Monday, December 26, 2016

મારી વાર્તા: કડક રાજા.. ધન્ય પ્રજા…



એક હતો રાજા. એના રાજ્યમાં મોટાભાગના લોકો સીધાસાદા મધ્યમ માણસો હતા, કેટલાક લોકો ભારે ભ્રષ્ટાચારી હતા. આ તત્વો સમયાંતરે રાજાના માણસોને કોષ માટે ગુપ્ત દાન આપતા. રાજા હંમેશા એવી જાહેરાતો કરતો: કોઇને છોડીશ નહીં, કોઇ અપ્રામાણિકની ખેર નથી. વગેરે વગેરે… એકવાર એણે નિર્ણય કર્યો. એના રાજ્યના પાંચ-દસ મહાચોરને પકડવાનો. એણે જાહેરાતો સાથે ફરમાન કર્યું: ‘આ ચોરને ગમે તેમ કરીને શોધો. આ રાજ્ય પ્રજાનું મોટાભાગનું નાણું ચોરી ગયા છે. એને પકડો, ફટકારો. એ ચોરને પકડવા રાજ્યના તમામ લોકોને વારાફરતી પાંચ-પાંચ દંડા ફટકારો. આનાથી જે ચોર હશે તે સામે આવશે અને નિર્દોષનું રક્ષણ થશે.’
સિપાહીઓ અને અધિકારીઓએ લોકોને પકડીને દંડા ફટકારવાનું શરૂ કર્યું. નાના-મોટા ખિસ્તા કાતરું અને બે-ચાર ચિન્ની ચોરે ગભરાઇને પોતાના ગુના કબૂલ્યા. બાકી લોકો વગર વાંકે દંડા ખાઇને રાજાની વાહવાહ કરવા લાગ્યા. રાજ્યને ‘ચોરમુક્ત’ કરવાના રાજાના અભિયાન બદલ પ્રજા રાજાને બહુ-બહુ ધન્યવાદ કરવા લાગી, રીતસર એની ભક્તિ કરવા લાગી. પોતાનો રાજા કેટલો કડક છે એવી દુહાઈ દેવા લાગી.
સમગ્ર કવાયતના અંતે એકાદ બે મોટાચોર પકડાઈ ગયા. બીજી તરફ અન્ય પાંચ-દસ મોટા ચોર ખૂબ જ આત્મવિશ્વાસુ હતા. તેમણે ફરી રાજ્યના સેવકો-અધિકારીઓને ગુપ્તદાન કરીને બચી નીકળવાનો રસ્તો શોધી લીધો. પોતે એકઠું કરેલું ધન કાયદેસર રીતે એકઠું કરેલું છે એવું પ્રસ્થાપિત કરી દીધું. બધી કવાયતના અંતે રાજાને ખૂબ પ્રસિદ્ધિ મળી. પ્રજાવત્સલ રાજા તરીકે તેની કિર્તી વધી. પ્રજાએ પણ આવા રાજાને પામીને ધન્યતા અનુભવી…

Thursday, December 22, 2016

સાહિત્ય: મારી વાચનપોથીમાંથી...

‘‘દુનિયા સામે હું કેવો લાગુ છું તેની મને ખબર નથી. પરંતુ મારી દૃષ્ટિમાં હું સત્યના વણશોધાયેલા મહાસાગરના કિનારે રમતા અને સુંવાળા પથ્થર અથવા સુંદર છીપલાં વીણવામાં મશગૂલ એવા અબુધ બાળક સમાન છું.’’ 
આઇઝેક ન્યૂટન:

‘‘પ્રોમિથિયસ હોય કે ભગવાન રામ હોય કે મહાન માનવી હોય, તે જો માનવી હોય તો માનવતા, દુ:ખો કે લાગણીઓની સજા ભોગવવી પડે છે.’’ 
- (ચેતનાની ક્ષણે, કાન્તિ ભટ્ટ, તા.૨૫-૦૧-૨૦૦૯)

‘‘જો મારામાં કોઈ ગુણ હોય, તો એ છે કે વ્યક્તિઓ સાથે તેમની રીતો અને ખાસિયતો મુજબ મેળ સાધવાનો, એમાં ક્યારેક તમારે જાત પર અંકુશ મૂકવો પડે. તકલીફ તો પડે પણ એ જરૂરી છે. નેતૃત્વ સંભાળવા માટે તમારે માનવીઓને પ્રેમ અને કાળજીપૂર્વક દોરવણી આપવાની હોય છે.’’ 
- જે. આર.ડી. ટાટા (૨૯ જુલાઈ ૧૯૦૪, ૨૯ નવેમ્બર ૧૯૯૩)

પુસ્તક: હું કોનારક શાહ, ચંદ્રકાન્ત બક્ષી…

… શ્રદ્ધાથી મન અને દેહ બંને અંકુશમાં રહે છે. ભગવાન એટલું જ દુ:ખ આપે છે, જેટલું માણસ સહન કરી શકે. (પે.૧૬૫)

ક્યારેક માણસના જીવનમાં એવી ક્ષણ આવતી હોય છે, જ્યારે માણસે માયાના બંધનો તોડી પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો હોય છે. (પે.૧૬૮)

સાપને ગમે તેટલું દૂધ પાઓ પણ એક દિવસ દંશ મારવાનો જ છે, ગાયને ગમે તેટલી લાકડી મારો પણ એ દૂધ આપવાની જ છે.  (પે.૨૦૫)

અઝીમ પ્રેમજી
‘‘… ચોક્કસ મારાં બાળકો પણ હંમેશા ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે.
 …મૂલ્ય. મને શીખવવામાં આવ્યું છે કે, ધન કરતાં વધુ મહત્વપૂર્ણ તમારાં મૂલ્યો છે.
હા હું સાવધાન છું. મને બહુ આત્મવિશ્વાસ નથી. હું મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં બહુ સમય લઉં છું. હું કોઇ પણ નિર્ણય લેતા પહેલાં તેના પર હોમવર્ક કરવાનું પસંદ કરું છું.
જો તમે કંઇ વિચારો છો તો પછી તેના પર અમલ કરતા તમને કોઇ રોકી ન શકે.’’

પુસ્તક: અતરાપી, ધૃવ ભટ્ટ

સારમેય હસી પડ્યો અને બોલ્યો, ‘ઝાડવાં કોઈ ભાષા જાણતા હશે તેવું તમને લાગે છે? એમને બોલાયેલી ભાષા સાથે કંઇ લેવાદેવા નથી. હું આજસુધીમાં જે સમજ્યો છું તે પરથી મને લાગે છે કે તમારો વિચાર ભાષા કે બોલીરૂપે પ્રગટ થાય તે પહેલાં તે તેના ઉદ્‌ગમપ્રદેશમાંથી વહીને સીધો જ પ્રકૃતિને પહોંચી જતો હોય છે. એટલે પ્રકૃતિ તમારા મનને પામી જાય છે. પછી તમે કદાચ કશું બોલો નહીં તો પણ તમે જે બોલવાના હતા, તેનાથી પ્રકૃતિ અજાણ રહેતી નથી. આ જ રીતે પ્રકૃતિ પોતાની વાત તમને કહી શકે છે. પ્રેરણા, ભાવના કે વિચારની અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર સચરાચરમાં કોઇનેય પડતી નથી.’ (પે.૭૭-૭૮)

પળભર વિચાર્યા વગર સારમેયે કહ્યું, ‘ઘણા અવાજોમાંથી જે સાંભળવા યોગ્ય લાગ્યું તે મેં સાંભળ્યું છે. હું હંમેશા જે કહેવા ઇચ્છતો હતો, તે જ બોલ્યો છું. દૃષ્ટિ સમક્ષ આવેલું તમામ મેં ધ્યાનપૂર્વક જોયું છે અને અંતે મેં જાણ્યું છે કે હું જાણતો નથી.’ (પે.૧૦૬)

‘‘સારમેય, કોઇપણ ઘટનાથી જીવને ફરક પડે, ઘટના પ્રત્યે પ્રતિભાવ જાગે, પોતાની સ્થિતિ બદલાઇ જાય છે તેમ તે અનુભવે તે ઘડીએ તે બંધાય છે. તે પહેલાં નહીં. સારમેય, પટ્ટાવગરના રહેવા માટે પટ્ટો ત્યાગવો જરૂરી નથી. ન કર્મ લિપ્યતે..’’ (પે.૧૫૦)

પુસ્તક: એકલવીર
‘‘જ્યારે કોઇ ઇષ્ટ હેતુની સિદ્ધિ કરવાની હોય છે ત્યારે માણસને પોતાના નિસર્ગ નિમિત્ત સ્વભાવ પર નિયંત્રણ મૂકવું પડે છે…’’

પુસ્તક: સમુદ્રાન્તિકે, ધૃવ ભટ્ટ
‘‘ સામે જવાબ દઇ દેનાર વ્યક્તિ જે વાત થોડી ઘણી પણ નથી સમજાવી શકતી, તે જ વાત કેટલાક જનો મૌન રહીને સંપૂર્ણત: સમજાવી દઇ શકે છે.’’

‘‘અહીં એકલું એકલું લાગતું હશે નહીં?’’ મેં પૂછ્યું. ‘‘રોજ એકધારું જીવ્યે જવાનું.’’ મારા મનનો આ સ્થાન પ્રત્યેનો અણગમો હું છુપાવી ના શક્યો.
‘‘ ક્યા એકલા ને ક્યા એકધારા?’’ ગુજરાતી હિન્દી મિશ્રિત ભાષામાં બાવાએ કહ્યું, ‘‘ દેખ, યે જો સમંદર હૈ, મૈને ઉસે એક હી રૂપ મેં કભી ભી નહીં દેખા. યે હરપલ નયા રૂપ લેતા હૈ. યે પથ્થર હૈ, યે રાસ્તા, પૈડ, પૌધે, યે મિટ્ટે, યે સબ જો ઇસ પલમેં હૈ અગલે પલ મેં વહીં હોંગે ક્યા? દોસ્ત, પ્રકૃતિ એક હી રૂપ ફિર સે કભી નહીં દિખાતી. હંમેશા બદલતી રહતી હૈ.’’
મારા મનમાં પ્રકાશ પથરાયો. મને સમજાઇ ગયું કે આ અફાટ સમુદ્રને રોજ રોજ જોયા કરવા છતાં મને કંટાળો કેમ નથી આવતો. એક પાછળ બીજા, એમ અવિરત ચાલ્યા આવતા, તેના તરંગો જોઇ રહેવાનું મને શા માટે ગમે છે? એ હવે સ્પષ્ટ થયું. પેલે પારથી પાણી લાવીને આ કિનારે બિછાવતો અને અહીંથી લઇ જઇને કોઇ અગોચર સ્થાનમાં જળ રેલાવતો આ મહાસાગર નિતાંત નવીન છે. કદાચ આ કારણે જ તેનું દર્શન આટલું તાજગીસભર હશે.
‘‘ ન મૈં યહાં અકેલા હું,’’ બાવાજીએ કહ્યં, ‘‘ તે સમંદર, યે રેત, યે ઝાડી કે કાંટે ઔર સબસે ઉપર રાત મેં ચમકતે તારે, સબસે બાત કરને કી આદત હો ગઈ હૈ. ઇનસે બાત કરને કે લિએ પૂરા જીવન કમ પડેગા ઔર તુ કહેતા હૈ મૈં અકેલા હું? પાગલ હૈ રે! તું.’’ (પે.૩૮)







Wednesday, December 21, 2016

સાહિત્ય: સાયલોકોજી ઓફ ટેરરિઝમ

સાયકોલોજી ઓફ ટેરરિઝમના અભ્યાસી એવા અમેરિકન સાયકોલોજિસ્ટ ક્લર્ક મેક્કોલી લખે છે: 

‘‘એક સૈનિકમાં ન્યોછાવર થવાની વૃત્તિ કેળવવા માટે જે વ્યૂહ સેના દ્વારા અપનાવાતો હોય છે, લગભગ એવો જ વ્યૂહ આત્મઘાતી હુમલાખોરો ફિદાઇનો તૈયાર કરવા માટે વાપરે છે. એ વ્યૂહ એવો હોય છે, માણસને તેના જૂના સમાજિક જીવનથી એટલો અળગો કરી દો અને તેને તેની ટીમ, બટાલિયન, એકમ સાથે એટલો ભેળવી દો કે સાથી સૈનિકો તેને પોતાનો પરિવાર, પોતાનો ભાઈ લાગવા માંડે. તેને ડર લાગવા માંડે કે જો તે નિષ્ફળ જશે તો તેના સંગઠનની નાલેશી થશે અને પોતાની ઇજ્જત પર ડાઘ લાગશે.

... આતંકી જૂથો ઇચ્છતા હોય છે કે, તે જેના પર હુમલો કરે એ દેશ (કે કોમ)નો વળતો પ્રત્યાઘાત આવે, ઉશ્કેરાય, ભૂંરાટા થાય, ભૂલો કરે, લડે.. જેથી તેના તરફ આંગળી ચીંધીને તેઓ પોતાના (મોટાભાગે પોતાના ધર્મના) લોકોને કહી શકે કે, જુઓ, જુઓ, આવો ક્રૂર છે આપણો દુશ્મન. આવું સાબિત કરીને તેઓ લોકોને ઉગ્રવાદી બનાવવાની અને આગળ જતાં વદુ મોટા કારનામાં કરવાની ગણતરી ધરાવતા હોય છે.’’

- દીપક સોલિયા, મનથી જેહાદી આર્ટિકલ, (દિ.ભા., તા. ૩-૧૨-૨૦૦૮)

સાહિત્ય: મારી વાચનપોથીમાંથી...

વાચન કણીકા... 

* પુસ્તક: આઇડિયોલોજી – ડેવિડ હોક્સ
* પુસ્તક:ધ એન્ડ ઓફ હિસ્ટ્રી – ફ્રાન્સિસ ફુકુયામા

‘‘બજારની વિચારસરણીએ તેની હરિફાઇ કરતી અન્ય વિચારસરણીઓને તોડી નાંખી છે અને તેથી તે માનવજાતની ઉત્ક્રાંતિનું ચરમબિંદુ છે. હવે માનવ ઇતિહાસને અન્ય વિચારધારાની જરૂર નથી.’’

‘‘આજથી થોડા દાયકાઓ પહેલાં જ્યારે દુનિયા ગોલ્ડન સ્ટાન્ડર્ડ પર ચાલતી હતી ત્યારે નાણાં એક નક્કર ચીજ હતી. સૈદ્ધાંતિક રીતે નાણાંનું સોનામાં પરિવર્તન કરી શકાતું હતું. હવે જગતનું નાણું એક આભાસ છે, તે એક પ્રતીક માત્ર છે. તે તમારા બેન્કના કંપનીના ખાતામાં એક એન્ટ્રી માત્ર છે. તે પહેલાંની જેમ નક્કર હકીકત નથી…’’

‘‘દરેક યુગના સૌથી પ્રભાવાત્મક વિચારો તે યુગના સત્તાશાળી વર્ગના જ વિચારો હોય છે. આ સત્તાશાળી વર્ગ પોતાની સત્તાને ‘લેજીટીમાઇઝ’ કરવા માટે એવા વિચારો પ્રજામાં ફેલાવે છે કે જેથી તેમની સત્તાને લોકો વૈચારિક ટેકો આપે. લોકો પર બળપ્રયોગ કરવાની જરૂર ના પડે.’’

‘‘શોષણનું સૌથી ખરાબ સ્વરૂપ એ છે કે જેમાં શોષિતો પોતે જ શોષણખોરની વિચારસરણીમાં માને અને તેનો પ્રચાર કરે…’’


- સંદર્ભ: નવું વાચન, નવા વિચારો – ધવલ મહેતા (ગુજરાત સમાચાર પૂર્તિ, પાના નંબર-૪, ૧૯-૧૧-૨૦૦૮) 


કાવ્ય...

કઇ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે? – ઉદયન ઠક્કર

તે ભેજવાળા શબ્દોનું
સતત સેવન કરવાથી
આવે છે રોજ ખાટા ઓડકાર
જઠરમાં કોહવાતા શબ્દોએ
ઊભરાતો આથો અમ્લપિત્તના આક્રંદથી
ગૂંગળાતા કવિતાના શ્વાસ
ચોમાસું ચાલે છે. 
- આદિલ મન્સુરી 

Thursday, December 15, 2016

સામાન્ય જ્ઞાન-વિજ્ઞાન

> સાર્વભૌમત્વ એટલે શું?
પોતાના આંતરિક વ્યવહારોમાં અને બહારના સંબંધોમાં રાજ્ય સર્વોપરી છે. જે પ્રજા આંતરિક અને બાહ્ય સંબંધોમાં સર્વોપરી નથી તે રાજ્યની સંજ્ઞા પ્રાપ્ત કરી શકે નહીં. રાજ્યના અસ્તિત્વ માટેના ચાર લક્ષણો: ૧. નિશ્ચિત પ્રદેશ ૨. વસતી ૩. સરકાર ૪. સાર્વભૌમત્વ.

સીઆરપીસી 164 – તાજનો સાક્ષી
અદાલતમાં કોઈ કેસના નક્કર પુરાવા માટે સીઆરપીસી સેક્શન 164 મુજબનું નિવેદન જરૂરી છે. કોઇ પણ આરોપી તાજનો સાક્ષી બનીને સહઆરોપીઓ વિરુદ્ધ મેજિસ્ટ્રેટની હાજરીમાં નિવેદન આપે તેને સીઆરપીસી 164 મુજબનું નિવેદન કહે છે. આ પ્રકારનું નિવેદન અદાલત પુરાવા તરીકે ગ્રાહ્ય રાખે છે.

જંત્રી એટલે શું?
સરકાર દ્વારા જમીન કે મિલકતોના ખરીદ વેચાણ પર સ્ટેમ્પ ડ્યૂટીના નામે જે ટેક્સ વસૂલાય છે તે જંત્રી, જે મિલકતોની બજાર કિંમતના આધારે લેવાય છે. જંત્રીમાં આવી મિલકતોની બજાર કિંમત શહેર-ગ્રામ્ય વિસ્તાર, વિકાસ સહિતના અનેક ધોરણોના આધારે નક્કી કરાય છે.

શું છે રેપોરેટ?
બેન્કો પોતાની રોજની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આરબીઆઇ પાસેથી લોન લેતી હોય છે. તેના બદલે બેન્કો આરબીઆઇને જે દરે વ્યાજ આપે છે તે રેપોરેટ.
ઘટાડાથી ફાયદો: બેન્કોનો ધિરાણ પરનો ખર્ચ ઘટશે. પરિણામે તેઓ વધુ ઉદાર થઈને લોન આપી શકશે.

કેશ રિઝર્વ રેશિયો:
કેશ રિઝર્વ રેશિયો એ સરેરાશ છે, જેના આધારે તમામ બેન્કોને તેમની કુલ ડિપોઝિટની એક ચોક્કસ રકમ રિઝર્વ બેન્ક પાસે જમા કરાવવાની રહે છે.
ઘટાડાનો ફાયદો: બેન્કિંગ તંત્રમાં મોટી રકમ આવે છે, જેથી બેન્કો વધુ ધિરાણ આપી શકે છે.

e=mc2

અંતરમાં મપાતું બ્રહ્માંડ/space અને સેકન્ડ-મિનિટ-કલાકોમાં મપાતો સમય/time બંને એકબીજા કરતાં જૂદાં નથી. બંને એક જ છે. એટલે કે ચોતરફ દૃષ્ટિગોચર થતું બ્રહ્માંડ પોતે space time છે. આ ચોંકાવનારા સત્યનો ઘટસ્ફોટ કરતું સૂત્ર e=mc2 છે.
ઊર્જા/Energy
પદાર્થનું દળ/Mass (matter)
આ બંને એક જ સિક્કાની બે બાજુ છે, બે અલગ સિક્કા નથી. ઊર્જા એ જ પદાર્થ છે અને પદાર્થ એ જ ઊર્જા. માટે તેમની વચ્ચે ભેદ ના પાડવો જોઇએ.
Energy = mass c2 (speed of light)

ઊર્જા = પદાર્થનું દળ * પ્રકાશની ગતિ2 (સ્કેવર)
(પદાર્થનું દળ હંમેશા કિલોગ્રામમાં લેવું. પ્રકાશની ઝડપનો આંક સેકન્ડના મીટર લેખે લેવો.)

પ્રકાશની ઝડપ સેકન્ડના 3,00,000 કિલોમીટર એટલે કે 30,00,00,000 મીટર = 3*10ની 8 ઘાત

e=mc2
e= (0.007 કિગ્રા) * (3*10ની 8 ઘાત)નો સ્કેવર
e= 0.007 * 9 * 10ની 16 ઘાત
e = 6.3 * 10ની 14 ઘાત જૂલ ઊર્જા!

ઇલેક્ટ્રિસિટીનાં એકમો પ્રમાણે, 36,00,000 જૂલ = 1 કિલોવોટ પ્રતિકલાક/kwh





માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...