણ થઈ ગઈ

થોડા દિવસો શોકમાં ગયા. બીજી તરફ શહેરમાં આવતા કોઇ પણ નેતા કે આગેવાનો વૃદ્ધ દંપતિની મુલાકાત અચૂક લેતા. પોલીસના ત્રાસના વિવરણો પૂછીને સહાનુભૂતિ વ્યક્ત કરતા, છાપાવાળા સામે ફોટો પડાવતા, સહાયના ચેકો આપતા અને જતા રહેતા. સમાજ અને નેતાઓ તરફથી મળેલી સહાય પછી ઘરની આર્થિક ભીડ થોડી હળવી થઈ હતી. પાડોશવાળા નિયમિત ખ્યાલ રાખતા હતા. કારણ, સમાજના આગેવાનો અને નેતાઓને વૃદ્ધ દંપતિના દીકરાના મૃત્યુના આંસુથી આંદોલનમાં સતત ઘી રેડવાનું હતું
 
સમયચક્ર ચાલ્યા કર્યું. ફરી એક રાત પડી. આકાશમાં ઘેરાતા અંધારા સાથે વૃદ્ધ માતા વિચારે ચડી, ‘આંસુ આંસુમાં પણ કેટલો ફર્ક હોય છે? દીકરાના હાથનો માર ખાઇને પડતાં આસું, થતી વેદના માટે કોઇ પૂછવા નહોતું આવતું. હવે કોઈ મારનારું નથી, ગાળો દઇ અપમાનિત કરનારું નથી. છતાં આંસુ સારવાના છે, લોકોને-સમાજને દેખાવડા.. આ આંસુ આજે બહુ કિંમતી બની ગયા છે. જીવતે જીવ જે દીકરો કંઇ કામ ના આવ્યો, તે મર્યા પછી. આજે દીકરો જીવતો હોત તો? સવાલોની ગડમથલ વચ્ચે રાતના અંધારાએ શહેર પર કબજો જમાવ્યો અને ચોમેર શાંતિ છવાઇ ગઈ
(આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે)

Sunday, August 30, 2015

તોફાનો પાછળની એક હકીકત અને વિચાર: જ્યારે બાલિશ નેતા પીઢ સમાજને જોખમમાં મુકે છે!


આખરે પાટીદારોનું અનામત આંદોલન તોફાનોમાં જ ફેરવાઈ ગયું હતું. વર્ગવિગ્રહના ભય વચ્ચે પોલીસ અને પાટીદારો વચ્ચે વિગ્રહ શરૂ થઈ ગયો. જવાબદાર કોણ? હંગામાની શરૂઆત કેવી રીતે થઈ હતી? પોલીસ-પાટીદારો વચ્ચે જે તાલમેળ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ની સાંજ સુધી હતો એ અચાનક કેમ વિખાયો? આ પ્રશ્નો આજે અનેક લોકોને સતાવી રહ્યા છે. જવાબ મેળવવાની કવાયતમાં બધી અલગ અલગ વિગતો સાંભળવા મળી રહી છે.
એક મહત્વપૂર્ણ વાત એવી સામે આવી છે કે, સતત અપમાન અને અટકચાળાઓએ કાયદાના રક્ષકોની ધીરજ અને સંયમ છીનવી લીધા હતા. સમાજની એકતા (ટોળાશાહી)ના નામે સમગ્ર સિસ્ટમને હાઇજેક કરવાનો હઠાગ્રહ હતો અને સામે ‘કાયદાનું ભાન’ કરાવવાની કશ્મકશ ચાલી. જેના તીખારા પહેલાથી જ જ્વલંતશીલ સ્થિતિ પર ઉડ્યા અને તોફાનોની જ્વાળાઓ ઠેર-ઠેર ઊઠવા લાગી.
૨૫મી ઓગસ્ટે મહાસભા અને ક્રાંતિ રેલી પછી હાર્દિક અને મિત્રમંડળીએ અનશન શરૂ કર્યા. દરમિયાન સ્થળ પર સંયમ રાખીને ડ્યૂટી કરતા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓના અટકચાળા બાલિશ યુવાનોએ શરૂ કરી દીધા હતા:
‘શું નામ તમારું?.. તમે તો અનામત ક્વોટાવાળા..’ ‘તમે કેવા?.. તમેય અનામત ક્વોટાવાળા..’
આવી અનેક ટીખળો ખાખીના સ્વમાનને ક્યાંક ઠેસ પહોંચાડતી હતી. ખુદ નેતા જ જો પોતાના ભાષણમાં મુખ્યમંત્રી પદની ગરીમા જાળવ્યા કે સમજ્યા વિના, તેમને ગ્રાઉન્ડ પર બોલાવવાનો આગ્રહ કરતો હોય અને વિવેક ચૂકતો હોય તો પછી તેમના આસપાસના મિત્રો પાસેથી તો શું અપેક્ષા રહે?
કોઈ નક્કર પ્લાનિંગ વિના, સૂઝે તેવા તુક્કાઓને અમલી બનાવતા નેતા અને મિત્રમંડળીએ પરવાનગી વિના અનશન તો શરૂ કર્યા જ. સાથે તેમને રાત્રે લાખ માણસનું ટોળું એકઠું કરીને ‘પાવર’ બતાવવાનું તરકટ સૂઝ્યું. બધા મિત્રોને કહેવાયું તે, તેઓ બધા તેમના ૫૦-૫૦ મિત્રોને મેસેજ કરીને ગ્રાઉન્ડ પર બોલાવે અને આ રીતે રાત્રે જંગી સંખ્યામાં યુવાનો એકઠા થાય.
ફરજ પર હાજર સિનિયર પોલીસ અધિકારીઓએ તેમને સમજાવવાના પ્રયાસો કર્યા અને પોતાની મજબૂરી પણ દર્શાવી. ફરી એક બાલિશ યુવાને ‘પોલીસવાળાનું તે વળી શું સાંભળવાનું?’ કહીને તેમનું અપમાન અને અવગણના કરી.
સિનિયર અધિકારી કડવો ઘૂંટ પી ગયા. નેતા અને મિત્રોને સલામતી જોખવામાની ચિંતા દર્શાવીને બધાને સલામત સ્થળે ખસેડાયા.
પણ ખાખી વર્દીના સ્વમાનને લાગેલી ઠેસ અન્ય અધિકારીથી ન સહેવાણી. આખરે ‘કાયદાનું ભાન’ કરાવવા લાઠીવાળી શરૂ થઈ અને પછી ગુજરાતભરમાં તેના પડઘા તોફાનો અને પાટીદાર-પોલીસ વિગ્રહ તરીકે પડ્યા. ક્યાંક પાટીદારોએ રોષ ઠાલવ્યો, ક્યાંક પોલીસે સૂકા ભેગું લીલું બાળ્યું અને બેફામ થઈ દમન ગુજાર્યું. સ્થિતિ કાબૂ બહાર જતી રહી.
જવાબદાર કોણ? શું એ પોલીસ જેણે સાંજ સુધી સહકાર આપ્યો, ધીરજ રાખી, છતાં અટકચાળા અને અપમાનો કરીને તેમની ધીરજ-સંયમ છીનવી લેવાયા? કે એ બાલિશ નેતા અને તેના મિત્ર, જેમણે કાયદાના ખેતરમાં સીમાઓ જાણ્યા વિના તોરમાં આવીને ખુલ્લેઆમ ભેલાણ કર્યું?
વૈચારિક સ્પષ્ટતા વિનાના, અવિચારી, જીદ્દી, આપખુદ નેતાનું અનુસરણ પીઢ સમાજને હંમેશા જોખમમાં મૂકે છે. જે નેતા બંધદિમાગ છે, વસ્તુ સ્થિતિ સમજવા તૈયાર નથી, કોઇનું માનવા-સાંભળવા તૈયાર નથી, તે સમાજને કેવી રીતે સાથે રાખી શકશે? તે સમાજને કેવી રીતે દોરવણી આપશે?
.. અને નેતાને સમજ્યા વિના, એકતાના નામે વિશ્વાસ મૂકીને કે ખાલી દેખાડા ખાતરની એકતા દર્શાવવા તેની સાથે જોડાનારો સમાજ ખરેખર કઈ દિશામાં જશે?
જે લોકો અત્યાર સુધી નેતાગીરીમાં વિશ્વાસ કરતા હતા તેઓ આજે કહે છે કે, ‘આણે તો સમાજનું નામ બોળ્યું.’
પાટીદાર યુવાનો જ કહે છે કે, આ તો સમાજની એકતાના નામે હાર્દિક સાથે રહેવું પડ્યું. બાકી તેને સમર્થન આપવા કોઈ તૈયાર નથી.
રેલીમાં જોડાનારા યુવાનો જ કહે છે કે, ‘આ રીતે કામ ન થાય. જો તમે સમાજની વાત કરતા હો તો તમારે સમાજના લોકો-વડીલોની વાત સાંભળવી પણ પડે.’
પાટીદાર મહાસભા અને ક્રાંતિરેલીનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો એક ગરીબ પરિવારનો આધાર છીનવાયો છે અને એકનો એક કૂળદીપક બુઝાયો છે. અન્ય નવ પરિવારોમાં પણ મોતનો માતમ છવાયો છે અને અનેક નિર્દોષ લોકો જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે, તેમના પરિવારો પીડાના ભાર નીચે દબાઈ ગયા છે. સંપત્તિ-માલમિલકતને પણ લાખોનું નુકસાન પહોંચ્યું છે.
સભા રેલી અને તે પછીની ઘટનાઓ બહુ મોટો સંદેશો આપી રહ્યા છે.
-     શું એક વ્યક્તિના માર્ગે ચાલવાથી, તેની જીદ આગળ ઝુકવાથી જ પાટીદાર સમાજના પ્રશ્નો હલ થઈ જશે?
-     પાટીદાર સમાજના અનેક પ્રશ્નો છે: શિક્ષણથી લઈને બેરોજગારી સુધીના.. શું અનામત જ ઉકેલ છે?
-     જવાબ જે હોય તે, પણ તે આવી રીતે હંગામાથી જ મળશે? સંવાદથી ઉકેલ ન આવી શકે?
-     બંધ દિમાગથી અન્ય ખુલ્લી દિશાઓ નથી જોઈ શકાતી. સમાજની એકતા જરૂરી-મહત્વની છે. એકતા એ મહાશક્તિ છે. પણ આ શક્તિ વેડફાય નહીં, તેનો દુરુપયોગ ન થાય તે પણ જરૂરી-મહત્વનું છે.
-     જ્યારે એક નેતા પ્રજાને યોગ્ય દિશામાં ન લઈ જતો હોય ત્યારે સમાજ પાસે બે વિકલ્પ હોય છે: કાં તો નેતા બદલો, કાં રસ્તો બદલો. નેતાને જ્ઞાન લાધે ત્યાં સુધી સમાજને હાલાકીમાં મુકવાનું જોખમ સમજદારો નથી લેતા.

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...